આલ્બર્તી રાફેલ (જ. 16મી ડિસેમ્બર 1902, પુએર્તો દ સાંતા મારિયા, સ્પેન; અ. 28 ઑક્ટોબર 1999, સ્પેન) : સ્પૅનિશ કવિ અને નાટ્યકાર. 1936-39ના સ્પૅનિશ આંતરવિગ્રહમાં તેમણે ભાગ લીધેલો અને દેશવટો ભોગવેલો.
તેમણે માદ્રિદમાં અભ્યાસ કર્યો હતો અને 1922માં કાવ્ય-લેખન-પ્રકાશનની શરૂઆત કર્યા પહેલાં ચિત્રકાર તરીકે થોડી સફળતા મેળવી હતી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘મારિનેરો એન ટીએરા’ (અંગ્રેજી : ‘સેઇલર એશોર’ 1925) તેમના વતન પાસેના કાદિઝ પ્રદેશના દરિયાનો ખ્યાલ આપે છે. એ સંગ્રહ માટે તેમને રાષ્ટ્રીય પારિતોષિક મળેલું. 1927માં આલ્બર્તીએ સ્પૅનિશ સાહિત્યકાર ગોંગોરાની ત્રિશતાબ્દીની ઉજવણીમાં અગત્યનો ફાળો આપ્યો હતો. તે સમયના તેમના લેખનમાં ગોંગોરાવાદની અસર સ્પષ્ટ જણાય છે. આ કૃતિઓ ‘ઍલ અલ્બા દેલ અલ્હેલી’ (1927) અને ‘કેલ ય કાં તો’ (1928, અંગ્રેજી : લાઇમ ઍન્ડ સ્ટોન) છે.
આલ્બર્તીએ તેમની ‘સોબ્રે લોસ ઍન્જેલ્સ’ (‘અબાવ ધી ઍન્જેલ્સ’) 1929 નામની સૌથી અગત્યની કૃતિથી કાંઈક અંશે અતિવાસ્તવવાદી (surrealist) અને અને પ્રૌઢ કવિ તરીકે પોતાની આગવી શૈલી ઉપસાવી હતી. આ કૃતિ સ્પૅનિશ કવિતાનો વસંતવિજય છે. અહીં તેમણે કરેલ આકાશનું ભવ્ય વર્ણન અને વેરાન પ્રદેશોનો ગાઢ અંધકાર અંગ્રેજ કવિ વિલિયમ બ્લેકનાં કેટલાંક કાવ્યો અને ચિત્રોની યાદ અપાવે છે. સ્પૅનિશ ભાષી દેશોમાં સર્વશ્રેષ્ઠ સાહિત્યકારને આપવામાં આવતું ‘સરવાન્તિસ પ્રાઇઝ’ તેમને 1983માં એનાયત થયું છે. 1930માં તેમણે નાટકો રચ્યાં, ખૂબ પ્રવાસ ખેડ્યો અને સામ્યવાદી પક્ષની પ્રવૃત્તિમાં ભાગ લીધો. તેમને સામ્યવાદી પક્ષમાંથી થોડા સમય બાદ બરતરફ કરવામાં આવ્યા હતા. એ જ અરસામાં ‘અક્તુબર’ નામનું સામયિક શરૂ કરેલું. સ્પેનમાં પ્રજાસત્તાક રાજ્ય સ્થાપવા તેમણે આંતરવિગ્રહમાં ભાગ લીધો હતો અને તે પછી તે દેશ છોડી ફ્રાંસ અને ત્યારબાદ આર્જેન્ટીના ભાગી ગયેલ. આર્જેન્ટીનામાં તેમણે ‘લોસાડો’ પ્રકાશનગૃહમાં કામ કરેલું અને કવિતા તથા ચિત્રકલાની પ્રવૃત્તિ ફરી ચાલુ કરી હતી. 1941માં તેમણે પોતાનો નવો કાવ્યસંગ્રહ ‘એન્ત્રે એલ ક્લાવૅલ ય લા એસ્પાદા’ પ્રગટ કર્યો અને 1942માં તેમણે ‘લા આરબોલેદા પરદીદા’ (1959) નામે આત્મકથા તથા આંતરવિગ્રહ વિશે નાટક, ગદ્ય અને કવિતાસંગ્રહ ‘દે અન મૉમેન્ટો અ અત્રો’ પ્રગટ કરેલાં. તેમણે ચિત્રોને લગતાં કાવ્યોનો સંગ્રહ ‘અ લા પિન્તુરા’ (1945) નામે પ્રગટ કર્યાં. તેમના કાવ્યસંગ્રહો અનેક આવૃત્તિ પામ્યા છે. 1961 પછી તેઓ મોટા ભાગે ઇટાલીમાં રહેલ છે.
રૅફેલ આલ્બર્તીનાં કેટલાંક પસંદ કરેલાં કાવ્યોનું અંગ્રેજી ભાષાંતર બેન બેલિટ્ટે 1966માં પ્રગટ કરેલું આલ્બર્તીની આત્મકથાનું અંગ્રેજી ભાષાંતર ‘The Lost Grove : Autobiography of a Poet in Exile’ 1976માં પ્રગટ થયેલ છે. 1977માં તેઓ સ્પેનમાં પરત આવ્યા છે. આલ્બર્તી નરી ચોખ્ખી કવિતાના સમર્થ સ્પૅનિશ કવિ છે.
કૃષ્ણવદન જેટલી