આલ્ફેરોવ, ઝ્હોરેસ આઈ. (Zhores I. Alferov) [જ. 15 માર્ચ 1930, વિટેબ્સ્ક (Vitebsk), બેલોરશિયા (બેલારૂસ), યુ. એસ. એસ. આર. અ.; 1 માર્ચ 2019, સેંટ પીટર્સબર્ગ, રશિયા] : આધુનિક માહિતી પ્રૌદ્યોગિકી(information technology)નો સ્થાયી અને સધ્ધર પાયો નાખનાર અને તે બદલ ઈ. સ. 2000નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક મેળવનાર રશિયન ભૌતિકવિજ્ઞાની.
1962થી તેઓ ટ્રાઇવેલન્ટ-પેન્ટાવેલન્ટ (III-V) અર્ધવાહક વિષમ સંરચના (hetero-structure) ઉપર સંશોધનકાર્ય કરે છે. (IIIV) અર્ધવાહક સંરચના દ્વારા તેમણે ભૌતિકવિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રે અનન્ય ફાળો આપ્યો છે. ખાસ કરીને તેમણે અંત:ક્ષેપણ (injection)-ગુણધર્મો, લેસરનો વિકાસ, સૌર કોષો, લેડ્ઝ (LEDS – Light Emitting Diodes) તથા એપિટેક્સી પ્રક્રિયાઓ ઉપર કરેલા કાર્યને લીધે આધુનિક વિષમસંરચના ભૌતિકવિજ્ઞાન અને ઇલેક્ટ્રૉનિક્સનું સર્જન થયું છે. એક જ સ્ફટિક ઉપર બીજા પદાર્થનું સ્તર કરીને તેનો એવો વિકાસ (growth) કરવામાં આવે કે જેથી નવા સ્ફટિકની રચના અવસ્તર (substrate) જેવી જ રહે. અર્ધવાહક પ્રયુક્તિઓ બનાવવામાં તેનો ઉપયોગ થતો હોય છે. તેઓ લેનિનગ્રેડના વી. આઇ. ઉલ્યાનૉવ (Ulyanov) (લેનિન) ઇલેક્ટ્રૉટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી 1952માં સ્નાતક થયા. 1953માં તે ફિગ્રિકો-ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટના સ્ટાફમાં જોડાયા. આ સંસ્થામાં તેઓ જુનિયર સંશોધક (1953-1964); સિનિયર સંશોધક (1964-1967) તથા પ્રયોગશાળાના વડા તરીકે રહ્યા (1967-1987) અને છેલ્લે તે જ સંસ્થાના નિયામક તરીકે 1987માં નિમાયા હતા. આયોફે (Ioffe) ઇન્સ્ટિટ્યૂટમાંથી તેમણે 1961માં વિજ્ઞાન અને ટૅકનૉલૉજીની તથા 1970માં ભૌતિકવિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં ડી.એસસી.ની પદવી મેળવી.
1973માં આલ્ફેરૉવે સેંટ પીટર્સબર્ગ સ્ટેટ ઇલેક્ટ્રૉટૅકનિકલ યુનિવર્સિટી(અગાઉનું Ulyanov clenin electrotechnical Institute)ના ઓપ્ટો ઇલેક્ટ્રૉનિક્સ વિભાગનું અધ્યક્ષપદ સંભાળી લીધું. 1988માં તેઓ સેંટ પીટર્સબર્ગ ટૅકનિકલ યુનિવર્સિટીના ભૌતિકવિજ્ઞાન અને ટૅકનૉલૉજી વિદ્યાશાખાના વડા (dean) તરીકે નિમાયા. 1972માં તેઓ યુ. એસ. એસ. આર. એકૅડેમી ઑવ્ સાયન્સીઝના અંગીકૃત (corresponding) સભ્ય તરીકે ચૂંટાયા અને 1979માં પૂર્ણ સભ્ય તરીકે. 1989થી તેઓ યુ. એસ. એસ. આર. (રશિયન) એકૅડેમી ઑવ્ સાયન્સના ઉપાધ્યક્ષ અને સેંટ પીટર્સબર્ગ સાયન્ટિફિક સેન્ટરના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી રહ્યા હતા.
ઈ. સ. 2000માં નોબેલ પુરસ્કાર ઉપરાંત તેમને અન્ય દસ વિશિષ્ટ ઇનામો અને ઍવૉર્ડ મળ્યાં છે. તેમને નીચેનાં માનાર્હ સભ્યપદ આપવામાં આવ્યાં હતા : ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટના આજીવન ફેલો, યુ. એસ. (1971); જર્મન એકૅડેમી ઑવ્ સાયન્સીઝના વિદેશી સભ્ય (1987); માનાર્હ પ્રાધ્યાપક, હવાના યુનિવર્સિટી (ક્યૂબા, 1987); પૉલિશ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના વિદેશી સભ્ય (1988); નૅશનલ એકૅડેમી ઑવ્ એન્જિનિયરિંગના વિદેશી ઍસોસિયેટ (યુ. એસ., 1990); નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના વિદેશી ઍસોસિયેટ (યુ. એસ., 1990); મટિયોરોલૉજિકલ એકૅડેમીના માનાર્હ સભ્ય (સેંટ પીટર્સબર્ગ, 1994); નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝ, બેલારૂસના વિદેશી સભ્ય (1995); કોરિયન એકૅડેમી ઑવ્ સાયન્સીઝ ઍન્ડ ટૅકનૉલૉજીના વિદેશી સભ્ય (1995); પાકિસ્તાન સોસાયટી ફૉર સેમીકંડક્ટર સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજીના માનાર્હ સભ્ય; ઇન્ટરનેશનલ એકૅડેમી ઑવ્ ઇકૉલૉજી, મૅન ઍન્ડ નેચર પ્રોટૅક્શન સાયન્સીઝના એકૅડેમિશ્યન (સેંટ પીટર્સબર્ગ, 1998); માનાર્હ ડૉક્ટર ઑવ્ હ્યુમેનિટી યુનિવર્સિટી (સેંટ પીટર્સબર્ગ, 1998).
તેઓ ‘રશિયન જર્નલ’ના મુખ્ય સંપાદક હતા તથા બીજાં કેટલાંક રશિયન સામયિકોના સંપાદક-મંડળના સભ્ય હતા. તેમણે 4 પુસ્તકો, અર્ધવાહક ટૅકનૉલૉજી ઉપર 50 શોધ-લેખો સાથે 400 સંશોધન-લેખો લખ્યાં છે.
આનંદ પ્ર. પટેલ