આલ્પાઇન ગિરિનિર્માણ (Alpine Orogeny) : આલ્પ્સ પર્વતસંકુલના નિર્માણનું ઘટનાચક્ર. તૃતીય જીવયુગ (tertiary) દરમિયાન થયેલા ક્રમિક ભૂસંચલનજન્ય ઉત્થાન (tectonic uplift) દ્વારા યુરોપીય ભૂપૃષ્ઠ પર આલ્પ્સ તરીકે ઓળખાતા જે વિશાળ પર્વતસંકુલનું નિર્માણ થયું, તે સમગ્ર ઘટનાચક્રને આલ્પાઇન ગિરિનિર્માણ કહેવાય છે. આ જ કાળ દરમિયાન મધ્ય અને દક્ષિણ એશિયાના વિશાળ વિસ્તારને આવરી લેતા દુનિયાના છાપરા તરીકે જાણીતા પામીરની ગાંઠમાંથી સંખ્યાબંધ પર્વતશ્રેણીઓનાં સંકુલો પણ રચાયાં. એ પૈકીનું એક સંકુલ હિમાલયની ગિરિમાળાઓ પણ છે. દક્ષિણ એશિયામાં આ ભૂસંચલન-ઘટનાચક્રને હિમાલય-ગિરિનિર્માણ કહેવાય છે.
દુનિયાભરમાં જાણીતી, મોટી ગણાતી પર્વતમાળાઓ વાયવ્ય આફ્રિકાની ઍટલાસ પર્વતમાળા; સ્પેન અને ફ્રાન્સ વચ્ચેની પીરેનીઝ પર્વતમાળા; મધ્ય યુરોપમાંનું પૂર્વ ફ્રાન્સ, દક્ષિણ જર્મની, સ્વિટ્ઝર્લૅન્ડ, પશ્ચિમ ઇટાલી વગેરે વિસ્તારોને આવરી લેતું આલ્પ્સ પર્વતસંકુલ; પૂર્વ યુરોપના કાર્પેથિયન પર્વતો; ઈરાન-રશિયા વચ્ચેની કૉકેસસ પર્વતમાળા; પામીરની ગાંઠમાંથી વિકેન્દ્રિત થતી પર્વતમાળાઓ અને તે પૈકીની હિમાલય પર્વતમાળા; પશ્ચિમ યુ.એસ.એ.ની રૉકીઝ પર્વતમાળા; દક્ષિણ અમેરિકાની પશ્ચિમે આવેલી એન્ડીઝ પર્વતમાળા આ કાળગાળા દરમિયાન જ નિર્માણ પામેલી છે.
આ અગાઉ હર્સિનિયન ગિરિનિર્માણ તરીકે ઓળખાતી ભૂસંચલન-ઘટના ઊર્ધ્વ પેલિયોઝોઇકના કાર્બોપર્મિયન સમયગાળામાં થયેલી. ત્યારપછી ટ્રાયાસિક – જુરાસિક કાળ દરમિયાન પણ ઓછાવત્તા પ્રમાણમાં ભૂસંચલનક્રિયાઓ ચાલુ જ હતી. દક્ષિણ ઇંગ્લૅન્ડમાં જુરાસિકના અંતિમ ચરણ વખતે બનેલી ઘટનાઓ પરબેક ટાપુનું ઊર્ધ્વવાંક (anticline) ઉત્થાન, હૅમ્પશાયર થાળાનો અધોવાંક (syncline), વેલ્ડન-ઊર્ધ્વવાંકનું ઉત્થાન અને લંડન-થાળાનો અધોવાંક આ બાબતની સાક્ષી પૂરે છે. વાસ્તવિક રીતે જોતાં, આ ગિરિનિર્માણ ક્રિટેસિયસના અંત વખતે શરૂ થયેલું ગણાય છે, તે નિમ્ન ટર્શ્યરીકાળ દરમિયાન અમુક અમુક અંતરે ચાલુ રહેલું છે. ઊર્ધ્વ ટર્શ્યરીની શરૂઆતના માયોસીનમાં તેની તીવ્રતા પરાકાષ્ઠાએ પહોંચેલી, પરંતુ સામાન્યત: પ્રત્યેક ભૂસંચલનઘટનામાં બને છે તેમ અહીં ત્યારપછીથી ક્રમિક રીતે તેની તીવ્રતા ઘટતી ગયેલી હોવા છતાં તે તદ્દન બંધ થઈ નથી જ. આજે પણ આ પર્વતો (વિશેષ કરીને હિમાલય 1 સેન્ટિમીટર પ્રતિવર્ષના દરથી) ઉત્થાન પામી રહ્યા છે. ક્રિટેસિયસ અને નિમ્ન ટર્શ્યરીમાં પ્રારંભિક કંપનોની શરૂઆતને અનુસરીને પ્રથમ મોટો ભૂસંચલન તબક્કો નિમ્ન માયોસીનમાં થયેલો, જે મધ્ય માયોસીન અને ઊર્ધ્વ માયોસીનમાં ફરીફરીને એટલી જ તીવ્રતાથી બેવડાયેલો. માયોસીનમાં થયેલા આ તીવ્રતમ તબક્કાને આલ્પ્સના ઉત્થાનના પ્રચંડ તબક્કા તરીકે ઘટાવી શકાય. સમગ્ર રીતે જોતાં તો, માયોસીન વખતે થયેલા આ મહાવિક્ષેપમાં દુનિયા આખીનું ભૂપૃષ્ઠ સામેલ થયેલું, જેમાં વિશાળ પાયા પરની પર્વતીય ઉત્થાનક્રિયાઓ થતી ગઈ છે.
મુખ્યત્વે કરીને યુરોપના સંદર્ભમાં જોતાં, આલ્પ્સ-વિસ્તાર, એમાંય ખાસ કરીને સ્વિટ્ઝર્લૅન્ડનો વિસ્તાર, આ ગિરિનિર્માણમાં પ્રચંડ તીવ્રતાનું કેન્દ્ર બનેલો. એ જ રીતે એશિયામાં હિમાલયનો વિસ્તાર આવું જ કેન્દ્ર બનેલો. આ પર્વતસંકુલોમાં વિશાળ ધસારા સપાટી રચતા સ્તરભંગો (thrust faults) અને અતિગેડો(overfolds)નું નિર્માણ થયેલું છે. આલ્પ્સની બાબતમાં ગિરિનિર્માણ રચતાં પોપડાનાં મોજાં (crustal waves) દક્ષિણથી ઉત્તર તરફના વલણવાળાં, ને હિમાલયની બાબતમાં તે ઉત્તરથી દક્ષિણ તરફના વલણવાળાં હતાં. એકને ઉત્તર છેડે બ્રિટિશ ટાપુઓ, તો બીજાને દક્ષિણ છેડે ભારતનો દ્વીપકલ્પ હતો. બંનેમાં ગેડરચનાઓનું વલણ પૂર્વ-પશ્ચિમ દિશાનું રહેલું.
દરેક ભૂસંચલન ઘટનાચક્રમાં બને છે તેમ, અહીં પણ વિસ્તૃત આગ્નેય પ્રક્રિયાઓ (igneous activities) ઉદભવી અને લાંબા ગાળા સુધી ચાલુ પણ રહી. જર્મનીમાં રહાઇનના નીચલા ભાગમાં અને અગાઉ ઓળખાતા ચેકોસ્લોવૅકિયામાં વિસ્તૃત આગ્નેય પ્રક્રિયાના પ્રદેશો જોવા મળે છે. એ જ રીતે હિમાલયના મધ્ય-અક્ષ વિસ્તાર(central axial zone)માં પણ તે નજરે પડે છે. બ્રિટન-આઇસલૅન્ડનું ઉદાહરણ લેતાં, ઇયોસીન સમયગાળામાં લાવા-પ્રસ્ફુટન થયેલું, જે આંતરે આંતરે આજ પર્યંત ચાલુ રહ્યું છે. તેની જ્વાળામુખી-પ્રસ્ફુટન-પ્રક્રિયા હજી આજે પણ અટકી નથી. ભારતના દ્વીપકલ્પીય વિસ્તારમાં નિમ્ન ટર્શ્યરીમાં થયેલા પ્રચંડ જ્વાળામુખીજન્ય લાવા-પ્રસ્ફુટનનો જોટો દુનિયાભરમાં જડે એમ નથી.
દુનિયાની ઉપર્યુક્ત ભૂસંચલનજન્ય પર્વતમાળાઓ નિમ્ન ટર્શ્યરીના પ્રારંભકાળથી શરૂ થઈને લગભગ આજ પર્યંત જુદા જુદા તબક્કાઓમાં ઉત્થાન પામતી રહી છે, જેને પરિણામે આજે જોવા મળતી ભૂપૃષ્ઠ-રચના અને તેનાં વિવિધ સ્થળર્દશ્યો આકાર પામેલાં છે. હંગેરીનો વિશાળ મેદાની વિસ્તાર, કાળો સમુદ્ર અને કાસ્પિયન સમુદ્ર એક વખતના વિશાળ પરંતુ પછીથી છીછરા થતા જતા સમુદ્રનાં અવશિષ્ટ સ્વરૂપો માત્ર છે. માયોસીન ભૂસંચલનની તાત્કાલિક અસર તો એ પહોંચી કે ટેથીઝ મહાસાગર ઉત્તરથી દક્ષિણ તરફ ધકેલાતો ગયો, બ્રિટિશ ટાપુઓનું સમગ્ર ભૂપૃષ્ઠ ઊંચું આવ્યું અને ભૂમિપ્રદેશમાં ફેરવાયું. ઑલિગોસીન સમયનો સમુદ્ર દક્ષિણતરફી પીછેહઠ કરતો ગયો. ઇંગ્લૅન્ડ અને મહદ્અંશે યુરોપનો જળપરિવાહ જે સ્વરૂપે આજે જોવા મળે છે તે પશ્ચાત્ માયોસીનમાં રચાયો; જોકે પ્લાયસ્ટોસીન હિમકાળ વખતે તેમાં પશ્ચાદવર્તી ફેરફારો તો થયેલા છે. તે જ રીતે આજના ભારતીય ઉપખંડની રૂપરેખા પણ આ જ કાળ દરમિયાન તૈયાર થયેલી છે.
આમ ટેથીઝ મહાસાગરની પીછેહઠમાં જે થાળાં અવશેષ-સ્વરૂપે રહ્યાં તે પૈકીનું વિશાળ સમુદ્રથાળું એ આજનો ભૂમધ્ય સમુદ્ર ગણાય છે. અન્ય થાળાં શરૂશરૂમાં ખારા પાણીનાં હતાં, તે કાલાન્તરે સ્વચ્છ જળનાં થાળાંસ્વરૂપે (સરોવરો-સ્વરૂપે) આજે ફેરવાઈ ગયેલાં જોવા મળે છે. હિમાલયમાં આ પ્રકારનાં સરોવરો ઠેકઠેકાણે નજરે પડે છે. યુરોપમાંનું વિયેના-થાળું પણ આવું જ એક ઉદાહરણ છે. આ જ કારણથી બ્રિટિશ ટાપુઓ માયોસીન વખતે ભૂમિપ્રદેશ બન્યા હોવાથી ત્યાં માયોસીન સમયના દરિયાઈ નિક્ષેપો જોવા મળતા નથી. માયોસીન કાળનું છૂટક છૂટક નિક્ષેપ-વિતરણ જ દરિયો ધકેલાઈ જવાની સાક્ષી પૂરે છે. આજનો ભૂમધ્ય સમુદ્ર માયોસીન કાળમાં જ ભારતીય વિસ્તારથી છૂટો પડી ગયેલો છે. જર્મનીમાં જોવા મળતા માયોસીન નિક્ષેપો માત્ર તેના વાયવ્ય ભાગ પૂરતા જ દરિયાઈ લક્ષણોવાળા છે. આ બધી બાબતો દરિયાઈ પીછેહઠની સાબિતી આપી જાય છે. આ ઉપરાંત ઇંગ્લૅન્ડના લેક ડિસ્ટ્રિક્ટનો વિસ્તાર મૂળભૂત રીતે જે પેલિયોઝોઇક ખડકોનો બનેલો હતો, તેના ઉપર જુરાસિક અને ક્રિટેસિયસ ખડકોનાં આવરણ થયેલાં; આજની આ પ્રદેશની વિકેન્દ્રિત જળપરિવાહરચના (radial drainage) તેના ઘુમ્મટ આકારે થયેલા ઉત્થાનને આભારી છે અને આ ઉત્થાન ટર્શ્યરી સમયે તેમાં થયેલા લેકોલિથ-અંતર્ભેદનને આભારી છે. પેનાઇન પર્વતોનું છેલ્લું ઉત્થાન પણ કદાચ આ સમયે જ થયેલું હોવાનું મનાય છે.
ગિરીશભાઈ પંડ્યા