આલ્ટો, અલ્વર (જ. 3 ફેબ્રુઆરી 1898 કુઓર્ટેન, ફિનલૅન્ડ; અ. 11 મે 1976 હેલસિન્કી, ફિનલૅન્ડ) : ફિનિશ સ્થપતિ. આખું નામ હ્યુગો અલ્વર હેન્રિક આલ્ટો. વીસમી સદીનો અગ્રણી સ્થપતિ ગણાય છે. તેણે કેવળ પોતાના દેશ ફિનલૅન્ડમાં જ નહિ, પરંતુ દુનિયાભરમાં આધુનિક સ્થાપત્ય વિશે નવીન વિચારધારા સર્જી અને તેનો વિનિયોગ તેણે સ્થાપત્ય, નગર-યોજના અને રાચરચીલાની ડિઝાઇનમાં કરી બતાવ્યો.
1923-25 દરમિયાન તેણે તે નવ્ય પ્રશિષ્ટ શૈલીના બાંધકામથી આરંભ કર્યો. પણ વીપુરીના ગ્રંથાલયના મકાનના બાંધકામમાં (1927-35, 1943માં વિનાશ) તેણે આંતરરાષ્ટ્રીય આધુનિક શૈલી અપનાવી હતી. આ નવીન શૈલીમાં તેણે આ યુગના લાક્ષણિક સ્થાપત્યવાળી કેટલીક ઇમારતો રચી હતી, જેમાં પૈમિયોનું આરોગ્યધામ (સેનેટોરિયમ) (1929-33), પૅરિસ અને ન્યૂયૉર્કના પ્રદર્શનમાં ફિન્નિશ મંડળ (1937) અને સ્થાપત્ય (1939), કેમ્બ્રિજ-(મૅસૅચૂસેટ્સ)માં વિદ્યાર્થીઓના છાત્રાવાસ (1947-49), ઇમાત્રાનું ચર્ચ (1952-58) અને સાંસ્કૃતિક ભવન(1959)નો સમાવેશ થાય છે.
બાંધકામની સામગ્રી અને તેની માવજત પર તેનું લક્ષ એકાગ્ર થતું. ફિનલૅન્ડ વનસમૃદ્ધિ ધરાવતો દેશ હોવાથી તેના સ્થાપત્ય અને રાચરચીલામાં લાકડાનો ઉપયોગ સૌથી મહત્વનો થયો છે. ખાસ કરીને પ્લાયવૂડને વળાંક આપીને બનાવેલી વસ્તુઓ તેની આગવી શોધ છે. બીજા વિશ્વયુદ્ધ બાદ તેના સ્થાપત્યમાં વિશેષ મૌલિકતા આવી, જે માટે તેણે પોતાનું આગવું માધ્યમ ઉપયોગમાં લીધું છે. એમાં વળાંકવાળી દીવાલો અને એકઢાળિયાં છાપરાંની રચનામાં ઈંટો અને ઇમારતી લાકડાનો અદભુત મેળ સાધીને, અધિક વિશદતાયુક્ત સ્થાપત્યનો નવો પ્રયોગ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કરી બતાવ્યો છે.
સ્નેહલ શાહ