આર. રામચંદ્રન્ (જ. 1923 , તમરતિરુતિ, જિ. ત્રિચુર, કેરળ; અ. 3 ઑગસ્ટ 2005) : મલયાળમ કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘આર. રામચંદ્રન્ટે કવિતાકલ’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ અધ્યાપકપદે કાર્યરત રહ્યા હતા. તેઓ મલબાર ક્રિશ્ચિયન કૉલેજ, કાલિકટમાંથી આચાર્ય તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ અંગ્રેજી અને સંસ્કૃત ભાષાના જાણકાર હતા. તેઓ શાસ્ત્રીય સંગીત, ઇતિહાસ અને દર્શનમાં રુચિ ધરાવતા હતા.
તેમણે 4 કાવ્યસંગ્રહો આપ્યા હતા : ‘મુરલી’, ‘સંધ્યા નિકુંજનગલ પિન્ને ?’, ‘ઍન્થિન્ની યાત્રા ?’ અને ‘આર. રામચંદ્રન્ટે કવિતાકલ’.
તેમની પુરસ્કૃત કૃતિ ‘આર. રામચંદ્રન્ટે કવિતાકલ’માંનાં કાવ્યો આ ચાર દસકામાં કવિની રચનાત્મક સિદ્ધિઓનું ક્રમવાર નિરૂપણ કરીને તેમને એક કવિ તરીકે સ્થાપિત કરે છે. તેમાં તેમણે તેમની વિરાટતાની છાપ ઉપસાવી છે. આધુનિક મલયાળમ કવિતાના વિકાસમાં તેમનો પ્રભાવ જેટલો સબળ છે તેટલી જ વિષયવસ્તુની સંવેદનશીલતા અને શૈલી પણ સબળ છે. ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓનાં મહત્વપૂર્ણ તત્વોને આધુનિકતા સાથે સમાયોજિત કરવાને કારણે આ પુરસ્કૃત કૃતિ મલયાળમમાં રચાયેલ ભારતીય કવિતામાં મહત્વનું પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા