આર. પ્રજ્ઞાનંદા (જ. 10 ઑગસ્ટ 2005, ચેન્નાઈ) : સૌથી નાની વયે ગ્રાન્ડમાસ્ટરનો ખિતાબ જીતનાર ભારતનો શતરંજ ખેલાડી.
બૅન્કર પિતા રમેશબાબુ અને માતા નાગાલક્ષ્મીનું બીજું સંતાન પ્રજ્ઞાનંદાને બાળપણથી જ ચેસમાં રુચિ હતી. 2013માં માત્ર આઠ વર્ષની વયે તેણે વર્લ્ડ યુથ ચેસ ચેમ્પ્યિનશીપ, અન્ડર– 8માં વિજય મેળવ્યો. ત્યારબાદ વર્ષ 2016માં માત્ર 10 વર્ષ, 10 માસ અને 19 દિવસની વયે ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ મેળવ્યો. જ્યારે નવેમ્બર, 2017માં વિશ્વ જુનિયર ચેસ ચૅમ્પિયનશિપમાં ગ્રાન્ડ માસ્ટરનું ટાઇટલ જીત્યું.

આર. પ્રજ્ઞાનંદા
ત્રણ વર્ષની ઉંમરથી ચેસ રમવાની શરૂઆત કરનાર પ્રજ્ઞાનંદાને તેની મોટી બહેન વૈશાલીએ ચેસમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. માતા-પિતા ઇચ્છતાં હતાં કે તેમનાં બાળકો કાર્ટૂનો જોવામાં કે અન્ય જગ્યાએ પોતાનો સમય બરબાદ ન કરે. તેથી તેમણે પોતાની પુત્રીને ચેસની તાલીમ આપવા માંડી. ધીમે ધીમે વૈશાલી ચેસમાં નિષ્ણાત બનતી ગઈ અને બહેનને ચેસ રમતાં જોઈને ત્રણ વર્ષના પ્રજ્ઞાનંદાની પણ ચેસમાં રુચિ કેળવાઈ. પ્રજ્ઞાનંદાએ 2018માં અને વૈશાલીએ 2023માં ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મેળવ્યું અને ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મેળવનારા તેઓ વિશ્વના એકમાત્ર ભાઈ-બહેન બન્યાં. .
ચેસ સિવાય ટેબલટેનિસમાં પણ રુચિ ધરાવતા પ્રજ્ઞાનંદા પોતાની ફુરસદના સમયે ક્રિકેટ જોવાનું પણ પસંદ કરે છે. માત્ર 18 વર્ષની વયે તેમણે અમેરિકાના ચેસ ખેલાડી, ફેબિયાનો કારૂઆનાને સેમી ફાઇનલમાં હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો અને તે ભારતના વિશ્વનાથન આનંદ પછી વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશનાર બીજા ભારતીય ખેલાડી બન્યો અને ફાઇનલમાં પ્રવેશનારા સૌથી નાની વયના ખેલાડી બન્યો. જોકે ફાઇનલમાં તેનો ભૂતપૂર્વ ચૅમ્પિયન મેગ્નસ કાર્લસન સામે પરાજય થયો.
વર્ષ 2024માં કૅન્ડિડેટ ટુર્નામેન્ટમાં તેઓ 14માંથી 7 પોઇન્ટ મેળવી પાંચમા સ્થાને રહ્યા. આ જ વર્ષે રમાયેલી 45મી ચેસ ઑલમ્પિયાડમાં પ્રજ્ઞાનંદા અને તેમની બહેન વૈશાલી બંને ભારત વતી રમ્યાં અને પ્રજ્ઞાનંદા ઓપન સેશનમાં અને વૈશાલી મહિલાઓના સેશનમાં સુવર્ણચંદ્રક વિજેતા પણ બન્યાં.
વર્ષ 2025માં ‘ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ’માં ભારતના ડી. ગુકેશને પ્લે ઓફ રાઉન્ડમાં હરાવીને વિજય પ્રાપ્ત કર્યો. ત્યારબાદ પ્રાગ ચેસ ફેસ્ટિવલ 2025માં પણ ચોથું સ્થાન મેળવ્યું અને ગ્રાન્ડ ચેસ ટૂરમાં ત્રીજા સ્થાન પ્રાપ્ત કર્યું. મે 2025માં 5.5/9ના સ્કોર સાથે ગ્રાન્ડ ચેસ ટૂર સુપરબેટ ટૂર્નામેન્ટમાં જીત હાંસલ કરી. જૂન 2025માં 6.5/9ના સ્કોર સાથે સ્ટીફન આવાજ્ઞાન મેમોરિયલ સ્પર્ધામાં બીજું સ્થાન મેળવ્યું અને આ જ મહિનામાં અઝચેસ કપ(Uzchess Cup)માં વિજય પ્રાપ્ત કર્યો. આ સાથે પ્રજ્ઞાનંદા ભારતના પ્રથમ અને વિશ્વના ચોથા રેન્કના ખેલાડી બન્યા.
20 વર્ષના આ યુવા ખેલાડીને તેની સિદ્ધિઓ બદલ વર્ષ 2022માં અર્જુન ઍવૉર્ડનું સન્માન પ્રાપ્ત થયું છે. ઉપરાંત વર્ષ 2019માં શ્રેષ્ઠ ચેસ ખેલાડીનો ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સ્પૉર્ટ્સ ઍવૉર્ડ’ પણ એનાયત કરવામાં આવ્યો છે.
જગદીશ શાહ
