આર્મસ્ટ્રૉંગ, એડવિન હાવર્ડ (જ. 18ડિસે.1890, ન્યૂયૉર્ક સિટી : અ. 11 ફેબ્રુ. 1954 ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન વિદ્યુત ઇજનેર અને વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ સમાવર્તન/અધિમિશ્રણ (Frequency Modulation-FM) પદ્ધતિના મૂળ શોધક. પિતા પ્રકાશક અને માતા શિક્ષિકા હતાં. આર્મસ્ટ્રૉંગને નાનપણથી યાંત્રિક રમકડાં અને સાધનોનો શોખ. ઍટલાન્ટિક મહાસાગરની પાર બિનતારી (wireless) સંદેશા મોકલવાના માર્કોનીના પરાક્રમથી પ્રભાવિત થઈને તેમણે નાનપણથી શોધક બનવાનો નિશ્ચય કર્યો હતો. કોલંબિયા યુનિવર્સિટીમાંથી 1913માં વિદ્યુત ઇજનેરની પદવી મેળવી, તે યુનિવર્સિટીની માર્સેલ્સ હાર્ટલે રિસર્ચ લૅબોરેટરીમાં સંશોધન આદર્યું, જેને પરિણામે રેડિયો સંચારણમાં ક્રાંતિ સર્જાઈ. પ્રથમ વિશ્વયુદ્ધમાં કૅપ્ટન અને મેજર તરીકે સંદેશાવ્યવહારમાં કાર્ય કર્યું અને 1934માં કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક થયા.
તેમણે 1912માં પુનર્નિવેશ (feedback) પરિપથની શોધ કરી. ડી ફૉરેસ્ટ નામના શોધક સાથે આ શોધની અગ્રતા અંગે સુપ્રીમ કૉર્ટ સુધી કાયદાકીય લડત 14 વર્ષ ચાલી, જેમાં આર્મસ્ટ્રૉંગ હારી ગયા. જોકે વૈજ્ઞાનિક સમાજે આ ચુકાદો સ્વીકાર્યો ન હતો. શોધ અંગેના પ્રકાર બાબત ન્યાયાલયની ગેરસમજ થઈ હતી તેમ વૈજ્ઞાનિકોનું માનવું હતું. તેથી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સે તેમને એનાયત કરેલ સુવર્ણચંદ્રક કૉર્ટના આદેશ અનુસાર પાછો લેવાની ના પાડી હતી. યુનાઇટેડ સ્ટેટ્સના વૈજ્ઞાનિક સન્માન માટેનો ઉચ્ચતમ ફ્રૅંકલિન ચંદ્રક આર્મસ્ટ્રૉંગને એનાયત થયો હતો. 1918માં તેમણે અતિસંકરણ (heterodyne) પરિપથની શોધ કરી, જે હાલમાં રેડિયો, રડાર તેમજ ટેલિવિઝનના અભિગ્રહણ (reception) માં બહોળા પ્રમાણમાં વપરાય છે. 1923ના અરસામાં તેમણે વિદ્યુતચુંબકીય તરંગો વડે ધ્વનિનું વહન કરવા માટે આવૃત્તિ સમાવર્તન (FM) પદ્ધતિના પેટન્ટ હક્ક મેળવ્યા. આ નવી પદ્ધતિથી વાહક-તરંગ(carrier-wave)નું નિર્માણ થયું. આ પદ્ધતિ વડે કરવામાં આવતા પ્રસારણ ઉપર વિદ્યુત-ઝંઝાવાત(electrical storms)ની અસર થતી નથી. તેથી રેડિયો અને ટેલિવિઝનની જરૂરી ધ્વનિ ચૅનલો, મોબાઇલ રેડિયો, સૂક્ષ્મતરંગ પ્રતિસારણ (microwave relay) અને ઉપગ્રહ સંદેશાવ્યવહાર(space satellite communication)માં આ પદ્ધતિને પસંદ કરવામાં આવે છે. આ નવી શોધો માટેના પેટન્ટ હક્કો મેળવવા માટે આર્મસ્ટ્રૉંગને લાંબી લડત આપવી પડી હતી. આમાં થયેલું મોટું આર્થિક નુકસાન, માંદગી અને ઘડપણથી કંટાળીને છેવટે તેમણે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું હતું. Union Internationale des Tele Communication સંસ્થાએ ઍમ્પિયર, ગ્રેહામ બેલ, માઇકેલ ફૅરેડે અને માર્કોની જેવા વિદ્યુતક્ષેત્રે પ્રદાન કરનાર મહાન વૈજ્ઞાનિકોના સ્મારકસ્થાનમાં, આર્મસ્ટ્રૉંગને પણ સ્થાન આપીને, તેમનું મરણોત્તર બહુમાન કર્યું છે.
એરચ. મા. બલસારા