આર્દ્રતા (વનસ્પતિશાસ્ત્ર) : હવામાં રહેલા ભેજનું માપ. સામાન્યત: તે સાપેક્ષ (relative) કે નિરપેક્ષ (absolute) આર્દ્રતા તરીકે માપવામાં આવે છે અને ટકાવારીમાં દર્શાવાય છે. આંતરકોષીય અવકાશ (intercellular space), વાયુકોટરો અને રંધ્રો (stomata) દ્વારા એક સળંગ વાતાયન (ventilation) વનસ્પતિમાં રચાય છે. તેની મારફતે ભેજ આવજા કરે છે. સાપેક્ષ આર્દ્રતા વાતાવરણમાં રહેલાં બે કારકો (factors) પર આધારિત છે : 1. બાષ્પ કે ભેજનો જથ્થો 2. વાતાવરણનું તાપમાન. આંતરકોષીય અવકાશોમાંથી બહારના વાતાવરણમાં થતું જળના બાષ્પનું પ્રસરણ આ બંને જગ્યાઓના બાષ્પદબાણના તફાવત ઉપર આધાર રાખે છે. જો બહારની બાષ્પનું દબાણ વધે તો બાષ્પોત્સર્જન (transpiration)ઘટે. રંધ્રીયકોટર (stomatal chamber) માં ખૂલતા કોષોની દીવાલોમાંથી જળનું બાષ્પીભવન થાય છે. બહારના વાતાવરણ અને વાયુકોટરના બાષ્પના દબાણમાં રહેલ તફાવતને કારણે પાણીની બાષ્પ-વરાળ છિદ્ર કે રંધ્ર દ્વારા વધારે સંતૃપ્તતાવાળા (saturated) વાયુકોટરમાંથી બહારની ઓછી સંતૃપ્તતાવાળા વાતાવરણમાં પ્રસરે છે. કરેણ, સરુ, ચિલગોઝાં અને હાકીઆ જેવી વનસ્પતિઓમાં વાયુરંધ્રો પાન ઉપર નિમગ્ન હોય છે તેથી તેના વાયુકોટરો પોતાની આસપાસના વાતાવરણને બાષ્પસંતૃપ્ત રાખે છે. પરિણામે બાષ્પોત્સર્જન ઘટી જાય છે. આમ મૂળરોમ દ્વારા મળેલું પાણી વાતાવરણમાં ફેંકાય છે. આબોહવાના નિર્માણ તથા વર્ગીકરણમાં બાષ્પીભવન અને બાષ્પોત્સર્જન અગત્યના ઘટકો છે.
કુસુમ વ્યાસ