આર્થ્રોકનેમમ : દ્વિદળી વર્ગમાં આવેલ ચિનોપોડિયેસી કુળની એક પ્રજાતિ.
તેનું વૈજ્ઞાનિક નામ Arthrocnemum indicum (Willd) Moq. (ગુ. ભોલાડો) છે. તે ભારતનું વતની છે. તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે અને મુંબઈમાં વસઈના કિનારે ઊગી નીકળતી ચેર (mangrove) વનસ્પતિ છે. જામનગર-ભાવનગરના ઘોઘા બંદરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તેને મળતી આવતી પ્રજાતિ Salicornia છે. પરંતુ Salicorniaમાં પુષ્પો પ્રકાંડમાં ખૂંપેલાં હોય છે, ત્યારે આર્થોકનેમમમાં ચારથી પાંચ પુષ્પો શૂકી ગુચ્છ(spike)માં બહાર દેખાય છે.
નીલાભ-હરિત (glaucuons-green) કાયમી, રસાળ, 15-20 સેમી. ઊંચા, બહુવર્ષાયુ ઉપક્ષુપ. અનેક શાખાઓ સામસામી અને ઉપર ચઢતી; કોઈ વાર જમીન ઉપર ફેલાય. વનસ્પતિ માંસલ અને ટૂંકા સાંધાવાળી.
પુષ્પો ઝીણાં, દ્વિલિંગી, આછાં લાલ કે ગુલાબી. નિપત્રિકા બે. પરિપુષ્પ 3-5 દાંતાવાળાં. પુંકેસર એક જ. બોરિયાં કે પરાગાસન બે. ફુગ્ગા જેવું ફળ પરિપુષ્પથી ઢંકાયેલું. બીજ ત્રિકોણીય (trigonous), ચપટાં, બીજાવરણ પાતળું.

આર્થ્રોકનેમમ : 1. સ્વરૂપ; 2. સ્ત્રીકેસરચક્ર
આર્થ્રોકનેમમ : 1. સ્વરૂપ; 2. સ્ત્રીકેસરચક્ર Vol. 2.9
તે ભૂમિનાં ઊંડા સ્તરોમાંથી ક્ષારોનું શોષણ કરે છે, તેથી લવણીય (saline) ભૂમિની લવણતા (salinity) ઘટાડવા ઉગાડવામાં આવે છે. ભારતના કેટલાક ભાગોમાં તેનો કચુંબર કે અથાણાં બનાવવામાં ઉપયોગ થાય છે. તે નીચલી ગુણવત્તાવાળો સાજીખાર (અશુદ્ધ સોડિયમ કાર્બોનેટ) ઉત્પન્ન કરે છે, જેનો કપડાં ધોવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેની ભસ્મ રંગબંધક (mordant) તરીકે ઉપયોગી છે.
આ વનસ્પતિ ઊંટને બહુ જ ભાવે છે અને અન્ય ગોચર પ્રાણીઓ ચારા તરીકે શોખથી તેનો ઉપયોગ કરે છે.
અવિનાશ બાલાશંકર વોરા