આર્થિક યુદ્ધ : શત્રુને પરાસ્ત કરવા યુદ્ધનીતિના એક ભાગ રૂપે આર્થિક મોરચે યોજવામાં આવતી વ્યૂહરચના. ‘આર્થિક યુદ્ધ’ આ શબ્દપ્રયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી વધુ પ્રચલિત થયો છે. યુદ્ધનીતિની આ વ્યૂહરચના તથા પદ્ધતિનો અમલ પ્રાચીન કાળથી ચાલતો આવ્યો છે.
બીજા પેલોપોનેસિયન યુદ્ધ(ઈ. પૂ. 431થી ઈ. પૂ. 421)માં સ્પાર્ટા તથા ઍથેન્સ વચ્ચે હાર-જીતનો અંતિમ ફેંસલો રણભૂમિ પર થાય તેની સંભાવના ઓસરી જતાં સ્પાર્ટાએ ઍથેન્સને નબળું પાડવા તેની આર્થિક નાકાબંધી કરી અને ત્રીજા પેલોપોનેસિયન યુદ્ધમાં ઍથેન્સની મહત્તાનો અંત આવ્યો. આખરે ઍથેન્સે સ્પાર્ટાનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું. તેવી જ રીતે સતત આઠ વર્ષ ચાલેલા કૉરિન્થિયન યુદ્ધ(ઈ. પૂ. 395થી ઈ. પૂ. 387)માં ઍથેન્સે આર્થિક વ્યૂહરચના દ્વારા સ્પાર્ટા પર કાબૂ મેળવ્યો જેથી સ્પાર્ટા લીગનો અંત આવ્યો, તેનો નૌકા-કાફલો નાશ પામ્યો અને ઍથેન્સનો વિજય થયો. ઈરાનના સમ્રાટ દરાયસ ત્રીજા અને સિકંદર વચ્ચે ઇસીસ નદી પર જે યુદ્ધ ખેલાયું (ઈ. પૂ. 323) તેમાં સિકંદરે અપનાવેલી યુદ્ધવ્યૂહરચના અને આર્થિક નાકાબંધી આગળ ઈરાની લશ્કર ટકી શક્યું નહિ અને યુદ્ધમાં સિકંદરનો વિજય થયો. ઈ. સ. 219માં કાર્થેજના સમ્રાટ હૅનિબાલે રોમની સત્તા ફગાવી દેવા માટે તેની સામે પડકાર ફેંક્યો, જેના જવાબમાં રોમે તેની આર્થિક નાકાબંધી કરી અને છેવટે કાર્થેજને પરાજય સ્વીકારવો પડ્યો હતો. ત્રીજા પ્યૂનિક યુદ્ધના અંતે કાર્થેજના થયેલા સર્વનાશમાં રોમની આર્થિક નાકાબંધીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગુજરાત-માળવા યુદ્ધ (ઈ. સ. 1136) દરમિયાન સિદ્ધરાજ સોલંકીની સેનાએ રાજા યશોવર્માની ધારાનગરીના કોટને ઘેરો ઘાલ્યો. યશોવર્માના કિલ્લામાં જતો રસદનો પુરવઠો કાપી નાખવામાં ભારે સફળતા મેળવી અને તેને પરિણામે આ યુદ્ધમાં સિદ્ધરાજને વિજય સાંપડ્યો હતો.
ભારત પર આક્રમણ કરવા માટે અમીર તિમુરે મોકલેલા તેના પૌત્ર પીરમહંમદે મુલતાનના છ માસના કડક ઘેરાને અંતે તેના પર કબજો કર્યો હતો (1398-99). શિવાજી મહારાષ્ટ્રના પન્હાળા દુર્ગમાં ફસાઈ ગયા હતા ત્યારે તેમને લશ્કરી કુમક અને રસદ પૂરાં પાડતા પવનગઢ દુર્ગ પર આક્રમણ કરી કુમક અને રસદનો પુરવઠો કાપી નાખવાનો પ્રયાસ અફઝલખાનના પુત્ર ફઝલખાને કર્યો હતો (માર્ચ 1660થી મે 1660). જૂન 1660માં શિવાજીને મળતી રસદ કાપી નાખવાના હેતુથી શાઇસ્તાખાને સતત 50 દિવસ સુધી શિવાજીના ચાકણ દુર્ગને ઘેરો ઘાલ્યો હતો. નેપોલિયને (1769-1821) ઇંગ્લૅંડ સાથેના તેના યુદ્ધ(1803-1805)માં પરાજય ચાખ્યા પછી બ્રિટનના અર્થતંત્રને ગૂંગળાવવાનાં વ્યાપક પગલાં લીધાં હતાં, જે ‘Continental System’ના નામથી ઓળખાય છે. દા.ત., ઇંગ્લૅંડમાં બનેલી વસ્તુઓ માટે સમગ્ર યુરોપનાં બજારો બંધ કરી દેવામાં આવ્યાં, બ્રિટિશ ટાપુઓ સાથે અન્ય દેશો વ્યાપાર ન કરી શકે તેવા પ્રતિબંધક ઉપાયો યોજવામાં આવ્યા. ઇંગ્લૅંડમાં તૈયાર થયેલો માલ જપ્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો. બ્રિટનનાં તથા તેની વસાહતોનાં બંદરો પર માલ ચઢાવનાર કે ઉતારનાર અન્ય દેશોનાં જહાજો પર કબજો કરવાના હુકમો પણ આપવામાં આવ્યા હતા.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940માં અમેરિકાના તે વખતના પ્રમુખ ફ્રકલિન ડી. રૂઝવેલ્ટે લશ્કરી વ્યૂહરચનાની દૃષ્ટિએ મહત્વની ગણાતી વસ્તુઓની નિકાસ પર મનાઈહુકમ (embargo) મૂક્યા હતા. 1949માં ચીનની તળભૂમિ પર સામ્યવાદી સરકાર રચવામાં આવી તેના વિરોધમાં અમેરિકાએ ચીન સાથેના રાજકીય તથા આર્થિક સંબંધો કાપી નાંખ્યા હતા, એટલું જ નહિ પરંતુ ચીન સામે પ્રતિકારાત્મક બળ ઊભું કરવાના હેતુથી તાઇવાન(ફૉર્મોસા)ને વ્યાપક લશ્કરી તથા આર્થિક સહાય આપવાની નીતિ અખત્યાર કરી હતી. દક્ષિણ આફ્રિકાની ગોરી સરકારની રંગભેદનીતિના પ્રતિકાર રૂપે તેના પર આર્થિક પ્રતિબંધો (economic sanctions) મૂકવા માટે રાષ્ટ્રસંઘ, ત્રીજા વિશ્વના દેશો તથા ખાસ કરીને રાષ્ટ્રકુટુંબના દેશોએ સતત ઝુંબેશ ઉપાડી છે. રશિયા સાથેના ‘ઠંડા યુદ્ધ’ના ગાળામાં અમેરિકા તથા તેનાં મિત્ર રાષ્ટ્રોએ સામ્યવાદી દેશો સામે આર્થિક યુદ્ધની નીતિ અપનાવી હતી. અમેરિકાની નીતિને આંધળો ટેકો ન આપનાર અથવા તેનો વિરોધ કરનાર દક્ષિણ અમેરિકાના ઘણા દેશોની આર્થિક નાકાબંધી કરવાની નીતિ અમેરિકાએ વર્ષોથી અમલમાં મૂકી છે. અફઘાનિસ્તાનના પ્રમુખે એવો આક્ષેપ કર્યો હતો (નવેમ્બર 1989) કે તેની સરકારને લશ્કરી તાકાત વડે ઉથલાવી પાડવામાં નિષ્ફળ બનેલા કેટલાક દેશો તેની વિરુદ્ધ આર્થિક નાકાબંધી અજમાવી રહ્યા છે. 1990ના ખાડી-યુદ્ધમાં ઇરાક સામે યુનો દ્વારા આ વ્યૂહ ગોઠવાયો હતો.
આમ, આર્થિક યુદ્ધ એ સર્વસામાન્ય યુદ્ધનીતિનો વિશિષ્ટ પ્રકાર છે, જેનો આશય શત્રુની લશ્કરી શક્તિનો આર્થિક આધાર નષ્ટ કરવાનો, તેના અર્થતંત્રને ગૂંગળાવવાનો, તેની પ્રજાનું મનોબળ છિન્નવિછિન્ન કરવાનો હોય છે. કારણ કે સધ્ધર અર્થતંત્રના પાયા પર ઊભેલા દેશની સંરક્ષણવ્યવસ્થા એ જ તે દેશના સાર્વભૌમત્વની સાચી બાંયધરી છે. 1925માં બૉલ્શેવિક પક્ષના ઐતિહાસિક અધિવેશન સમક્ષ અહેવાલ રજૂ કરતાં જૉસેફ સ્ટૅલિને લશ્કરી અને આર્થિક તાકાત એકબીજીને પૂરક હોય છે તેથી તે એકબીજીની સધ્ધરતા પર આધાર રાખે છે એમ કહીને તેનું સૈદ્ધાંતિક વિશ્લેષણ કર્યું હતું. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ભારતના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ દેશને આપેલું સૂત્ર ‘કારખાનાં અને ખેતરો શસ્ત્રો જેટલાં જ મહત્વનાં છે’ એ ઉપરની બાબતનો જ નિર્દેશ કરે છે. એ પરથી સ્પષ્ટ છે કે કોઈ પણ દેશની આર્થિક તાકાત નબળી કરવાથી તેની લશ્કરી તાકાત પર જડબેસલાક કુઠારાઘાત કરી શકાય છે. તે માટે જુદા જુદા પ્રકારનાં પ્રત્યક્ષ અને પરોક્ષ પગલાં લેવામાં આવે છે, જે આર્થિક યુદ્ધની વ્યૂહરચનાનો નિર્દેશ કરે છે. આ પગલાં નીચે મુજબ ગણાવી શકાય : (1) દેશનાં આર્થિક રીતે મહત્વનાં મથકો પર સીધું આક્રમણ; જેમાં કારખાનાંઓ, પુરવઠાકેન્દ્રો, વખારો અને ગોદામો, રેલમાર્ગો અને રેલવેમથકો, વાહનવ્યવહાર અને સંદેશા-વ્યવહારનાં મથકો અને તેનાં ઉપકરણો, બંદરો, ગોદી મથકો, અનાજના ભંડારો વગેરેનો સમાવેશ થાય છે. (2) લશ્કરને કુમક અને રસદ પૂરાં પાડતાં મથકો. દા.ત., ઑર્ડનન્સ ફૅક્ટરીઓ પર હુમલા. (3) જાહેર સેવાઓ પર આઘાત. દા.ત., પાણીપુરવઠો કે વીજળી પૂરી પાડતાં કેન્દ્રો, સ્વાસ્થ્ય જેવી જાહેર સેવાઓ પર પ્રહાર કરવો. (4) સંબંધિત દેશ સાથેના આયાત-નિકાસ વ્યાપાર પર પ્રતિબંધ તથા ચોરી-છૂપીથી થતા વ્યાપારની નાકાબંધી. (5) સંબંધિત દેશ સાથે આર્થિક અને વ્યાપારી સંબંધો ધરાવતા દેશો પર દબાણ. (6) તટસ્થ દેશો સાથે વિશિષ્ટ પ્રકારના આર્થિક અને વ્યાપારી કરાર અને તે દ્વારા આવા દેશોના આંતરરાષ્ટ્રીય આર્થિક વ્યવહારોનું નિયમન. (7) લશ્કરી સુસજ્જતાને પોષક એવી વસ્તુઓ(strategic goods)ની હેરફેર પર કડક પ્રતિબંધ અને નિયંત્રણ. (8) લશ્કરી તાકાત વધારતી વસ્તુઓનાં ઉત્પાદન તથા વેચાણ પર એકતરફી ઇજારો. (9) સંબંધિત દેશનું આર્થિક પરાવલંબન વધારવા તેની સાથે રાજકીય શરતો પર આધારિત આર્થિક સહાય અંગેના કરારો કરવા. (10) સંબંધિત દેશમાં થતી આર્થિક વિકાસની પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા માટે આર્થિક જાસૂસી (economic intelligence) કરવી.
21મી સદીમાં આર્થિક યુદ્ધ આંતરરાષ્ટ્રીય કૂટનીતિનો ખૂબ જ મહત્વનો હિસ્સો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદ અલગ અલગ કારણોથી જરૂર પડે ત્યારે આર્થિક પ્રતિબંધો મૂકે છે. છેલ્લાં થોડાંક વર્ષોથી ઈરાન, ઉત્તર કોરિયા જેવા દેશો પર લાગેલા પ્રતિબંધો નોંધપાત્ર છે. ઉત્તર કોરિયા અને ઈરાને પરમાણુ કાર્યક્રમો આગળ વધારીને આંતરરાષ્ટ્રીય નિયમો તોડ્યા હતા. એ પછી અમેરિકાએ બંને દેશો પર આર્થિક નિયંત્રણો મૂક્યાં હતાં. અમેરિકા ઉપરાંત યુરોપિયન સંઘ સહિતનાં સંગઠનોએ પણ પ્રતિબંધો મૂકવાની જાહેરાતો કરીને આ દેશો પર દબાણ વધાર્યું હતું. સૌથી મહત્વના આર્થિક પ્રતિબંધો અમેરિકા-ચીન અને ભારત-ચીન વચ્ચેના ગણવા પડે. આર્થિક મહાસત્તાઓ – અમેરિકા-ચીન વચ્ચે એકબીજાના દેશોની કંપનીઓ પર અને ચીજવસ્તુઓ પર પ્રતિબંધો મુકાયા તેને ‘ટ્રેડ-વૉર’ના નામથી ઓળખવામાં આવે છે. અમેરિકાના તત્કાલીન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની આયાત પર તોતિંગ ટૅક્સ લગાડતાં આ ટ્રેડ-વૉરનો પ્રાંરભ થયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ 2016થી 2020 દરમિયાન બંને દેશો વચ્ચેના ટ્રેડ-વૉરથી ઘણા દેશોના અર્થતંત્ર પર પરોક્ષ અસર થઈ હતી.
એ જ રીતે ભારતની લદ્દાખ સરહદે બંને દેશોનાં સૈન્ય વચ્ચે તંગદિલી થઈ તે પછી ભારતની સરકારે 2020માં ચીનની ઘણી કંપનીઓ અને મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારતે આ વ્યૂહથી ચીન પર દબાણ વધાર્યું હતું. ભારતે મોબાઇલ એપને પ્રતિબંધિત કરીને આર્થિક યુદ્ધ શરૂ કર્યું હતું. તે પછી ચીને પણ ભારતની કંપનીઓ અને પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે, બંને દેશો વચ્ચે જીવનજરૂરી ચીજવસ્તુઓ અને દવાઓની આયાત-નિકાસ યથાવત્ રહી હતી.
વિશ્વનું અર્થતંત્ર સ્વતંત્ર અને મુક્ત થયા પછી હવે એકબીજા દેશોની ચીજવસ્તુઓ એકબીજા દેશોમાં પહોંચે છે. આયાત-નિકાસ 21મી સદીમાં અગાઉ ક્યારેય ન હતી એવી ઊંચાઈએ પહોંચી છે. આવી પરિસ્થિતિમાં આર્થિક યુદ્ધની કૂટનીતિ વિદેશનીતિનો ખૂબ જ મહત્વનો અને અનિવાર્ય હિસ્સો છે.
આ રીતે આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ પોતાની તરફેણમાં લાવવા માટે લશ્કરી આક્રમણની સાથોસાથ અથવા તેના વિકલ્પે તેની આર્થિક તાકાત છિન્નભિન્ન કરવાના ઉપાયો યુદ્ધનીતિનું જ એક મહત્વનું અંગ બની રહે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે