આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, સારનાથ (ઉત્તર પ્રદેશ; સ્થાપના 1910) : મૌર્ય કાળ(ઈ. પૂ. બીજી સદીથી તેરમી સદી)ની શિલ્પકૃતિઓ અને હાથકારીગરીનો વિપુલ સંગ્રહ. આ મ્યુઝિયમમાં વારાણસી પાસે આવેલા સારનાથના બૌદ્ધ વિહારોના ઉત્ખનનમાંથી મળી આવેલ બારમી સદી સુધીનાં પાષાણશિલ્પો, માટીની પક્વ શિલ્પકૃતિઓ, મૃત્પાત્રો, તકતીલેખો અને મુદ્રાઓ પ્રદર્શિત કરાયાં છે.
આ મ્યુઝિયમમાં સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપ્રતીક તરીકે પસંદ કરવામાં આવેલ અશોકના શિલાસ્તંભની ટોચ પરની મોટી સિંહ-શિરાવટી (2.31 મીટરની ઊંચાઈવાળી)નું પ્રથમ શિલ્પ ધ્યાનાર્હ છે. આ સિંહ-શિરાવટી ઝાંખા પીળાશ પડતા ભૂરા રેત-પથ્થરમાંથી કંડારેલ છે. આ આખા શિલ્પને ઓપ આપવામાં આવેલો છે અને આજે પણ તેની સપાટીની ચમક સચવાયેલી છે.
અંદરના ખંડની ડાબી દીવાલ આગળ આસનસ્થ બુદ્ધની 2 પ્રતિમાઓ છે; તે પૈકીની એક ધર્મોપદેશ કરતા બુદ્ધની પાંચમી સદીની છે. સિંહ-શિરાવટીની 2 ભવ્ય મૂર્તિઓ પૈકીની એક પહેલી-બીજી સદીની બોધિસત્વની છે. તે પ્રાચીન કુષાણ કળાની શૈલીની નક્કર શિલ્પકૃતિ છે. ખંડની ચોમેર અને જમણી બાજુની લાંબી ગૅલરીમાં બુદ્ધની અભયસૂચક ઊંચા હાથવાળી ઊભી અનેક પ્રતિમાઓ છે.
આ ઉપરાંત અહીં હિંદુ શિલ્પકૃતિઓના અનેક ટુકડાઓ, સુશોભિત મકાનોના અને વિહારોના ભાગો, ઓજારો, પાત્રો, અને ટેરાકોટાના નમૂનાઓ, મણકા, રમકડાં વગેરે વિવિધ પુરાવશેષો સંગૃહીત કરાયાં છે. આ મ્યુઝિયમનો વહીવટ કેન્દ્ર સરકાર હસ્તક છે.
બળદેવભાઈ કનીજિયા