આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ, ગ્વાલિયર (સ્થાપના 1922) : પુરાવસ્તુઓનો સંગ્રહ. 1913થી મહારાજા સિંધિયાની સૂચના પ્રમાણે ગ્વાલિયર આસપાસની પુરાવસ્તુઓ એકત્રિત કરવામાં આવી અને તે સર્વ પ્રદર્શિત કરવા માટે આ મ્યુઝિયમની સ્થાપના થઈ.
આ મ્યુઝિયમમાં પ્રાચીન શિલ્પકૃતિઓ, શિલાલેખો, વિવિધ તામ્રપત્રો, અભિલિખિત મુદ્રાઓ, પાળિયા અને શિલાસ્તંભો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. વળી તેમાં ગોઠવેલી વિવિધ ધાતુ-પ્રતિમાઓ માટીની પકવેલી વસ્તુઓ અને તે કાળના સિક્કાઓ ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત પવાયા(પદ્માવતી), વિદિશા, ઉજ્જૈન અને મહેશ્વરના ઉત્ખનનમાંથી મળેલા પુરાવશેષો તથા બાઘની ગુફાનાં ભિત્તિચિત્રોની પ્રતિકૃતિઓ ખાસ જોવાલાયક છે.
આ મ્યુઝિયમમાં સુરક્ષિત રખાયેલ સુરસુંદરીની શિલ્પકૃતિ તેની શોભા છે. તેમાં દેવાંગના વૃક્ષને અઢેલીને ઊભી છે. તેનું ઉત્તરાંગ નિર્વસ્ત્ર છે, જ્યારે કટિ સુધી કંડારેલ રૂપાંકનયુક્ત અધોવસ્ત્રને લીધે તેની મોહકતા વધી જાય છે. કલાત્મક કેશરચના, કંઠમાં હાંસડી, મુક્તામાળા અને સ્તનયુગ્મ વચ્ચેથી છેક કટિ સુધી પહોંચતું પેન્ડંટયુક્ત ઉર:સૂત્ર, સપ્રમાણ દેહસૌષ્ઠવ, સ્મિત વેરતું મુખ અને કલાત્મક અંગભંગિને લીધે આ મૂર્તિ ભાવ અને કલાની દૃષ્ટિએ દસમી સદીનું શ્રેષ્ઠ શિલ્પ લેખાય છે.
બળદેવભાઈ કનીજિયા