આર્કિમીડીઝ સ્ક્રૂ : આર્કિમીડીઝે પાણી ચડાવવા માટે શોધેલો અને પ્રાચીન સમયથી વપરાતો એક પ્રકારનો પંપ. એક સળિયાની ફરતે સ્ક્રૂના આંટાની જેમ ભૂંગળી વીંટાળીને આ તૈયાર કરવામાં આવે છે.
શરૂઆતમાં આની રચનામાં લાકડું, લાકડાની નમ્ય (flexible) પટ્ટીઓ તથા પાણી ચૂએ નહિ (જલઅભેદ્ય, water-proof) તે માટે ડામર વગેરેનો ઉપયોગ કરવામાં આવતો. સમગ્ર પ્રયુક્તિને આડાં મજબૂત પાટિયાં જડીને નળાકારનો આકાર આપવામાં આવતો. આ સ્ક્રૂનો ઉપયોગ કરવા માટે તેનો એક છેડો આશરે 450ના ખૂણે લગાડી તેને પાણીમાં ડુબાડવામાં આવે છે. આમ કરતાં ડૂબેલા ભાગના સ્ક્રૂના
આંટાના ઉપરના ભાગમાં પાણી ભરાઈ જાય છે. જ્યારે આ સ્ક્રૂને તેની ધરી (axis) ઉપર યોગ્ય દિશામાં ફેરવવામાં આવે ત્યારે નીચેના છેડે ભરાયેલું પાણી ફરતા આંટાના સહારે ઉપર ચઢે છે અને સ્ક્રૂની ઉપરની બાજુના છેડામાંથી બહાર આવે છે. પાણીની સપાટીના પ્રમાણમાં જેમ જેમ ખૂણો વધતો જાય છે તેમ તેમ તેમાંથી નીકળતા પાણીનો દર ઘટતો જાય છે. આ રીતના પંપની કુલ કાર્યક્ષમતા 55 % કે તેથી વધુ હોય છે. આ યોજનાથી પાણી થોડા ફૂટ ઊંચે સરળતાથી ચડાવી શકાય છે. જળચક્ર(water-wheel)ની સરખામણીમાં આ સ્ક્રૂ વધુ કાર્યક્ષમ છે. આ સ્ક્રૂનો ઉપયોગ સિંચાઈ માટે હજુ આજે પણ ઇજિપ્તમાં થાય છે.
આ સાધનના આધુનિક રૂપાંતરમાં તેના સર્પિલ આકાર(helix)ના નીચેના છેડાને કૂંડી(trough)માં રાખીને ગોળ ફેરવવામાં આવે છે. તે ગંદા પાણીના ઉપચાર પ્લાન્ટ(treatment plant)માં મળમૂત્ર(sewage)ને ખસેડવામાં વધુ કાર્યક્ષમ છે. ખુલ્લી કૂંડી તથા સાધનના સર્પિલ આકારને કારણે કચરાનો નિકાલ સહેલાઈથી થઈ શકે છે અને કચરો પંપમાં જમા થતો નથી.
હરેશ જયંતીલાલ જાની