આર્કિમીડીઝનો સિદ્ધાંત : આર્કિમીડીઝે શોધેલો ભૌતિક વિજ્ઞાનનો ઉત્પ્લાવન(buoyancy)નો નિયમ. આ નિયમ અનુસાર સ્થિર તરલ-(fluid-વાયુ કે પ્રવાહી)માં, કોઈ પણ વસ્તુને સંપૂર્ણત: કે અંશત: ડુબાડતાં, તેની ઉપર ઊર્ધ્વ દિશામાં એક ઉત્પ્લાવક બળ (buoyant force) લાગે છે; જેની માત્રા (magnitude) વસ્તુ વડે સ્થળાંતરિત થતા તરલના વજન જેટલી હોય છે. સંપૂર્ણત: ડુબાડેલી વસ્તુ માટે સ્થળાંતરિત થતા તરલનું કદ વસ્તુના કદ જેટલું હોય છે, જ્યારે અંશત: ડુબાડેલી વસ્તુ માટે, તે કદ, વસ્તુના સપાટી નીચે ડૂબેલા ભાગના કદ જેટલું હોય છે. સ્થળાંતરિત થતા તરલનું વજન ઉત્પ્લાવક બળને તુલ્ય હોય છે. પ્રવાહી કે વાયુમાં તરતી વસ્તુ પર લાગતા ઉત્પ્લાવક બળનું મૂલ્ય પણ, માત્રામાં તરતી વસ્તુના વજન જેટલું હોય છે. આ સ્થિતિમાં વસ્તુ નથી ડૂબતી કે નથી ઉપર આવતી.
સાગરમાં તરતું રાખવામાં આવેલું જહાજ, તેનાથી સ્થળાંતર પામતા પ્રવાહીનો ભાર, તેના પોતાના ભાર જેટલો થાય તેટલા પ્રમાણમાં ડૂબેલું રહે છે. જ્યારે જહાજમાં માલ ભરવામાં આવે ત્યારે તે વધુ પ્રવાહીનું સ્થળાંતર કરીને વધુ ઊંડું ડૂબતું જાય છે, જેથી કરીને દરેક વખતે ઉત્પ્લાવક બળનું મૂલ્ય જહાજ તેમજ માલસામાનના કુલ ભાર જેટલું થતું રહે છે.
જો વસ્તુનું વજન સ્થળાંતરિત થતા તરલ કરતાં ઓછું હોય તો વસ્તુ તરલમાં ડૂબવાને બદલે ઉપરની તરફ ધકેલાય છે. પાણીની સપાટી નીચે રાખવામાં આવેલો લાકડાનો ટુકડો કે હિલિયમ વાયુ ભરેલો ગૅસનો ફુગ્ગો આવી રીતે ઉપરની તરફ ધકેલાય છે.
પોતાના વડે સ્થળાંતરિત થતા તરલના જથ્થા કરતાં વધુ વજનવાળી વસ્તુને મુક્ત કરતાં તે ડૂબી જાય છે, ત્યારે પણ તેના વજનમાં દેખીતો ઘટાડો થતો હોય છે. આ ઘટાડો સ્થળાંતરિત થતા તરલના વજન જેટલો હોય છે. વાસ્તવમાં કેટલાંક ચોક્કસ વજન મેળવવા માટે આજુબાજુની હવાની ઉત્પ્લાવક અસરની ક્ષતિપૂર્તિ માટે સંશુદ્ધિ દાખલ કરવી જરૂરી બને છે.
વધુ પડતી ઊંડાઈએ થતા તરલ-દાબ(fluid pressure)ના વધારાને કારણે ઉત્પ્લાવક બળ (upthrust) ઉત્પન્ન થાય છે. માટે ડુબાડવામાં આવેલી વસ્તુ પરનું દબાણ, વધુ ઊંડાઈએ ડૂબેલા ભાગો પર વધારે હોય છે. આ ઉત્પ્લાવક બળ હંમેશાં ઉપરની તરફ અથવા ગુરુત્વબળની વિરુદ્ધ હોય છે. તરલ-દાબ વડે વસ્તુ ઉપર લાગતાં બધાં બળોની તે પરિણામી અસર છે.
એરચ મા. બલસારા