આરોચક (અરોચક, અરુચિ) : ખાવાપીવાની રુચિ ન થાય તે રોગ. વાત, પિત્ત અને કફને કોપાવનાર ખોરાક, શોક, ભય, અતિલોભ, ક્રોધ, અપથ્ય ભોજન વગેરે આ રોગનાં કારણો ગણાય છે. ભૂખ ન લાગવી અને મોઢામાં ખોરાકનો ખરો સ્વાદ ન જણાવો તે આ રોગનાં લક્ષણો છે. હિંગાષ્ટક ચૂર્ણ, ચિત્રકાદિ ચૂર્ણ, લવણ-ભાસ્કર ચૂર્ણ, અજમોદાદિ ચૂર્ણ, શંખવટી, ચિત્રકાદિવટી વગેરે આયુર્વેદિક ઔષધો રુચિ પેદા કરે છે, ખોરાકનું પાચન કરે છે અને અગ્નિ પ્રદીપ્ત કરે છે. નિર્બંધ દૂર કરનાર હરડે, ત્રિફળા, અવિપત્તિકર ચૂર્ણ વગેરે પણ આરોચક મટાડે છે. મધુર ફળોના રસ, આમલી, લીંબુ, સિંધવ, દાડિમાદિ ચૂર્ણ વગેરે પણ અરુચિ દૂર કરે છે.
હરિદાસ શ્રીધર કસ્તૂરે