આરુમુગ નાવલર (જ. 18 ડિસેમ્બર 1822, નલ્લૂર, શ્રીલંકા; અ. 5 ડિસેમ્બર 1879, જાફના, શ્રીલંકા) : તમિળ લેખક. એ સરસ વ્યાખ્યાતા હોવાને કારણે તિરુવાવડુદુરૈ મઠના અધિપતિઓએ એમને ‘નાવલર’(શ્રેષ્ઠ વક્તા)ની ઉપાધિ આપી હતી. એમણે ‘તુરુકકુરળ’, ‘તોલકાપ્પિયમ્’, ‘તિરુક્કોવૈયાર’, ‘પેરિયપુરાણમ્’, ‘કંદપુરાણમ્’, ‘ચૂડામણિ નિઘંટુ’, ‘નન્નૂલ વિરુત્તિ ઉરૈ’ વગેરે પ્રાચીન કૃતિઓનું સંપાદન કરીને એ પુસ્તકો પર ટીકા પણ લખી છે. એમની મુખ્ય કૃતિઓ છે : ‘બાલપાડમ્’ (ચાર ભાગ), ‘શૈવ વિનાવિડૈ’, ‘ઇલક્કણ શુરુક્કમ્’, ‘ઇલંગૈભૂમિશાસ્ત્રમ્’ અને ‘ચિદમ્બરમાન્મિયવચનમ્’. એમના અનેક નિબંધો ‘ઉદયતારિકૈ’ તથા ‘ઇલંગૈ નેશન’ નામની પત્રિકાઓમાં પ્રગટ થયેલા. એમણે ‘કોલિયપુરાણમ્’, ‘શૈવ સમયનેરિ’, ‘વાકકુણ્ડામ્’, ‘નલવળિ’, ‘નન્નેરિ’ ઇત્યાદિ પર ભાષ્યો પણ લખેલાં છે. એમણે રેવ. પર્સિવલના સહયોગથી બાઇબલનો અનુવાદ કર્યો છે, જે તમિળમાં પ્રથમ પ્રમાણભૂત અનુવાદ મનાય છે. તેઓ ચુસ્ત શૈવ હતા. ખ્રિસ્તી ધર્મ તમિળનાડુમાં ઝડપથી ફેલાતો હતો. તેને ખાળવા માટે એમણે શૈવ ધર્મનો પ્રચાર કરવા ખ્રિસ્તી સંપ્રદાયની પ્રચારપુસ્તિકાઓ જેવી જ શૈવ ધર્મપ્રચારની અનેક પુસ્તિકાઓ લખી. એમણે અંગ્રેજી શાળાઓના નમૂના પ્રમાણે જાફના, ચિદમ્બરમ્ વગેરે સ્થળોમાં શાળાઓ ખોલેલી. એ શાળાઓમાં ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો ઘનિષ્ઠ પરિચય આપવામાં આવતો. એમણે એમનું સમગ્ર જીવન તમિળ ભાષા તથા શૈવ ધર્મના પ્રચાર અર્થે જ સમર્પ્યું હતું. પ્રાચીન સાહિત્યકૃતિઓના સંપાદનકાર્યમાં એમનું પ્રથમ સ્થાન છે. તેઓ ‘તમિળ ગદ્યના પિતા’ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત તમિળ પાઠ્યપુસ્તકોની રચના કરનાર એ પ્રથમ હતા. એ શૈવમાર્ગી હોવાથી શિવભક્તિનાં પણ અનેક પદો એમણે રચ્યાં છે, જે આજે પણ ગવાય છે.
કે. એ. જમના