આરાકાન યોમા : મ્યાનમારની પશ્ચિમ સરહદે ઉત્તરથી દક્ષિણ વિસ્તરેલી આશરે 1,100 પર્વતમાળા. એ ઉત્તરમાં પહોળી છે અને 3,000 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે; પરંતુ તે દક્ષિણમાં જતાં સાંકડી અને નીચી બનતી જાય છે. છેક દક્ષિણે આરાકાન યોમાની ઊંચાઈ ફક્ત 300 મીટર જ રહે છે. તે આગળ જતાં સાગરજળમાં મગ્ન બની ફરીથી ઘણે દૂર આંદામાન-નિકોબાર ટાપુઓ રૂપે દેખાય છે. હિમાલય પર્વતમાળાના ભાગ રૂપે આવેલી મ્યાનમારની આ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર સરામટ્ટી 3,859 મીટરની ઊંચાઈ ધરાવે છે. આરાકાન યોમા જેમ પૂર્વમાં અનેક સીધી ભેખડો ધરાવે છે તેમ તેની કેટલીક પહાડી શાખાઓ છેક પશ્ચિમના સમુદ્રકાંઠા સુધી પહોંચીને ઊભી ભેખડો રચે છે. જોકે આરાકાન યોમાને કોતરીને વહેતી નદીઓએ જાળી આકારનો જળપરિવાહ રચ્યો છે અને આરાકાન કિનારે કાંપમાટીના નિક્ષેપસંચયવાળાં સાંકડાં મેદાનો રચ્યાં છે. આરાકાનનો સમુદ્રકિનારો ખાંચાખૂંચીવાળો હોવા છતાં બંદરો વિકસ્યાં નથી. પહાડી પૃષ્ઠભૂમિને કારણે આરાકાનના કિનારે ફક્ત આક્યાબનું કુદરતી બારું જ બંદર તરીકે વિકાસ પામ્યું છે.
મહેન્દ્ર રા. શાહ