આરસપહાણ (marble) : આવશ્યકપણે માત્ર કૅલ્સાઇટ ખનિજ સ્ફટિકોથી બનેલો વિકૃત ખડક. પરંતુ ક્યારેક કૅલ્સાઇટ અને/અથવા ડૉલોમાઇટ ખનિજ-સ્ફટિકોના બંધારણવાળો હોય તોપણ તે આરસપહાણ તરીકે જ ઓળખાય છે. જો તે વધુ ડૉલોમાઇટયુક્ત કે મૅગ્નેશિયમ સિલિકેટયુક્ત હોય તો તેને મૅગ્નેશિયન આરસપહાણ અને એ જ રીતે જો તે વધુ કૅલ્શિયમ સિલિકેટયુક્ત હોય તો તેને કૅલ્કસિલિકેટ આરસપહાણ કહે છે.
કૅલ્સાઇટ ખનિજકણોથી બનેલા, જળકૃત પ્રકારના ચૂનાખડક પર અગ્નિકૃત-અંતર્ભેદકોની હાજરીમાં ઉષ્ણતાવિકૃતિ (thermal met-amorphism) થાય તો, તેમાં રહેલા ખનિજકણો પુન:સ્ફટિકીકરણ પામી, કૅલ્સાઇટના સમસ્ફટિકોમાં ફેરવાય છે, તેને પરિણામે જે નવો, સ્થિર, રૂપાંતરિત વિકૃત ખડક બને છે, તે આરસપહાણ કહેવાય છે; તેમ છતાં પ્રાદેશિક વિકૃતિ(regional metamorphism)થી ઉદભવેલા આરસપહાણ પણ અસ્વાભાવિક નથી. ચૂનાખડકમાં કૅલ્સાઇટ કણસ્વરૂપે રહેલું કૅલ્શિયમ કાર્બોનેટ અગ્નિકૃત અંતર્ભેદકોથી પ્રાપ્ત ઉષ્ણતાની અસર હેઠળ સ્વાભાવિક સંજોગોમાં તો CaO-CO2માં વિભાજિત થવું જોઈએ, પણ તે પોપડાના ખડકોના બોજ તળે દબાણના પરિબળની અસર હેઠળ થઈ શકતું નથી. CO2 જેમનો તેમ જળવાઈ રહે છે : કૅલ્સાઇટ, મૂળ ખનિજકણ-સ્વરૂપમાંથી ઉષ્ણતા-વિકૃતિ હેઠળ પુન:સ્ફટિકીકરણક્રિયા દ્વારા કૅલ્સાઇટના સમસ્ફટિકોની બનેલી સમૂહગત કણરચનામાં રૂપાંતરિત થાય છે. ઉષ્ણતાવિકૃતિની કક્ષા મુજબ કાં તો સ્ફટિકમય ચૂનાખડક (crystalline limestone) બને છે, અથવા આરસપહાણ બને છે. શુદ્ધ ચૂનાખડક શુદ્ધ આરસપહાણમાં અને અશુદ્ધ ચૂનાખડક અશુદ્ધ આરસપહાણ તેમજ કૅલ્શિયમ સિલિકેટમાં ફેરવાય છે. જુદી જુદી મૂળભૂત અશુદ્ધિઓ મુજબ, અશુદ્ધ આરસપહાણમાં ટ્રૅમોલાઇટ, ડૉલોમાઇટ, ફૉર્સ્ટેરાઇટ, ડાયૉપ્સાઇડ, સ્પિનેલ તેમજ અન્ય ખનિજ અશુદ્ધિઓ હોઈ શકે છે. એકમાત્ર કૅલ્સાઇટના જ બનેલા શુદ્ધ ચૂનાખડકનું ઉષ્ણતાવિકૃતિ દ્વારા પુન:સ્ફટિકીકરણથી થતું શુદ્ધ રૂપાંતરિત સ્વરૂપ એટલે જ આરસપહાણ.
આરસપહાણ સફેદ, આછા ગુલાબી, લીલા, પીળા કે કાળા રંગોમાં મળી આવે છે. ક્યારેક તેમાં વિવિધ જાતની પટ્ટાદાર રંગરચના પણ જોવા મળે છે. આરસપહાણમાં જોવા મળતી ભિન્ન ભિન્ન રંગરચના મૂળ ચૂનાખડક કે ડૉલોમાઇટ-ચૂનાખડકમાં રહેલી અશુદ્ધિઓને કારણે જ ઉદભવતી હોય છે. આરસપહાણમાં જોવા મળતો લીલો રંગ વિકૃતિ દરમિયાન અસ્તિત્વમાં આવેલા સર્પેન્ટાઇન ખનિજને કારણે હોય છે; તેમ છતાં ડૉલોમાઇટ, સિલિકા, લોહસંયોજનો, મૃણ્મય ખનિજો જેવી મૂળભૂત અશુદ્ધિઓ એવાં વિકૃત ખનિજોમાં રૂપાંતર પામે છે, જે વ્યાપારી ધોરણે જરૂરી એવી છાંટવાળા કે ઝાંયવાળા કે લાક્ષણિક દેખાવવાળા આરસપહાણ તૈયાર કરે છે; દા.ત., ડૉલોમાઇટયુક્ત ચૂનાખડક જો નજીવા પ્રમાણમાં રેતીયુક્ત હોય તો તેમાંથી સુશોભનહેતુઓ માટેનો ફૉર્સ્ટેરાઇટ-આરસપહાણ પેદા થઈ શકે છે.
2(CaCO3. MgCO3) + SiO2 = Mg2 SiO4 + 2CaCO3 + 2CO2
ડૉલોમાઇટ + સિલિકા = ફૉર્સ્ટેરાઇટ
અહીં આ તબક્કે એ નોંધવું જરૂરી છે કે શિલ્પીઓ અને સલાટ કારીગરો માટે જે ખડક સરળતાથી ચમક લઈ શકે એવા હોય (મુખ્યત્વે જળકૃત ચૂનાખડકો, જે વિકૃતિ પામ્યા ન હોય તોપણ) તે બધા આરસપહાણ તરીકે જ ઓળખાવાય છે; આવા ઉપયોગમાં લેવાતા અને ‘કહેવાતા’ આરસપહાણ, વાસ્તવિક આરસપહાણ હોતા નથી. જબલપુરમાં મળી આવતો ધારવાડ વયનો સંપૂર્ણ સ્ફટિકમય ડૉલોમાઇટયુક્ત ચૂનાખડક તથા ત્રિચિનાપલ્લી આરસપહાણના નામે બાંધકામમાં વપરાતો કવચ ચૂનાખડક, જે સુંદર, સખત, સૂક્ષ્મ દાણાદાર, અર્ધપારદર્શક સુશોભન-ખડક છે, તે એનાં ઉદાહરણો છે.
ભારતમાં આરસપહાણનો જથ્થો ઠીકઠીક પ્રમાણમાં મળે છે. મુખ્ય પ્રાપ્તિસ્થાન રાજસ્થાનની ‘અરવલ્લી શ્રેણી’ છે. જોધપુર મકરાણા (જેનો જથ્થો હવે લગભગ ખલાસ થવા આવ્યો છે); નાથદ્વારા-કાંકરોલી વિસ્તારમાં; અજમેરમાં ખારવા; જયપુરમાં મોંડલા અને ભૈંસલાના; અલવરમાં દાડીકર; મધ્યપ્રદેશમાં જબલપુર-નર્મદાનાં કોતરોમાં તેમજ નરસિંહપુરમાં; ગુજરાતમાં અંબાજી અને મોતીપુરામાં તેમજ જમ્મુ-કાશ્મીરમાં આરસપહાણના જથ્થા વિશાળ વિસ્તારોમાં પથરાયેલા છે. બાંધકામ તેમજ સુશોભનના હેતુઓ માટે એટલે કે સ્થાપત્ય અને સ્મૃતિચિહનો માટે મોટા દાણાવાળો, જ્યારે કોતરકામ અને મૂર્તિઓ કે બાવલાં માટે સૂક્ષ્મ દાણાદાર આરસપહાણ વપરાય છે. જગપ્રસિદ્ધ તાજમહાલમાં મકરાણા આરસપહાણ વપરાયેલો છે. દિલ્હી, આગ્રા અને કાશ્મીરની પ્રાચીન ઇમારતોમાં રાજસ્થાનનો અને માઉન્ટ આબુનાં દેલવાડાનાં મંદિરોમાં અંબાજીનો આરસપહાણ ઉપયોગમાં લેવાયેલો છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
ગિરીશભાઈ પંડ્યા