આરણ્યક : વૈદિક સાહિત્યપ્રબંધો. વૈદિક સાહિત્યમાં મંત્ર અને બ્રાહ્મણસાહિત્ય પછી અને ઉપનિષદની પહેલાં રચાયેલા સાહિત્યપ્રબંધોને આરણ્યક કહેવામાં આવે છે. બૃહદારણ્યક કહે છે : अरण्येऽनूच्यमानत्वात् आरण्यकम् । વાનપ્રસ્થાશ્રમમાં અરણ્યમાં જેનું પઠન કરવામાં આવતું તે આરણ્યક. બીજી રીતે કહેવામાં આવ્યું છે કે અરણ્યમાં અધ્યયન કરવામાં આવે છે માટે આરણ્યક.
ગોપથ બ્રાહ્મણ (2-10) અને બોધાયન ધર્મસૂત્ર ભાષ્યમાં (2-8-3) આરણ્યકને રહસ્યગ્રંથ પણ કહેવામાં આવ્યો છે.
આરણ્યકોમાં વાનપ્રસ્થ આશ્રમમાં જીવન વિતાવવાવાળાઓ માટેનાં યજ્ઞ, મહાવ્રત, હૌત્ર આદિનું વિવરણ આવે છે. આમાં કર્મનું વિવેચન આવતું હોવાથી તેને કર્મકાંડ પણ કહે છે. આમ છતાં આરણ્યકોમાં યજ્ઞનો ક્રિયાકાંડ જ નિરૂપાયો નથી, પણ મુખ્યત્વે તો અહીં યજ્ઞની પાછળ રહેલા દાર્શનિક વિચારને વિકસાવવામાં આવ્યો છે. અહીં યજ્ઞને વિશ્વનિયંતા કહેવામાં આવ્યો છે. આખું જગત યજ્ઞમય છે તથા યજ્ઞ ચરાચર માટે કલ્યાણકારી છે એમ કલ્પવામાં આવ્યું છે. યજ્ઞ ઉપરાંત આમાં પ્રાણવિદ્યાઓના મહિમાનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. સકામ કર્મનું ફળ નશ્વર હોવાથી તેને છોડીને અનશ્વરની શોધ તરફ આરણ્યકની ગતિ છે. એકંદર આરણ્યકોમાં જ્ઞાનકર્મસમુચ્ચયનું નિરૂપણ છે.
ત્રણ વેદોમાં આરણ્યકો મળી આવે છે. આમાં ઋગ્વેદમાં ઐતરેય અને કૌષીતકિ આરણ્યકો છે. બૃહદારણ્યક અને તૈત્તિરીયારણ્યક કૃષ્ણ યજુર્વેદનાં છે. શતપથ બ્રાહ્મણના 14 મા ભાગનો પહેલો તૃતીયાંશ શુક્લ યજુર્વેદનું આરણ્યક છે. છાંદોગ્યોપનિષદનો પૂર્વભાગ-છાંદોગ્યારણ્યક-સામવેદનું છે, જ્યારે અથર્વવેદને આરણ્યક નથી.
વૈદિક સાહિત્યગ્રંથોના સમયની બાબતમાં ચોકસાઈપૂર્વક કહેવું મુશ્કેલ છે. છતાં આરણ્યકો ઈ. સ. પૂ. 2500 થી ઈ. સ. પૂ. 1500 અરસામાં રચાયાં હશે, એવો સામાન્ય અભિપ્રાય પ્રવર્તે છે.
પરમાનંદ દવે