આયાતનીતિ, ભારતની : પરદેશમાં ઉત્પન્ન થયેલ વસ્તુઓની દેશની વપરાશ માટે આયાત કરવા અંગેની ભારત સરકારની નીતિ. આઝાદી પછી અને ખાસ કરીને આયોજનની શરૂઆતથી ભારતની આયાતો પર વિવિધ સ્વરૂપે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. આયાતનીતિ તરીકે રજૂ થતાં એ બધાં નિયંત્રણોની પાછળના ઉદ્દેશો નીચે પ્રમાણે હતા :
(1) આયાતો સાપેક્ષ રીતે ઘટાડવી, નિયંત્રિત કરવી, જેથી દેશના આંતરરાષ્ટ્રીય લેણદેણના સરવૈયા પર વેપારતુલાની ખાધ ઘટાડી શકાય;
(2) જાળવણી (maintenance) અને વિકાસ (development) માટેની આયાતોની વ્યવસ્થા કરવી;
(3) નિકાસ-ઉદ્યોગો માટે મૂડી-માલ, યંત્રસામગ્રી અને કાચા માલની આયાતો સરળ બનાવવી;
(4) કેટલીક વપરાશની ચીજોના ભાવોમાં થતા મોટા વધારાને અટકાવવા માટે એ ચીજોની આયાત કરવી અને
(5) ઉદ્યોગોના વિકાસ માટેની આયાત-અવેજીકરણની વ્યૂહરચના અમલમાં મૂકવી.
ઉપર્યુક્ત મુખ્ય ઉદ્દેશોના સંદર્ભમાં ભારતની આયાતનીતિમાં વખતોવખત વિગતોને સ્પર્શતા ફેરફારો કરવામાં આવતા હતા. 1950થી ’90ના ચાર દસકા દરમિયાન દેશ મોટા ભાગનાં વર્ષો દરમિયાન વિદેશી ચલણની તીવ્ર તંગીથી પીડાતો રહ્યો હતો. તેથી અનિવાર્ય ન હોય એવી ચીજોની આયાતો થવા દેવામાં આવતી ન હતી. વપરાશની ઔદ્યોગિક ચીજોની આયાતો પર જૂજ અપવાદોને બાદ કરતાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અન્ય ઔદ્યોગિક ચીજોની બાબતમાં આયાતોના પરવાના આપતી વખતે બે કસોટીઓ લાગુ પાડવામાં આવતી હતી : (1) આવશ્યકતાની કસોટી અને (2) આંતરિક અપ્રાપ્યતાની કસોટી. દેશમાં વસ્તુના ઉત્પાદન માટે યંત્રો, સાધનસામગ્રી કે કાચો માલ જરૂરી હોય; પણ દેશમાં જ તેનું ઉત્પાદન થતું હોય, એટલે કે તે દેશમાં પ્રાપ્ય હોય તો આયાત માટે છૂટ આપવામાં આવતી ન હતી.
આયાતો પરનાં નિયંત્રણો ખૂબ જટિલ હતાં અને તેના અમલ માટેની વહીવટી વ્યવસ્થા ખૂબ વિસ્તૃત હતી; દા.ત., કઈ વસ્તુઓની કેટલાક જથ્થામાં કોના દ્વારા આયાત કરવા દેવામાં આવશે તે અંગેનાં નિયંત્રણો ભારત સરકારના વેપાર મંત્રાલયમાં આવેલા ‘ઇમ્પૉર્ટ ટ્રેડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન’ દ્વારા અમલમાં મૂકવામાં આવેલાં. ચીફ કન્ટ્રોલર ઑવ્ ઇમ્પૉર્ટ્સ ઍન્ડ એક્સપૉર્ટ્સ દેશની મોટા ભાગની આયાતો માટેના પરવાના નક્કી કરતા હતા. લોખંડ અને પોલાદની આયાત માટે આયર્ન ઍન્ડ સ્ટીલ કન્ટ્રોલર અને યાંત્રિક સાધનોની તેમજ આનુષંગિક આયાતો માટે ટૂલ્સ ડેવલપમેન્ટ વિંગ ઑવ્ ધ મિનિસ્ટ્રી ઑવ્ ઇમ્પૉર્ટ્સ ઍન્ડ એક્સ્પૉર્ટ્સના ડેવલપમેન્ટ ઑફિસર આયાત-પરવાનાઓની ફાળવણી કરતા હતા. એ જ રીતે આયાત પરવાનાઓના વિતરણ માટે આયાતકારોને વિવિધ વિભાગોમાં વહેંચવામાં આવતા હતા; દા.ત., સ્થાપિત આયાતકારો, ખરેખર વપરાશ કરનારાઓ, નવા આયાતકારો વગેરે.
આયાતોને સીમિત રાખવા માટે બે પ્રકારનાં નિયંત્રણોનો છૂટથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. એક, મોટા ભાગની ચીજો પર ખૂબ ઊંચા દરે આયાતજકાત નાખવામાં આવી હતી. ભારતનો સમાવેશ દુનિયામાં અતિ ઊંચી આયાતજકાત ધરાવતા જૂજ દેશોમાં થતો હતો. બીજું, અસંખ્ય ચીજોની આયાતો પર પરિમાણાત્મક નિયંત્રણો (ક્વૉટા) લાદવામાં આવેલાં હતાં. આને પરિણામે જે ચીજોની આયાતો માટે પરવાનગી આપવામાં આવતી હતી, તે પૈકી મોટાભાગની ચીજો પર ક્વૉટાના રૂપમાં અને/અથવા ઊંચી આયાતજકાતોના રૂપમાં અંકુશો મૂકવામાં આવેલા હતા.
આયાત–અવેજીકરણની નીતિ : દેશમાં જે ચીજોની આયાતો થતી હોય તેમની અવેજીમાં લઈ શકાય એવી ચીજોના ઘરઆંગણે ઉત્પાદનને પ્રોત્સાહન આપતાં પગલાંને આયાત-અવેજીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે એ નીતિની હિમાયત 1950 પછીનાં વર્ષોમાં કેટલાક અર્થશાસ્ત્રીઓએ કરી હતી. તેની વિરુદ્ધ કેટલાક અર્થશાસ્ત્રીઓએ નિકાસનિર્ભર ઔદ્યોગિક વિકાસની નીતિની હિમાયત કરી હતી. ભારતની જેમ લેણદેણના સરવૈયા પર મોટી ખાધ ધરાવતા અને વિદેશી ચલણની તંગી ભોગવતા દેશો માટે આ બાબતમાં પસંદગીને ઝાઝો અવકાશ જણાતો ન હતો. તેમણે વિદેશી ચલણની તંગીને કારણે સંખ્યાબંધ ચીજોની આયાતો ઘટાડવાની જ હતી. જે ચીજોની આયાતો પર સદંતર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા જે ચીજોની આયાતોને આયાતજકાત કે આયાતક્વૉટા દ્વારા ઘટાડી નાખવામાં આવે તે ચીજોના આંતરિક ઉત્પાદનને પ્રોત્સાહન સાંપડે તે સહજ હતું. આમ ભારતમાં આયાત-અવેજીકરણની નીતિ અમુક અંશે સંજોગોએ લાદેલી હતી અને અમુક અંશે તે એક નીતિવિષયક પસંદગી હતી.
ભારતની આયાતનીતિ પર જે બીજી વિચારસરણીનો પ્રભાવ પડ્યો હતો, તે આ પ્રમાણે છે : એક, ભારતમાં જે આયોજન અપનાવવામાં આવ્યું હતું તેનો એક ઉદ્દેશ મહત્વની ચીજોમાં સ્વનિર્ભરતા કે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાનો હતો. તેમાં આહારની ચીજો તથા ઉદ્યોગોના ક્ષેત્રે લોખંડ-પોલાદ જેવી ધાતુઓ, મહત્વની યંત્રસામગ્રી વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આવી ચીજોમાં આયાતો પરના અવલંબનને વિવિધ દૃષ્ટિએ જોખમી અને અયોગ્ય લેખવામાં આવ્યું હતું.
બીજું, દેશની નિકાસોની બાબતમાં એક પ્રકારનો નિરાશાવાદ પ્રવર્તતો હતો. દેશની નિકાસોમાં મોટા પ્રમાણમાં વધારો થઈ શકે તેમ નથી એવા ગૃહીત પર વિદેશ-વેપાર અંગેની આપણી નીતિ રચાયેલી હતી. 1950 પછીનાં વર્ષોમાં દુનિયામાં નિકાસોમાં ઊંચા દરે વધારો થઈ રહ્યો હતો ત્યારે પણ લગભગ અઢી દસકા સુધી ભારત એ ગૃહીતને અપ્રગટ રીતે વળગી રહ્યું હતું. આનો નીતિવિષયક ફલિતાર્થ સ્પષ્ટ હતો. દેશની નિકાસોમાં જરૂરિયાત પ્રમાણે વધારો થઈ શકે તેમ ન હોવાથી સાપેક્ષ રીતે આયાતોને ઘટાડીને જ લેણદેણના સરવૈયા પરની ખાધને મર્યાદામાં રાખી શકાય. આયાતો ઘટાડવાના એક ભાગ રૂપે તથા આત્મનિર્ભરતા હાંસલ કરવાના ઉદ્દેશને પાર પાડવાના હેતુથી દેશમાં આયાતોને ન્યૂનતમ સપાટી પર રાખવાની નીતિ અપનાવવામાં આવી હતી.
દેશમાં 1950 પછીના લગભગ ચાર દસકા દરમિયાન અપનાવવામાં આવેલી આયાતનીતિનાં અનેક પરિણામો આવ્યાં હતાં. એ નીતિને પરિણામે સંખ્યાબંધ ચીજોની બાબતમાં આયાતો પરના અવલંબનમાં ઘટાડો થયો; દા.ત., 1955-56 માં દેશમાં લોખંડ અને પોલાદના પુરવઠામાં આયાતોનો હિસ્સો લગભગ 40 % જેટલો હતો, તે ઘટીને 1977-78 માં એક ટકા જેટલો થઈ ગયો હતો, ઍલ્યુમિનિયમમાં એ પ્રમાણ 68.5% ઘટીને 2% થઈ ગયું હતું, સોડા-ઍશ અને કૉસ્ટિક સોડા જેવી ચીજો માટે આયાતો પર બિલકુલ આધાર રાખવાનો રહ્યો ન હતો.
આયાત-અવેજીકરણની નીતિને પરિણામે આયોજનના પ્રથમ દોઢ દસકા દરમિયાન ઔદ્યોગિક વિકાસ ઝડપથી થયો હતો, પરંતુ એ પછીનાં વર્ષોમાં તે ધીમો પડી ગયો હતો, વળી આયાતોની સ્પર્ધા ન રહેવાથી દેશમાં એવા અનેક ઉદ્યોગ સ્થપાયા હતા, જેમને, અર્થશાસ્ત્રની પરિભાષામાં, તુલનાત્મક લાભ ન હતો. સાદી ભાષામાં કહીએ તો તેમનું ઉત્પાદનખર્ચ ઘણું વધારે હતું; તેથી જો આવી ચીજોની આયાતો પરનાં નિયંત્રણો હળવાં કરવામાં આવે તો તેમની આયાતો થતાં દેશમાં એવી ચીજોનું ઉત્પાદન કરતા ઉદ્યોગો મુશ્કેલીમાં આવી પડે.
ઉદારીકરણની નીતિ : દેશમાં 1991ના મધ્ય ભાગથી નવી આર્થિક નીતિનો અમલ શરૂ થયો છે. આ નીતિનું એક પાસું ઉદારીકરણનું છે. આર્થિક પ્રવૃત્તિઓ પરનાં સરકારી નિયંત્રણોમાં કરાતા ઘટાડાને ઉદારીકરણ કહેવામાં આવે છે. આ નીતિના એક ભાગ રૂપે આયાતો પરનાં નિયંત્રણો ઘટાડવામાં અથવા નાબૂદ કરવામાં આવ્યાં છે. આ નીતિ નીચે આયાતજકાતના દરોમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને 1,400થી અધિક ચીજો માટેનો આયાત-ક્વૉટા નાબૂદ કરવામાં આવ્યો છે. અહીં એ ઉમેરવું જોઈએ કે 1995માં ‘ઉરુગ્વે-રાઉન્ડ’ના નામે ‘ગેટ’ના આશ્રયે આંતરરાષ્ટ્રીય વેપાર અંગે જે સમજૂતી થઈ તેમાં ભારત સામેલ થયું છે. તેના એક ભાગ રૂપે અસ્તિત્વમાં આવેલા વિશ્વવેપાર-સંગઠન(વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનિઝેશન – WTO)નું ભારત સભ્ય બન્યું છે. આ સમજૂતીના ભાગ રૂપે પણ ભારતને તેની આયાતો પરનાં કેટલાંક નિયંત્રણો ઘટાડવાનાં અથવા નાબૂદ કરવાનાં છે. ઈ. સ. 2000 અને 2001માં જે 1,400 અધિક ચીજોના આયાત-ક્વૉટાની નાબૂદી કરવામાં આવી તે ઉપર્યુક્ત વેપારસમજૂતીનું પરિણામ હતું.
ઉદારીકરણની નીતિ હેઠળ વિદેશી ચલણના ઉપયોગ પરના અંકુશો મહદંશે નાબૂદ કરવામાં આવ્યા છે. તેથી દેશના નાગરિકો મુક્ત થયેલી ચીજોની આયાતો માટે હવે છૂટથી વિદેશી હૂંડિયામણ મેળવી શકે છે. વિદેશી ચલણની તંગીને કારણે આયાતો પર અંકુશ મૂકવો પડે એવી સ્થિતિ હવે દેશમાં રહી નથી. ઉદારીકરણની નીતિ અને વિશ્વવેપારસંગઠનના સભ્ય હોવાને કારણે દેશમાં સંખ્યાબંધ ચીજોની આયાતો હવે મુક્ત રીતે થઈ શકે છે. અલબત્ત, તેમના પર પ્રમાણમાં ઊંચા દરે આયાતજકાત ચૂકવવી પડે છે. આને કારણે હવે દેશના અનેક ઉદ્યોગોને વિદેશના ઉદ્યોગોની સ્પર્ધા સામે ટકવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. વધેલી વિદેશી સ્પર્ધા સામે કેટલાક ઉદ્યોગોમાં ઓછી કાર્યક્ષમ પેઢીઓ ટકી શકશે નહિ તે સંભવિત છે. દેશના ઔદ્યોગિક માળખાની કાર્યક્ષમતા વધારવા માટે આ પીડાકારક સમાયોજનની પ્રક્રિયામાંથી પસાર થવાનું અનિવાર્ય છે. આમાં ગ્રાહકોને સાપેક્ષ રીતે નીચી કિંમતે વધુ સારી ગુણવત્તા ધરાવતી ચીજો ખરીદવાની તક સાંપડે છે. આ સ્પર્ધાને કારણે દેશના ઉત્પાદકોને પણ તેમની પેદાશોની ગુણવત્તા સુધારવાની, તેમને વધુ સારા સ્વરૂપે બજારમાં મૂકવાની તથા ઉત્પાદનખર્ચ ઘટાડીને પેદાશની કિંમત ઘટાડવાની ફરજ પડે છે.
1991 પહેલાંની આયાતનીતિ દેશના નિકાસ-ઉદ્યોગો માટે પ્રતિકૂળ હતી. નિકાસ-ઉદ્યોગમાં વપરાતાં સાધનસામગ્રી અને કાચો માલ જો દેશમાં ઉપલબ્ધ હોય તો તેની આયાત કરવાની છૂટ આપવામાં આવતી ન હતી. એ બધી ચીજોની કિંમત દેશમાં વધારે હોય કે તેમની ગુણવત્તા ઊતરતી હોય તોપણ દેશના નિકાસ-ઉદ્યોગોએ સ્વદેશી ચીજો જ ખરીદવી પડતી હતી. તેને પરિણામે કેટલાક નિકાસ-ઉદ્યોગોમાં ઉત્પાદનખર્ચ વધી જતું હતું અને વસ્તુની ગુણવત્તા કથળી જતી હતી. આ સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી રહીને નિકાસો વધારવાનું દેશના ઉત્પાદકો માટે મુશ્કેલ બનતું હતું. 1991 થી અમલમાં આવેલી નવી આર્થિક નીતિમાં આયાતો પરનાં નિયંત્રણો હળવાં થઈ જતાં દેશની નિકાસોની વૃદ્ધિ આડેનો એક મોટો અવરોધ નાબૂદ થયો છે.
આયાતો, ભારતની : કોઈ પણ દેશમાં તેના આર્થિક વિકાસ સાથે તેની આયાતોમાં નિરપેક્ષ રીતે (એટલે કે નાણાંમાં કે જથ્થામાં માપતાં) વધારો થતો હોય છે. આર્થિક વિકાસની પ્રક્રિયામાં લોકોની વધતી આવકનો કેટલોક ભાગ આયાત થતી ચીજો પાછળ ખર્ચાતો હોય છે. એ જ રીતે વિકાસની પ્રક્રિયામાં દેશમાં મૂડીરોકાણ વધે છે, એટલે કે મૂડીની ચીજો પાછળ કરવામાં આવતા ખર્ચમાં વધારો થાય છે. આમાં મૂડીની કેટલીક ચીજોની આયાત કરવી પડે છે. આમ વિકાસની પ્રક્રિયામાં નિરપેક્ષ રીતે આયાતો વધે તે અપેક્ષિત છે. એ રીતે જોઈએ તો ભારતમાં 1950-51 ના વર્ષમાં અમેરિકાના ડૉલરમાં માપીએ તો 127.3 કરોડ ડૉલરની આયાતો થઈ હતી. 1990-91 ના વર્ષમાં દેશની આયાતો ડૉલરમાં તે 2,407.5 કરોડની થઈ હતી.
ઉપર નોંધ્યું છે તેમ 1991થી દેશની આયાતો માટે ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી છે. તેની અસર નીચે દેશની આયાતોમાં વધુ ઝડપથી વધારો થાય તે અપેક્ષિત છે. 1999-2000ના વર્ષ માટેના કામચલાઉ અંદાજ પ્રમાણે દેશની આયાતો વધીને 4,721.2 કરોડ ડૉલર થઈ હતી. આમ નવ વર્ષના ગાળામાં દેશની આયાતો લગભગ બમણી થઈ હતી. ઈ. સ. 2010-11 માં દેશની આયાતો વધીને 35,227 કરોડ ડૉલર થઈ હતી.
દેશ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા વૈશ્વિક અર્થતંત્ર સાથે કેટલા પ્રમાણમાં સંકળાયેલો છે તેનું એક માપ આયાતોનું પ્રમાણ (રાષ્ટ્રીય આવક સાથેની આયાતોની ટકાવારી) પૂરું પાડે છે. અન્ય દેશોની સાથે તુલના કરીને જ આપણે ભારતના વૈશ્વિક અર્થતંત્ર સાથેના જોડાણને તપાસી શકીએ. આમાં મિશ્ર ચિત્ર સાંપડે તે સંભવિત છે. એક બાજુ મલેશિયા જેવો દેશ છે જેની આયાત તેની રાષ્ટ્રીય આવકના 92 ટકાથી અધિક છે, બીજે છેડે જાપાન જેવો દેશ છે, જે તેની રાષ્ટ્રીય આવકના 10 ટકાથી ઓછી આયાત કરે છે. તેથી ભારતની તુલના ચીન જેવા મોટા દેશ સાથે કરવી જોઈએ. ચીનની આયાતો તેની રાષ્ટ્રીય આવકના 17 ટકા જેટલી છે. એકંદરે જોઈએ તો દુનિયામાં 150થી અધિક દેશોની આયાતો, તેમની રાષ્ટ્રીય આવકના ટકા રૂપે, ભારતની તુલનામાં વધારે છે.
ભારતની આયાતોમાં સહુથી વધુ આયાતો પેટ્રોલિયમ-પેદાશોની થાય છે. ઈ. સ. 2011 ના દરમિયાન દેશની કુલ આયાત 35,227 ડૉલર હતી. તેમાં પેટ્રોલિયમ ક્રૂડ અને પેટ્રોલિયમ પેદાશોનો હિસ્સો આશરે 30% હતો. બીજે સ્થાને કેપિટલ ગુડ્ઝનો આશરે 14 % હતો. હીરા અને કીમતી પથ્થરો, મોતી વગેરેનો 7 % જેટલો હતો. સોનું અને ચાંદીનો આશરે 10 ટકા હતો.
દેશની આયાતોનો મોટો ભાગ ચીન (11.41 %), યુનાઇટેડ આરબ દેશો (U.A.E.) (8.02 %), સ્વિટ્ઝર્લૅન્ડ (6.15 %), સાઉદી અરેબિયા (5.70 %) અને યુ.એસ.એ.(5.25 %) માંથી હતો.
1999-2000 ના વર્ષમાં ઔદ્યોગિક રીતે વિકસિત દેશોમાંથી થયેલી આયાતોનું પ્રમાણ લગભગ 45 % જેટલું હતું.
હસમુખરાય કેશવલાલ ત્રિવેદી