આયનીકરણ-ઊર્જા અથવા આયનીકરણ વિભવ (IonizationEnergy or Ionization Potential) : નિરપેક્ષ શૂન્ય (T = 0K) તાપમાને ભૂતલ અવસ્થામાં રહેલા કોઈ એક વિનિર્દિષ્ટ (specified) પરમાણુમાંથી એક ઇલેક્ટ્રૉનને એટલે દૂર લઈ જવા માટે જોઈતી ઊર્જા કે જેથી આયન અને ઇલેક્ટ્રૉન વચ્ચે સ્થિરવૈદ્યુત (electrostatic) પારસ્પરિક ક્રિયા (interaction) ન હોય. સંજ્ઞા IM (અથવા IE અથવા Ip).
જ્યાં M એ એક રાસાયણિક જાતિ (species) અને e– ઇલેક્ટ્રૉન છે. g વાયુ-પ્રાવસ્થા સૂચવે છે.
અન્ય તાપમાને ઉપરના સમીકરણમાંની વિધિ આયનીકરણની એન્થાલ્પી વડે લક્ષણચિત્રિત (characterized) થાય છે, કારણ કે વાયુમય નીપજો એક વધારાનું ઊર્જા-પદ (energy term) ધરાવશે.
જ્યાં મૂર્ધાંક (superscript) O એ T તાપમાને ઉષ્માગતિજ પ્રમાણિત (standard) અવસ્થા સૂચવે છે જ્યારે Δn એ નીપજોની મોલસંખ્યા અને પ્રક્રિયકોની મોલસંખ્યાનો તફાવત છે.
પ્રથમ આયનીકરણ-ઊર્જા I1 અથવા IM(1) એ વાયુ-પ્રાવસ્થામાં રહેલા તટસ્થ પરમાણુમાંથી સૌથી ઓછા ચુસ્ત રીતે બંધાયેલ ઇલેક્ટ્રૉનને દૂર કરવા માટે જોઈતી ઊર્જા છે. તેને ઇલેક્ટ્રૉન-વોલ્ટ(eV)માં (1eV = 1.602 x 10–12 અર્ગ = 1.602 x 10–19 જૂલ) અથવા SI એકમોમાં જૂલ પ્રતિ મોલ(J mol–1)માં દર્શાવાય છે. હાઇડ્રોજન માટે I1નું મૂલ્ય 2.1787 x 10–18 જૂલ અથવા 1311 કિજૂ/મોલ છે.
પ્રથમ આયનીકરણ દરમિયાન એક ઇલેક્ટ્રૉન દૂર થવાથી પરમાણુ ધનવીજભારવાહી (ધનાયન) બને છે. પરિણામે બીજો ઇલેક્ટ્રૉન દૂર કરવાનું વધુ મુશ્કેલ બને છે. અને આ મુશ્કેલી ઉત્તરોત્તર વધતી જાય છે. આમ I1 < I2 < I3…જ્યાં નિમ્નાંક 1, 2, 3,… ક્રમશ : દૂર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા દર્શાવે છે. જેમનું અષ્ટક સંપૂર્ણ હોય અથવા આવી સંરચના પ્રાપ્ત થાય ત્યારે તેમાંના ઇલેક્ટ્રૉનને દૂર કરવાનું અતિ મુશ્કેલ બને છે. નીચેની સારણીમાં આયનીકરણ ઊર્જાનાં કેટલાંક મૂલ્યો દર્શાવ્યાં છે.
(અહીં આયનીકરણ ઊર્જા Iq એ નીચેની વિધિ માટે 0Kએ આપેલ છે :
આંકડા q = 1થી 4 સુધી આપ્યા છે. અન્ય તાપમાને વિધિ એન્થાલ્પીય બનવાથી રાશિ જેટલી વધુ હોય છે.)
સારણી : કેટલાંક તત્વોની આયનીકરણ ઊર્જાનાં મૂલ્યો (કિજૂ/મોલ)
તત્વ (સંજ્ઞા) | પરમાણુક્રમાંક | I1 | I2 | I3 | I4 |
H | 1 | 1311 | |||
He | 2 | 2371 | 5247 | ||
Li | 3 | 520.1 | 7297 | 11811 | |
Be | 4 | 899.1 | 1757 | 14820 | 20999 |
B | 5 | 800.4 | 1462 | 3642 | 25016 |
C | 6 | 1087 | 2352 | 4561 | 6510 |
N | 7 | 1403 | 2856 | 4577 | 7473 |
O | 8 | 1316 | 3391 | 5301 | 7468 |
F | 9 | 1681 | 3375 | 6046 | 8318 |
Ne | 10 | 2080 | 3963 | 6176 | 9376 |
Na | 11 | 495.8 | 4565 | 6912 | 9540 |
Ar | 18 | 1520 | 2665 | 3946 | 5577 |
કાંતિલાલ પુરુષોત્તમદાસ સોની