આયનીકરણ (ionization) : આયનીકરણ એટલે વિદ્યુતભારયુક્ત પરમાણુ કે અણુનું નિર્માણ. પરમાણુના કેન્દ્રમાંના પ્રોટૉન ઉપરનો ધન વિદ્યુતભાર અને કેન્દ્રકબાહ્ય (extranuclear) ઇલેક્ટ્રૉન ઉપરનો ઋણ વિદ્યુતભાર સરખા હોઈ પરમાણુ સમગ્ર રીતે તટસ્થ હોય છે. આથી ઇલેક્ટ્રૉન ગુમાવતાં તે ધનભારિત અને ઇલેક્ટ્રૉન ઉમેરાતાં તે ઋણભારિત બને છે. ઇલેક્ટ્રૉન દૂર કરવા માટેની જરૂરી ઊર્જાનો આયનીકરણ-વિભવ (potential) તરીકે ઉલ્લેખ થાય છે. અતિ ઉચ્ચ તાપમાન, વિદ્યુતચુંબકીય વિકિરણ (X – કિરણો, γ – કિરણો, કૉસ્મિક કિરણો વગેરે), વધુ ઊર્જાયુક્ત કણો (ઇલેક્ટ્રૉન, α-કણો, ન્યૂટ્રૉન) વગેરેની અસર તળે પરમાણુ/અણુઓ ઇલેક્ટ્રૉન ગુમાવીને ધનાયન આપે છે. અલગ થયેલ ઇલેકટ્રૉન અણુમાં શોષાતાં ઋણાયન મળે છે. વાયુરૂપ ધનાયનો અને ઋણાયનોનું મિશ્રણ પ્લાઝ્મા તરીકે ઓળખાય છે.
કેટલાક પદાર્થો, વિદ્યુતવિભાજ્યો (electrolytes) પાણીમાં ઓગળતાં આયનો આપે છે. આ વિચાર આયનીકરણ સિદ્ધાંત તરીકે સૌપ્રથમ આર્હેનિયસે 1883માં રજૂ કર્યો હતો. પાણી આયનોને સ્થાયી કરવામાં મદદરૂપ હોઈ આ ક્રિયામાં ઘણી જ ઓછી ઊર્જા જરૂરી બને છે. NaCl ⇄ Na+ + Cl–. આયનોની હાજરીને કારણે સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ વિદ્યુતવાહક બને છે.
આયનીકરણની ઘટના ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર તથા જીવરસાયણમાં ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે.
સુરેશ ર. શાહ