આયનિક બંધ (Ionic Bond) : વિરુદ્ધ વીજભારવાળા બે આયનો સ્થિરવૈદ્યુત (electrostatic) બળ દ્વારા પરસ્પર આકર્ષાઈ એકબીજા સાથે જોડાય ત્યારે ઉદભવતો બંધ. એક તરફ ધનવિદ્યુતીય ધાતુઓ જેવી કે આલ્કલી ધાતુઓ, આલ્કેલાઇન મૃદ્ (earth) ધાતુઓ કે લેન્થેનાઇડ ધાતુઓ અને બીજી બાજુ હેલોજન, ઑક્સિજન, સલ્ફર વગેરે ઋણવિદ્યુતી અધાતુઓ આયનિક બંધ દ્વારા સંયોજનો આપે છે, જેને આયનિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. લેવિસ અને કોસેલે 1916માં સ્વતંત્ર રીતે, આ આયનિક બંધ સમજાવતો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેમના મત મુજબ અંત્ય કક્ષકમાં ઇલેક્ટ્રૉનનો અષ્ટક સ્થાપવા માટે ધાતુઓ વધારાના બાહ્ય ઇલેક્ટ્રૉનનો ત્યાગ કરે છે અને આ રીતે ધનાયન ઉત્પન્ન કરે છે, જ્યારે અધાતુઓ આવા ઇલેક્ટ્રૉન સ્વીકારીને, ઋણાયન બનાવીને, અંત્ય કક્ષકમાં અષ્ટક પ્રાપ્ત કરે છે. આમ ઉત્પન્ન થયેલ ધનાયન અને ઋણાયન વચ્ચે કુલમ્બિક આકર્ષણ સ્થપાય છે. આ વિદ્યુતીય આકર્ષણ જ આયનિક અણુઓની સ્થિરતાનું કારણ હોય છે. તેથી આવા પદાર્થોને વિદ્યુતસંયોજક (electrovalent) પદાર્થો કહે છે. તેમના બંધારણમાં આયનો હોવાથી આવા બંધને આયનિક બંધ અથવા વિદ્યુત્સંયોજકતા કહે છે. આયન ઉપર જેટલો વીજભાર (Z) હોય તેટલી તેની વિદ્યુતસંયોજકતા ગણાય છે. આમ વગેરે પદાર્થો બને છે. એમોનિયમ ધન મૂલક તરીકે અને વગેરે ઋણ મૂલકો તરીકે વર્તે છે.

કુલમ્બના નિયમ અનુસાર આ આકર્ષણની સ્થિતિજ ઊર્જા (potential energy), E, નીચેના સૂત્ર પ્રમાણે ગ્રામ-અણુ માટે ગણી શકાય :

N = એવોગેડ્રો સંખ્યા, e = એકમ વીજભાર 4.8 × 10–10 esu, Z1 અને Z2 આયનો ઉપરના વીજભાર અને r = બે આયનો વચ્ચેનું અંતર. આવા આયનોનો વીજભાર દિશાનિરપેક્ષ હોય છે અને તેથી તેઓને ગોળાકાર કલ્પવામાં આવે છે. આ ગોળ આયનોની આસપાસ એકથી વધુ વિરુદ્ધ વીજભારવાળા આયનો ગોઠવાઈ જાય છે. આમ ત્રિદિશીય સ્થિર સ્ફટિક રચાય છે; જેમ કે Na+Clના સ્ફટિકમાં એક Na+ આયનની આસપાસ છ Cl આયનો અષ્ટફલક રચના અનુસાર વીંટળાયેલ હોય છે. તે જ પ્રમાણે એક Cl આયનની આસપાસ છ Na+ આયનો અષ્ટફલક રચે છે. સિઝિયમ ક્લોરાઇડ, CsClમાં એક Cs+ ધનાયનની આસપાસ આઠ Cl ઋણાયનો અને એક Clની આજુબાજુ આઠ Cs+ આયનો ગોઠવાઈને વસ્તુ કેન્દ્રિત ઘનાકાર (body-centred cubic) રચના બનાવે છે. NaClમાં Na+ અને Cl બંને આયનોનો સવર્ગાંક છ અને CsClમાં Cs+ અને Clનો સવર્ગાંક આઠ છે. સ્ફટિક કેવી સંરચના ધરાવશે તેનો આધાર તેની આયનિક ત્રિજ્યાઓના ગુણોત્તર (r+/r) ઉપર છે. આમ વધુ આયનો આકર્ષણ વડે સંયોજિત થવાથી વ્યવસ્થિત સંરચના મળે છે જેને આયનિક જાલક (lattice) કહે છે. આવા ઘણા બધા આયનો વચ્ચે થતા આકર્ષણને લીધે સ્થિતિજ ઊર્જાની માત્રા વધી જાય છે. આવી વધારાની ઊર્જાને જાલિકા ઊર્જા કહે છે. કુદરતમાં ખડકો સામાન્ય રીતે આયનિક પદાર્થોના બનેલા હોય છે. તેમાં મિશ્ર ઑક્સાઇડો જેવા કે સ્પિનેલ, પેરૉવ્સ્કાઇટ તથા ઇલ્મેનાઇટની સંરચના જાણીતી છે. આયનિક પદાર્થોમાં સ્વતંત્ર અણુઓ હોતા નથી. આ કારણસર આયનિક પદાર્થોને અણુભારને બદલે સૂત્રભાર આપવામાં આવે છે. વળી આયનિક સંયોજનોમાં આયનો મોજૂદ હોવાથી તે ધ્રુવીય પદાર્થો ગણાય છે. તે ઉપરાંત ત્રણ વધુ વિશિષ્ટ ગુણધર્મો આયનિક પદાર્થોમાં જોવા મળે છે. તે દ્રાવણમાં તેમજ પ્રવાહી અવસ્થામાં વિદ્યુતના સુવાહક હોય છે. તે ઉચ્ચ ગલનાંક તેમજ ઉચ્ચ ઉત્કલનાંકવાળા અને પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં સામાન્યત: દ્રાવ્ય હોય છે. આવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોવાથી તેમને અવક્ષિપ્ત કરી અલગ કરવા મુશ્કેલ હોય છે. તેથી સામાન્ય રીતે તેમને અલગ કરવા આયન વિનિમય-પદ્ધતિ અખત્યાર કરવામાં આવે છે.

લ. ધ. દવે