આયનવિરોધ (આયન-પ્રતિસ્પર્ધિતા, ion-antagonism) : વિરોધાભાસી આયનોના અસ્તિત્વથી કોષવ્યવહારમાં સધાતું સમતોલપણું. ભાલ પ્રદેશના નળ સરોવરમાં દરિયાનું પાણી ઠલવાય છે અને તેની ઊંડાઈ લગભગ 1-2 મીટર હોય છે. આ ખારા પાણીમાં ડૂબેલી water cactus-Najas marina L-નામની 25 સેમી.થી 50 સેમી. ઊંચાઈવાળી વનસ્પતિની ચાદર પથરાય છે. આ વનસ્પતિ સમુદ્રનાં ખારાં પાણીમાં ખૂબ જ વિકસે છે, પરંતુ જો તે વનસ્પતિને સમસાંદ્રતા ધરાવતા મીઠા(NaCl)ના દ્રાવણમાં ઉગાડીએ તો તેનો તરત જ નાશ થાય છે. જો તેમાં અલ્પ પ્રમાણમાં કૅલ્શિયમ ક્લોરાઇડ ઉમેરીએ તો તેનાં વૃદ્ધિ અને વિકાસ સત્વરે થાય છે. આમ સોડિયમની વિષાક્તતા (toxicity) કૅલ્શિયમથી નિવારી શકાય છે. આને સોડિયમ (Na+) અને કૅલ્શિયમ (Ca++) આયનો વચ્ચેના વિરોધ કે પ્રતિસ્પર્ધિતા તરીકે ઓળખવામાં આવે છે.

મૂળરોમ (root hairs) જમીનમાંથી પાણી સાથે ક્ષારો ચૂસે છે. સોડિયમ કે પોટૅશિયમ ક્લોરાઇડનું શોષણ થતાં ધીરે ધીરે કોષોમાં તેનો ભરાવો થાય છે. અમુક સાંદ્રતાએ પહોંચતાં વિષાલુ અસર નીપજે છે. જમીનમાંથી અલ્પ પ્રમાણમાં કૅલ્શિયમ આયન પ્રવેશ પામે તો પોટૅશિયમનું શોષણ એકદમ ઘટી જાય છે. આમ થતાં પોટૅશિયમની વિષાળુ અસર અટકી જાય છે. આ જ પ્રમાણે કૅલ્શિયમ સોડિયમના શોષણને પણ અટકાવે છે; એટલું જ નહિ, પરંતુ સોડિયમ અને/અથવા પોટૅશિયમ કૅલ્શિયમના શોષણને પણ અટકાવે છે. આવર્ત કોષ્ટકના એક જ સમૂહના આયનો વચ્ચે પ્રતિસ્પર્ધિતા હોતી નથી. એટલે કે સોડિયમ અને પોટૅશિયમ તથા કૅલ્શિયમ અને બેરિયમ વચ્ચે પ્રતિસ્પર્ધિતા હોતી નથી.

કોષત્વચા અથવા પટલ(cell-membrane)ની બંધારણીય અખંડિતતા માટે કૅલ્શિયમ અનિવાર્ય છે. તે જો જરૂરી માત્રામાં ન હોય તો પટલની વરણાત્મકતા(selectivity)માં ખલેલ પહોંચે છે, જેથી જરૂરી કે બિનજરૂરી આયનો જરૂર કરતાં વધુ પ્રમાણમાં કોષમાં પ્રવેશે અને કોષનું કાર્ય અટકી પડે.

Ca++ આયન Na+ આયનનો વિરોધી છે. તેમ છતાં Na+ આયન Ca++ આયનની સાથે વનસ્પતિ કોષમાં વધુ ને વધુ માત્રામાં હાજર હોય છે. H+ આયન અને Ca++ અને Sr++ જેવા આયનો જીવરસની ફૂલવાની શક્તિ (turgidity) ઘટાડે છે. જ્યારે Na+, K+ તથા OH આયનો આ શક્તિમાં વધારો કરે છે.

પ્રતિસ્પર્ધિતા માટે અલ્પ માત્રામાં જ આયનોની જરૂર પડે છે. વળી આ પ્રક્રિયા પ્રતિવર્તી (reversible) હોઈ કોષોમાં જરૂરી આયનો જરૂર પ્રમાણે જ પ્રવેશ પામે છે. આનું ઉધાર પાસું પણ છે. અમુક આયનોની અતિ ઉચ્ચ માત્રાને લીધે જરૂરી આયનોનું શોષણ આ સ્પર્ધાને લીધે અટકી પડે છે. દા.ત., ખારી જમીનમાં સોડિયમ ક્લોરાઇડ તથા સોડિયમ કાર્બોનેટ વધુ પ્રમાણમાં હોય તો કૅલ્શિયમનો પ્રવેશ અટકી પડે છે. આ રુકાવટ અધિશોષણ (adsorption) કરતી સપાટીએ રહેલા કલિલ (colloids) પદાર્થો દ્વારા થાય છે.

અવિનાશ બાલાશંકર વોરા