આયનયુગ્મ (ion pair) : પરસ્પર વિરુદ્ધ (ધન અને ઋણ) વીજભાર ધરાવતા કણો(સામાન્ય રીતે વીજભારિત પરમાણુઓ કે અણુઓ)નું દ્વિક (duplex). ભૌતિકશાસ્ત્રની દૃષ્ટિએ આયનયુગ્મ એટલે તટસ્થ પરમાણુ/અણુને પૂરતી ઊર્જા આપવાથી તેનું સમક્ષણિક રીતે (simultaneously) ધન અને ઋણ વીજભારવાળા બે ટુકડાઓમાં (અનુક્રમે ધનાયન અને ઋણાયનમાં) વિભાજન થઈ, બંનેના એકસાથે રહેવાથી અસ્તિત્વમાં આવતું જોડકું. ઑક્સિજનના અણુ (O2)માં અથવા તેની પાસે શક્તિશાળી (energetic) ઇલેક્ટ્રૉન પસાર કરવામાં આવે ત્યારે અણુમાંથી એક ઇલેક્ટ્રૉન દૂર થાય છે અને પરિણામે ઑક્સિજન-અણુ-ધનાયન (O+2) અને ઋણ ઇલેક્ટ્રૉનનું યુગ્મ (O+2e) મળે છે.

રસાયણશાસ્ત્રની દૃષ્ટિએ ધનાયન અને ઋણાયન તેમની વચ્ચેનાં સ્થિરવૈદ્યુત (electrostatic) બળોને કારણે હંગામી ધોરણે બંધાવાથી આયનયુગ્મ બને છે. વિદ્યુતસંયોજકતા ધરાવતાં (અકાર્બનિક) સંયોજનોમાં આવાં યુગ્મોનું પ્રમાણ વધુ હોય છે. સોડિયમ ક્લોરાઇડ (NaCl)ના જલીય સાંદ્ર દ્રાવણમાં તેમજ પિગાળેલા સોડિયમ ક્લોરાઇડમાં કેટલાક Na+ અને Cl આયનોનું યુગ્મ હોય છે. સોડિયમ ક્લોરાઇડ વાયુસ્વરૂપમાં Na+Clઆયનયુગ્મ તરીકે અસ્તિત્વ ધરાવે છે. Na+ અને Cl આયનોની આકર્ષણશક્તિ 218 મોલ (૫૨  કિકે./મોલ) છે. વિરુદ્ધ વીજભારયુક્ત આયનો આપસમાં અથડાતાં થોડા સમય માટે સાથે રહે છે. કોઈ એક ચોક્કસ સમયે આયનયુગ્મોનું પ્રમાણ ચોક્કસ હોય છે, જોકે આયનયુગ્મ બનવાની અને તૂટવાની પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે. પાણી જેવા ધ્રુવીય દ્રાવકોમાં આયનયુગ્મનું પ્રમાણ વિશેષ હોય છે; તેથી પાણીની સરખામણીમાં ડાયૉક્ઝેન કે ફૉર્માલ્ડિહાઇડ જેવા દ્રાવકોમાં તેમનું અસ્તિત્વ ઘણું ઓછું થઈ જાય છે. આયનયુગ્મ (+ −) તટસ્થ હોય છે અને વિદ્યુતવાહકતામાં વિદ્યુતભારની દૃષ્ટિએ મદદરૂપ નથી હોતા. આથી આયનયુગ્મની સંખ્યા વધે તેમ વિદ્યુતવાહકતા ઘટે છે. દ્રાવણની સાંદ્રતા વધતી જાય તેમ આયન-ટ્રિપ્લેટ ત્રિત: આયન (triple ion), (+ − +) અથવા (− + −)ની સંખ્યા વધે છે. તે વીજભાર ધરાવતાં હોવાને કારણે દ્રાવણની વિદ્યુતવાહકતામાં વધારો થાય છે. આયનયુગ્મને લીધે જ વિદ્યુતવાહકતાના આલેખમાં ન્યૂનતમ મૂલ્ય જોવા મળે છે.

ઈન્દ્રવદન મનુભાઈ ભટ્ટ