આમેલિયનબર્ગ પેવિલિયન (1734-40) : જર્મન શહેર મ્યૂનિકના સીમાડે બેવેરિયન રાજાઓએ ગ્રીષ્મવિહાર માટે બંધાવેલ નિમ્ફેન્બર્ગ મહેલના ઉપવનમાં આવેલાં ત્રણ આનંદભવનોમાંનું સૌથી પ્રખ્યાત આનંદભવન (pavilion). આ ભવન 1734 થી 1740 દરમિયાન રોકોકો શૈલીના મહાન સ્થપતિ ફ્રાંસ્વા કુ વિલ્લીસે (1695-1768) બેવેરિયાના ઇલેક્ટર ચાર્લ્સ આલ્બર્ટનાં પત્ની રાજકુમારી આમેલી માટે બાંધેલું હતું.
સફેદ આરસની એક જ માળની આ ઇમારત બે સુડોળ પાંખો વચ્ચે ઘુમ્મટવાળો કેન્દ્રખંડ ધરાવે છે. ઘુમ્મટને ફરતી વર્તુળાકારની, લોખંડ પર સુવર્ણમઢેલી, શિકાર માટેની અટારી ઘુમ્મટને મુગટનો મૃદુ આકાર આપે છે. મુખ્ય પ્રવેશદ્વાર પાસેના ગોખમાં શિકારની દેવી ડાયેનાનું કૂતરા સાથેનું ઉપસાવેલ શિલ્પ છે. નીચે બારણાં ખૂલતાં અર્ધવર્તુળાકારમાં દર્પણખંડ આવે છે. ઉપર છતમાં ચાર સ્તરનું સ્ફટિક ઝુમ્મર છે. દર્પણખંડમાં બધી બાજુએ થઈને 16 મોટાં દર્પણો જડેલાં છે. ડાબી બાજુ આછા લીંબુ રંગની દીવાલોવાળો શયનખંડ છે. તે રૂપેરી અલંકરણથી શોભિત છે. શયનખંડની જમણી બાજુ સંડાસ છે. ત્યાંથી બંદૂકખંડ તરફ જવાય છે. દર્પણખંડની જમણી બાજુ ભોજનખંડ પણ શયનખંડની જેમ પીળા અને રૂપેરી રંગથી સજાવેલો છે. ડાબી બાજુ રસોડું છે. તે વિવિધરંગી ડેલ્ફટ આરસની તકતીઓથી અલંકૃત છે. આ અલંકરણોમાં ફૂલથી ખચિત ફૂલદાનીઓ અને ચીની દૃશ્યો છે. આમેલિયનબર્ગ ભવન મૂળ અષ્ટકોણી ઉદ્યાનમાં બંધાયેલું.
ઉચ્ચ કોટિની રસદૃષ્ટિએ અત્યંત કુશળતાથી બાંધેલું આ આનંદભવન યુરોપનાં રોકોકો શૈલીનાં સ્થાપત્યોમાં ખૂબ વખણાયેલું છે.
કૃષ્ણવદન જેટલી