આમેરનો કિલ્લો : કછવાહોની રાજધાનીનું નગર. એ જયપુરની પાસે પહાડોથી વીંટળાયેલી ખીણમાં આવેલું છે. એના કિલ્લાની દીવાલો આ પહાડો પર બાંધીને આખા નગરને સુરક્ષિત કરેલું છે, જેમાં કછવાહોના રાજમહેલો આવેલા છે. આમેરની વસાહત આશરે દશમી શતાબ્દી જેટલી પ્રાચીન હોવા છતાં ત્યાંના રાજમહેલો પ્રમાણમાં નવા છે. રાજા માનસિંહ (1592-1615) અને રાજા જયસિંહના વખતમાં બંધાયેલા આ રાજમહેલો ઉપરાંત આમેરનું સંગ્રહસ્થાન ત્યાંનું મુખ્ય આકર્ષણ છે. આમેરની લગભગ મધ્યમાં આ રાજમહેલ અને તેની આજુબાજુની ઇમારતો આવેલી છે. અહીંનાં જલાશય તથા રાજમહેલના મોટા ચોક, તેના વિવિધ ઓરડાઓ અને તેની રચનામાં કેટલાક મુઘલ પાદશાહોના મહેલોની અસર વરતાય છે, છતાં તેમાં આમેરની આગવી રાજપૂત શૈલીનાં દર્શન તેની અગાસી, તેના દરવાજા આદિમાં થાય છે. અહીંનાં વિવિધ બાંધકામોની રચના અને શૈલી પરસ્પર સુમેળવાળી છે. આમેરનું મહત્વ અઢારમી સદી સુધી જળવાયેલું હતું. તે પછી તેનું સ્થાન પાસે વિકસેલા જયપુરે લઈ લીધું છે.
ર. ના. મહેતા