આભીર (પ્રદેશ) : આભીરોની વસ્તીવાળો પ્રદેશ. રામાયણ-કિષ્કિંધાકાંડમાં સૌરાષ્ટ્રની નજીક ‘શૂરાભીર’ પ્રદેશ સૂચવાયો છે. મહાભારતના ભીષ્મપર્વમાં ‘વાહીક’ અને ‘વાટધાન’ પ્રદેશ પછી ‘આભીર’ કહ્યો છે. રામાયણમાં પણ ‘વાલ્હીક’(વાહીક)નું સામીપ્ય છે જ. ‘શૂદ્રાભીર’ કહેલ છે તે ‘શૂરાભીર’ છે. મહાભારતના મૌશલ પર્વમાં જણાવ્યા પ્રમાણે અર્જુન જ્યારે દ્વારકાના વિનાશ પછી યાદવ સ્ત્રીઓને લઈને પંચનદના પ્રદેશમાંથી પસાર થતો હતો ત્યારે આભીર દસ્યુઓએ એને હરાવી યાદવ સ્ત્રીઓનું અપહરણ કર્યું હતું. આ પંચનદ કચ્છ-સુરાષ્ટ્ર-મરુ પ્રદેશોના ત્રિભેટાનો હતો. ‘શૂરાભીર’ કે ‘શૂદ્રાભીર’ આ જ વિસ્તારમાં છે. ‘પંચનદ’ પ્રદેશ તે પંજાબનો નહિ, પરંતુ સરસ્વતી, ર્દષદ્વતી, અરુણા, બનાસ અને લૂણી – એ પાંચ નદીઓનો પ્રદેશ હતો, જે કચ્છના આજના મોટા રણના સ્થાનના જલવિસ્તારને મથાળે હતો. આહીરોની વસ્તી વર્તમાન સમય સુધી કચ્છવાગડમાં જોવા મળે છે. એક ‘આભીર’ પ્રદેશને બૃહત્સંહિતામાં કોંકણ વગેરે સાથે દક્ષિણમાં બતાવ્યો છે. કેટલાક વિદ્વાનોના મતે નર્મદાની દક્ષિણના પ્રદેશને આભીર કહે છે તે આ હોઈ શકે. પેરિપ્લસના કર્તાએ સિથિયાની પાંખમાં અને અંતરાલમાં ‘આબિરિયા’ કહ્યો છે અને એના કાંઠાને ‘સિરાષ્ટ્રીન’ નામથી ઓળખાવ્યો છે. આ વિધાન પણ પશ્ચિમ ભારતવર્ષના કોઈ ભાગનું સમર્થન કરે છે. આમાં સુરાષ્ટ્રકચ્છ બંનેનો સંબંધ અભિપ્રેત જણાય છે. ટોલેમીનો ‘આબિરિયા’ એ સિંધુ નદીના ઉપરના ભાગના થરપારકરનો ભાગ છે, જે સ્થાનનિશ્ચયમાં વધુ સહાય કરે છે. આભીરોનાં સ્થળાંતર થયાં છે, એને કારણે એકથી વધુ ભાગને ‘આભીર’ સંજ્ઞા મળી છે. પરંતુ એનું પ્રાચીન નિશ્ચિત સ્થાન તો કચ્છના મોટા રણનો મથાળાનો ભાગ છે, જ્યાં થઈને વેદકાલીન સરસ્વતી નદી દક્ષિણમાં આગળ વધતી હતી.
કે. કા. શાસ્ત્રી