આફ્રિકન ચલચિત્ર

January, 2025

આફ્રિકન ચલચિત્ર : આફ્રિકામાં ચાલતી ચલચિત્રનિર્માણની પ્રવૃત્તિ. નાણાંનો અભાવ, અપૂરતાં સાધનો, યોગ્ય તાલીમનો અભાવ, અપૂરતી ટૅકિનકલ જાણકારી અને વિતરણવ્યવસ્થાનો અભાવ વગેરે કારણો આફ્રિકન ચલચિત્રોનો વિકાસ રૂંધતાં રહ્યાં છે. આફ્રિકન ચલચિત્રોનો ઇતિહાસ પણ વિશ્વના બીજા ઘણા દેશો જેટલો જ જૂનો છે. છેક 1899માં ત્યાં ચિત્રનિર્માણ શરૂ થયું હતું. 1908માં પ્રથમ છબીઘર ખૂલ્યું હતું. જોકે આ દેશોમાં ચિત્રનિર્માણ મંદ રહ્યું હતું. સખત સેન્સરશિપે પણ તેમાં ભાગ ભજવ્યો છે. એકમાત્ર ફિલ્મ સોસાયટી કેપટાઉનમાં હતી તે સેન્સરશિપના દબાણને કારણે 1934માં બંધ કરી દેવી પડી હતી. આફ્રિકન દેશો પર આધિપત્ય ધરાવતાં રહેલાં રાષ્ટ્રોની નીતિઓ અને વિતરણ પર તેમનો એકાધિકાર પણ તેમાં ભાગ ભજવતો રહ્યો છે. જે આફ્રિકન દેશો પર ફ્રાન્સનું આધિપત્ય રહ્યું તે ફ્રાન્કોફોન અને જેમના પર બ્રિટનનું આધિપત્ય રહ્યું તે ઍંગ્લોફોન દેશો તરીકે ઓળખાય છે. સંસ્થાનવાદ હેઠળના આ બંને પ્રકારના દેશોમાં ઍંગ્લોફોન દેશોની સરખામણીમાં ફ્રાન્કોફોન દેશોમાં ચલચિત્રોને વધારે પ્રોત્સાહન મળ્યું હતું.

ફ્રાન્કોફોન દેશોમાં 1934-35ના અરસામાં ફ્રેન્ચ સરકારે એક વટહુકમ જારી કરીને વિદ્રોહી દૃષ્ટિકોણવાળાં ચિત્રો જપ્ત કરવાનું શરૂ કર્યું હતું. તેને કારણે આ દેશોમાં ચિત્રનિર્માણને ધક્કો લાગ્યો હતો. પણ 1950ના દાયકામાં આ વટહુકમની પ્રથમ વાર ધરાર અવગણના કરીને ફ્રેન્ચ ચિત્રસર્જક ઝાં રાઉચે નાઇજીરિયાના ઓઉમારોઉ ગાદા અને મોસ્નકા અલાસાનેને તાલીમ આપવા માંડી. આ બંને આગળ જતાં નોંધપાત્ર ચિત્રસર્જકો તરીકે બહાર આવ્યા હતા. જોકે આફ્રિકા ખંડમાં નવા સિનેમાનો ઉદભવ પણ ખાસ કરીને પશ્ચિમ આફ્રિકાના ફ્રાન્કોફોન દેશોમાં જ થયો હતો. છઠ્ઠા દાયકામાં સહકાર મંત્રાલયના આર્થિક અને ટૅકનિકલ સહાયકાર્યક્રમનો લાભ લઈને સેનેગલના પ્રતિભાવંત દિગ્દર્શક ઓઉસ્માન સેમ્બેને ‘બોરોમ સારેત’ ચિત્રનું 1963માં નિર્માણ કર્યું હતું. ફ્રાન્સમાં આયોજિત તોરેના આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં આ ચિત્રને પારિતોષિક પ્રાપ્ત થયું એ નિમિત્તે આફ્રિકન ચલચિત્ર-પ્રવૃત્તિની આંતરરાષ્ટ્રીય કક્ષાએ સૌપ્રથમ વાર નોંધ લેવાઈ હતી. જોકે સેમ્બેને જ્યારે ફ્રાન્સમાં આફ્રિકન પ્રવાસીઓના કરાતા શોષણ અંગે ‘લા નોઇરે દે…’(1966)નું નિર્માણ કર્યું ત્યારે તેના પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. આવી બેવડી નીતિ હોવા છતાં ઉપર્યુક્ત કાર્યક્રમનો લાભ લઈને 1962થી 1978 દરમિયાન 200 જેટલાં કથાચિત્રો અને લઘુચિત્રો બન્યાં. પછીના દાયકામાં વધુ 200 ચિત્રોનું નિર્માણ થયું, પણ સરમુખત્યારશાહી વલણને કારણે આ 400 જેટલાં ચિત્રોમાંથી માંડ 40 જેટલાં જ ચિત્રો આફ્રિકાના પાંચ-સાત દેશોમાં પ્રદર્શિત થઈ શક્યાં. સેમ્બેનનાં એ પછીનાં ચિત્રો તથા અન્ય સર્જકોનાં ચિત્રોમાં વર્ગસંઘર્ષ અને નવાસવા આઝાદ થયેલા દેશોમાં સંસ્થાનવાદની અસરો, દારુણ ગરીબાઈ તથા રાજકીય અસ્થિરતા કેન્દ્રમાં રહી છે.

આફ્રિકન દેશોમાં જે ચિત્રો બન્યાં તેમાં સેમ્બેનનાં ઉપર્યુક્ત બે ચિત્રો ઉપરાંત ‘ધ મનીઑર્ડર’ (1968), ‘ગ્યુએલવૉર’ (1992), સેનેગલના જ જિબ્રિલ ડિયોપ મામ્બેટી – દિગ્દર્શિત ‘તોઉકી-બોઉકી’ (1973), ‘હાઇનાઝ’ (1992), બુર્કિના ફાસોના બે સર્જકો ઇદ્રિસા ઓયુદ્રાઓગોનાં ચિત્રો ‘યામ દાબો’ (1987), ‘યાબા’ (1989) તથા ગેસ્ટન કાબોરેનાં ચિત્રો ‘વેન્ડ કૂની’ (1981), ‘ઝાન બોકો’ (1988), મૉરિટાનિયાના સર્જક સોલેમાન સિસેનાં ચિત્રો ‘ફાઇવ ડેઝ ઇન એ લાઇફ’ (1972), ‘બ્રાઇટનેસ’ (1987), માલીના સર્જક સાફી ફાયેનાં ચિત્રો ‘લેટર ફ્રૉમ માય વિલેજ’ (1975), ‘આઇ યૉર મધર’ (1980) નોંધપાત્ર છે.

ઍંગ્લોફોન દેશોમાં 1935ના અરસામાં ‘બાન્ટુ એજ્યુકેશનલ સિનેમા એક્સપેરિમેન્ટ’ યોજના હેઠળ બ્રિટિશરોએ જ ચિત્રનિર્માણ હાથ ધર્યું હતું. મેજર નોટકટે ‘પોસ્ટ ઑફિસ સેવિંગ્ઝ બૅન્ક’, ‘કૉફી અન્ડર બનાના શૅડો,’ ‘ઇન્ફન્ટ મલેરિયા’ વગેરે 35 જેટલાં ચિત્રોનું નિર્માણ કર્યું હતું. 1939માં કેન્યા, ઘાના અને નાઇજીરિયામાં કૉલોનિયલ ફિલ્મ યુનિટની સ્થાપના થઈ હતી. તેના નેજા હેઠળ 280 જેટલાં લઘુ અને સમાચારચિત્રોનું નિર્માણ થયું હતું. ચિત્રનિર્માણ જ્યાં જોર પર હતું તે દેશોએ આફ્રિકામાં પોતાનાં ચિત્રો માટે બજાર ઊભું કરવામાં વધુ રસ લીધો હતો, જેમાં અમેરિકન ચિત્રોનું પ્રભુત્વ રહ્યું હતું.

પોતાના પર આધિપત્ય ધરાવતાં રાષ્ટ્રોના એકાધિકારવાદમાંથી મુક્ત થવાનો પ્રથમ પ્રયાસ ફ્રાન્કોફોન દેશોમાં થયો હતો. ત્યાં ગિની અને બુર્કિના ફાસોએ ફિલ્મની આયાત કરવાનો રાષ્ટ્રીયકરણનો સંકલ્પ કર્યો હતો. ફ્રેન્ચ કંપનીઓએ તેમાં અવરોધ પેદા કરતાં આ દેશોમાં લગભગ એક વર્ષ સિનેમાઘરો બંધ રહ્યાં હતાં. છેવટે આ દેશોને પણ અન્ય સ્રોતોમાંથી ચિત્રો ખરીદવાની છૂટ આપતું સમાધાન થયું હતું. તેની દેખાદેખીથી માલી, સેનેગલ, બેનિન, માડાગાસ્કર, અલ્જીરિયા, ટ્યૂનિશિયા વગેરે રાષ્ટ્રોમાં પણ જેહાદ જાગી. પરિણામે 1974માં આ રાષ્ટ્રોને એક મોટી સફળતા મળી અને 1974માં ‘ધ કૉન્સૉર્ટિયમ ઇન્ટર આફ્રિકાઇને દ ડિસ્ટ્રિબ્યુશન’ અસ્તિત્વમાં આવ્યું. પણ આફ્રિકન સરકારોએ આર્થિક મદદ કરવાનું વચન ન જ પાળ્યું.

ચલચિત્રોના નિર્માણ માટે આવી વિપરીત સ્થિતિ હોવા છતાં કેટલાક આફ્રિકન સર્જકો નોંધપાત્ર પ્રયાસો કરતા રહ્યા. જેમ કે નકરુમાટે (ઘાના) પ્રથમ સુવિધાસભર આફ્રિકન સિનેમા સ્કૂલની સ્થાપના કરી હતી. ક્વાક અનસાહે (ઘાના) ‘લવ બ્રિડ ઇન ધ આફ્રિકન પૉટ’ અને ‘હેરિટેજ આફ્રિકી’ જેવાં ચિત્રોનું નિર્માણ અને વિતરણ કર્યું. સેનેગલ, માલી, ગાબોન, અલ્જીરિયા, ટ્યૂનિસિયા વગેરેએ રાષ્ટ્રીય ફિલ્મ કંપનીઓની સ્થાપના કરી. નોંધપાત્ર વાત તો એ છે કે આફ્રિકાના સૌથી વધુ ગરીબ દેશોમાં જેની ગણના થાય છે તે બુર્કિના ફાસો આફ્રિકન ચિત્રોનું કેન્દ્ર બનેલો છે. 1984માં આઝાદી બાદ બુર્કિના ફાસોમાં સરકારે ચિત્રનિર્માણ માટે ગંભીર પ્રયાસો હાથ ધર્યા હતા. તેના પાટનગર ઓઉગાડોઉગોઉમાં દર બે વર્ષે ચિત્ર-મહોત્સવનું આયોજન કરાય છે. વચ્ચે તે ટ્યૂનિસિયામાં યોજાતા હતા. આ નાના દેશમાં 40 જેટલા ચિત્રસર્જકો સક્રિય છે. તેમની પાસે આધુનિક કહી શકાય એવાં સાધનો પણ છે.

COLLECTIE TROPENMUSEUM Straatgezicht met filmposter

ઇજિપ્તની ફિલ્મ સલાદિન ધ વિક્ટોરિયસ (1963)નું ટ્યુનિસમાં લાગેલ સિનેમેટિક પોસ્ટર

સૌ. "COLLECTIE TROPENMUSEUM Straatgezicht met filmposter" | CC BY-SA 3.0

આફ્રિકન ચિત્રો માટે બીજી મહત્વની ઘટના 1975માં બની, જ્યારે અલ્જીરિયાના દિગ્દર્શક લાકદાત હામ્મિનાને તેમની કૃતિ ‘ક્રૉનિક દ અનીશ દ બ્રેઇઝે’ માટે ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાંસ આંતરરાષ્ટ્રીય ચિત્ર-મહોત્સવમાં પારિતોષિક એનાયત થયું હતું. તે પછી ત્રીજા વિશ્વના આ ખંડના વિવિધ દેશોની સિનેસર્જન-પ્રવૃત્તિને જગતનું સિને-ક્ષેત્ર ધીરે ધીરે માન્યતા આપવા લાગ્યું હતું. ભારતમાં દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય ચલચિત્ર-મહોત્સવમાં આફ્રિકા ખંડના સક્રિય સિને-સર્જકોને લગભગ 1978ના વર્ષથી નિયમિત આમંત્રણ અપાતાં રહ્યાં છે.

1982માં કોલકાતા ખાતે યોજાયેલા ફિલ્મોત્સવમાં રજૂ થયેલું ચિત્ર ‘ક્રાય ફ્રીડમ’ નાઇજીરિયન સર્જક બાલોગોનનું નોંધપાત્ર સર્જન હતું. આ સમારોહમાં તેઓ પોતે પણ ઉપસ્થિત રહ્યા હતા. 1984માં મુંબઈમાં યોજાયેલા ફિલ્મોત્સવમાં આફ્રિકા ખંડના વિવિધ દેશોનાં કુલ 20 ચિત્રો પ્રદર્શિત કરાયાં હતાં તેમજ આફ્રિકન સિનેમા વિશે એક વિશિષ્ટ પરિસંવાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આ ખંડના અનેક ચિત્રસર્જકોએ ઉપસ્થિત રહીને પોતાનાં વક્તવ્યો રજૂ કર્યાં હતાં. આ પરિસંવાદની આગેવાની મોરૉક્કોના દિગ્દર્શક બેનબર્કા સેહિલે લીધી હતી. તેમનું એક ચિત્ર ‘1001 હૅન્ડ્ઝ’ આ સમારોહમાં પ્રદર્શિત કરાયું હતું.

આફ્રિકા ખંડમાં સિને સર્જન પરત્વે સભાનપણે સક્રિય દેશોમાં અલ્જીરિયા, નાઇજીરિયા, ઇજિપ્ત, ઈથિયોપિયા, સેનેગલ, અપર વોલ્ટા, મોરૉક્કો, માલી, દક્ષિણ આફ્રિકા, આઇવરી કોસ્ટ અને કેન્યા કહી શકાય. 1963થી વેગ પામેલી આ ખંડની સિનેનિર્માણપ્રવૃત્તિએ 1974 સુધીમાં 30 જેટલા સર્જકો પેદા કર્યા છે. આ બધા સક્રિય છે. તે પૈકી ઑઉસ્માન સેમ્બેન (જેમનું ચિત્ર ‘મેમરીઝ ઓવ્ અન્ડરડેવલપમેન્ટ’ વિશ્વ-સિનેમા-સ્તરે નોંધપાત્ર સર્જન ગણાય છે.) લાકદાત હામ્માન, બેનબર્કા, બાલોગોન વગેરે મુખ્ય કહી શકાય.

પાશ્ચાત્ય દેશો, અમેરિકા અને ભારતનાં ચલચિત્રોની પ્રબળ અસર, સિને-વિતરણ-વ્યવસ્થા પર ગોરી કંપનીઓનું પૂરું વર્ચસ્ અને શાહીવાદી શોષણ જેવાં અવરોધક પરિબળો સામે લડીને આફ્રિકાની સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાને સ્થાનિક ભાષામાં અભિવ્યક્ત કરતાં પોતાનાં મૌલિક ચિત્રસર્જનો માટે આ સર્જકો ભારે મથામણ કરી રહ્યા છે. આવા વાતાવરણમાં રાજકીય વલણ વ્યક્ત કરતાં કે રંગભેદની સમસ્યા રજૂ કરતાં ચિત્રો સર્જાય તે સ્વાભાવિક છે; દા.ત., બર્કાનું ચિત્ર ‘ઍમોક’ દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિ પર આધારિત હતું. આ તેમનું વ્યાવસાયિક રીતે પણ પ્રથમ સફળ ચિત્ર હતું. આ ચિત્રની સફળતા મુખ્યત્વે ફ્રાન્સ, ઇટાલી, નાઇજીરિયા, સેનેગલ અને ટ્યૂનિસિયા જેવા દેશોમાં થયેલા તેના વિતરણ અને પ્રદર્શનને આભારી હતી. સભાન આફ્રિકન ચિત્રસર્જકો પૈકી કેટલાકે પૅરિસ ખાતે સૉર્બોંની પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ડ્રામૅટિક દ કેઇત્સ એતુદ સિનેમેતોગ્રાફિકામાં તાલીમ લીધી હતી.

ભારત અને ખાસ કરીને ગુજરાતના સંદર્ભમાં આફ્રિકન ચલચિત્રોની બીજી એક નોંધપાત્ર ઘટના છે તે કેન્યા-સ્થિત ગુજરાતી દિગ્દર્શક શરદ પટેલનું આંતરરાષ્ટ્રીય સફળતા પામેલું ચિત્ર ‘અમીન : ધ રાઇઝ ઍન્ડ ફૉલ’. વીસમી સદીના સાતમા દાયકામાં આફ્રિકાના એક દેશ યુગાન્ડામાં સિતમનો દોર ચલાવનાર તેમજ અનેક ગુજરાતીઓ અને ભારતીયોને પોતાની સ્થાવર અને જંગમ મિલકતો છોડીને યુગાન્ડા છોડી જવાની ફરજ પાડનાર ત્યાંના સરમુખત્યાર ઈદી અમીનના જીવનની સત્ય હકીકતો પર આધારિત આ કથાચિત્ર શરદ પટેલે રૂપિયા સાડા છ કરોડના ખર્ચે 1981માં તૈયાર કર્યું હતું. તેને એ જ વર્ષે નાતાલના તહેવારો દરમિયાન અમેરિકામાં પ્રદર્શિત કરાયું હતું. 25મી ડિસેમ્બરે આ ચિત્રની મુંબઈના લિબર્ટી સિનેમાગૃહમાં રજૂઆત કરાઈ હતી. ટ્વેન્ટિયેથ સેન્ચ્યુરી ફૉક્સ કંપનીએ આ ચિત્રનું વિતરણ કર્યું હતું.

શરદ પટેલે 1963માં ‘ઉહુરુ-બર્થ ઑવ્ એ નૅશન’ ચિત્ર બનાવીને પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ ફિલ્મ કૉર્પોરેશન ઑવ્ કેન્યાના નેજા હેઠળ તેમણે દસ્તાવેજી ચિત્રો અને વિજ્ઞાપનચિત્રો મળી કુલ 1,000 જેટલાં ચિત્રોનું નિર્માણ કર્યું છે. તેમણે ‘ધ બૅચલર પાર્ટી’ નામના એક રમૂજી ચિત્રનું પણ દિગ્દર્શન કર્યું હતું. આ ચિત્રને સારી વ્યાવસાયિક સફળતા સાંપડી હતી. તેમના બીજા એક ચિત્ર ‘આયર્ન સ્નેક’માં 1898માં શરૂ થયેલી નાઇરોબી-મૉમ્બાસા રેલવેલાઇન નાંખનાર ભારતીય અને આફ્રિકન મજૂરોની કથા રજૂ કરાઈ હતી. કેન્યાના જ એક ગુજરાતી સર્જક રાજુ પટેલે 1986માં ‘ઇન ધ શૅડો ઑવ્ કિલિમાન્જારો’માં ભયંકર દુષ્કાળને કારણે ભૂખથી વ્યાકુળ 90,000 જેટલા વાનરોએ સ્થાનિક સભ્યતાના કરેલા સંહારની વાત રજૂ કરાઈ હતી.

આમ, સ્થાનિક સભાન ચિત્રસર્જકો દ્વારા સર્જાતાં ચિત્રો અને યુરોપ તથા અમેરિકાનાં ચિત્રોના પ્રભાવ તળે સર્જાતાં વ્યાવસાયિક ચિત્રો – એમ બે સ્પષ્ટ વિભાગોમાં આફ્રિકન ચિત્રનિર્માણપ્રવૃત્તિ વહેંચાયેલી છે. સ્થાનિક પ્રેક્ષકોમાં યુરોપિયન અને અમેરિકન ચિત્રો પછી લોકપ્રિયતાની દૃષ્ટિએ બીજા નંબરે ભારતીય અને ખાસ કરીને હિંદી ચિત્રો આવે છે. તેમાં ગીતો અને સંવાદો ફ્રેન્ચ અથવા સ્થાનિક ભાષામાં ડબ કરાયેલાં હોય છે. સ્થાનિક સંનિષ્ઠ સર્જકોની કૃતિઓને આ ખંડના સ્થાનિક પ્રેક્ષકો પચાવી શક્યા નથી કે સ્વીકૃતિ આપી શક્યા નથી.

ઉષાકાન્ત મહેતા

  હરસુખ થાનકી