આનર્ત : ઉત્તર ગુજરાતના પ્રદેશનું પ્રાચીન નામ. ક્ષત્રપરાજ રુદ્રદામાના જૂનાગઢના શૈલલેખ(ઈ.સ. 150)માં એની સત્તા નીચેના દેશોમાં ‘આનર્ત’ પણ બતાવવામાં આવ્યો છે, જે આજના મોટા-ભાગના ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે સૂચિત થયો જણાય છે. આ આનર્તની નૈર્ઋત્યે સુરાષ્ટ્ર, પશ્ચિમે કચ્છ, ઉત્તરે મરુ, વાયવ્યે નિષાદ અને પૂર્વે શ્વભ્ર (સાબરકાંઠો) આવ્યા છે એમ કહી શકાય. પાણિનિ એના ગણપાઠમાં ‘કચ્છ’, ‘શ્વભ્ર’, ‘ખેટક, ‘સુરાષ્ટ્ર’, ‘અનૂપ’ અને ‘આનર્ત’નો ઉલ્લેખ કરે જ છે. મહાભારતના આરણ્યક પર્વમાં જણાવાયું છે તે પ્રમાણે યુધિષ્ઠિર દ્યૂતમાં બધું ગુમાવી બેઠા ત્યારે કૃષ્ણ આનર્તમાં નહોતા અને શાલ્વનો વધ કરવા એના પ્રદેશ ઉપર ધસી ગયા હતા. શાલ્વે કૃષ્ણની ગેરહાજરીમાં આનર્ત અર્થાત્ દ્વારવતી ઉપર ચડાઈ કરી હતી. ત્યાં દ્વારકાવાસીઓને આનર્તદેશવાસી કહેવામાં આવ્યા છે. એક વાત સ્પષ્ટ છે કે મહાભારતમાં દ્વારવતી આનર્ત પ્રદેશમાં હોવાનું સ્પષ્ટ છે. વળી સુરાષ્ટ્ર અને આનર્ત બંને પરસ્પર નજીક ન હોય એવો પણ ભીષ્મપર્વમાં નિર્દેશ મળે છે. તેથી ગૂંચવાડો ઊભો થાય છે કે બંને દેશ અલગ અલગ છે કે સુરાષ્ટ્ર તથા દ્વારવતીનો પ્રદેશ ‘આનર્ત’ના ભાગ છે ? ગૂંચવાડો એનાથી પણ વધે છે કે એ જ પર્વમાં ‘દ્વારવતી’ને ‘આનર્તપુરી’ પણ કહેવામાં આવી છે, તો સુરાષ્ટ્રનાં તીર્થોમાં દ્વારવતીનો સમાવેશ પણ થયો છે. ‘હરિવંશ’ અનુસાર મનુના પુત્ર શર્યાતિને ‘આનર્ત’ નામનો પુત્ર હતો અને આનર્તનો પુત્ર રેવ. રાજા આનર્તનો પ્રદેશ આનર્ત કહેવાતો અને કુશસ્થલી એની રાજધાની હતી. સભાપર્વમાં જણાવ્યા પ્રમાણે ઉજ્જડ થયેલી કુશસ્થલીને સ્થાને દ્વારવતી કિંવા ‘દ્વારકા’ કૃષ્ણે વસાવી હતી. તેથી તો એને ‘આનર્તપુરી’ કહેવામાં આવી જણાય છે. વાયુપુરાણમાં કચ્છ, સુરાષ્ટ્ર, અર્બુદ અને આનર્તને ‘અપરાંત’ કહેલ છે. આ કાંઈક વધુ પડતું છે. પરંતુ એટલું નીકળે છે કે આનર્તમાં સુરાષ્ટ્ર-દ્વારવતીનો સમાવેશ થતો હતો, પણ પછીથી પશ્ચિમી દ્વીપકલ્પ ‘સુરાષ્ટ્ર’ તરીકે જ વ્યાપક બન્યો અને એનો ઈશાન પ્રદેશ ‘આનર્ત’ (આજનો ઉત્તર ગુજરાતનો પ્રદેશ) વ્યાપક બન્યો. વલભીના મૈત્રકોનાં તામ્રપત્રોમાં ‘આનંદપુર’ જાણીતું છે. એનું ‘આનર્તપુર’ પણ નામ કેટલાંક તામ્રપત્રોમાં છે. એ ‘સુરાષ્ટ્ર’ અને ‘આનર્ત’ની ઉત્તરકાલીન અલગતા – ભિન્નતાનો બોધ કરે છે.
કે. કા. શાસ્ત્રી