આનંદ, વિશ્વનાથન (જ. 11 ડિસેમ્બર 1969, મયીલાદુજીરાઈ, તમિળનાડુ) : વિશ્વ શેતરંજ વિજેતા બનનાર ભારતનો સર્વશ્રેષ્ઠ શેતરંજ ખેલાડી અને 2007થી વિશ્વવિજેતા ખેલાડી અને રમતવીર. ચેન્નાઈની ડૉન બૉસ્કો સ્કૂલમાં અભ્યાસ. એ નાનો હતો ત્યારે પૂછવામાં આવ્યું કે ‘તને શું થવું ગમે ?’ ત્યારે એણે કહ્યું, ‘વર્લ્ડ ચૅમ્પિયન.’ એ સમયે ભારતમાં શેતરંજની રમતમાં કોઈ ‘ગ્રાન્ડ માસ્ટર’ બન્યું નહોતું અને ‘ઇન્ટરનૅશનલ માસ્ટર્સ’ પણ માંડ આંગળીને વેઢે ગણાય એટલા હતા.
વિશ્વનાથન આનંદે નાની વયથી જ ભારતીય શેતરંજ ફલક પર સિદ્ધિઓ મેળવવા માંડી. માત્ર 13 વર્ષની ઉંમરે એ સમયના ભારતના શ્રેષ્ઠ શેતરંજ ખેલાડી મેનુઅલ એરોનને પરાજય આપ્યો. 1984ની 20 ઑક્ટોબરથી 2 નવેમ્બર સુધી કોઈમ્બતૂરમાં રમાયેલી આઠમી એશિયાઈ જૂનિયર ચેસ ચૅમ્પિયનશિપમાં ઑસ્ટ્રેલિયા, મલેશિયા, પાકિસ્તાન, સિંગાપુર અને ફિજીના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 7.5 પૉઇન્ટ મેળવીને વિશ્વનાથન આનંદે વિજય મેળવ્યો હતો. 1985માં હૉંગકૉંગમાં રમાયેલી એશિયન જૂનિયર્સમાં પણ એણે એનું વિજેતાપદ જાળવી રાખ્યું. આ સમયે વિશ્વનાથન આનંદને ‘ઇન્ટરનૅશનલ માસ્ટર્સ’નો ખિતાબ મળ્યો. 1986, 1987 અને 1988માં એ રાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બન્યો. 1984થી એ ‘ચેસ ઓલિમ્પિયાડ’માં ભાગ લે છે. 1989માં પુણેમાં રમાયેલી ઇનૉગ્યુરલ રૅપિડ ચેસ ચૅમ્પિયનશિપમાં 16 વર્ષનો વિશ્વનાથન આનંદ રાષ્ટ્રીય ખિતાબ મેળવનારો સૌથી નાની વયનો ખેલાડી બન્યો. 1987ની બીજી ઑગસ્ટે ફિલિપાઇન્સમાં 17 વર્ષ અને 225 દિવસની ઉંમરે તેણે વર્લ્ડ જૂનિયર ટાઇટલ મેળવ્યું. 1988ના જાન્યુઆરીથી જૂન સુધીના ચેસના વિશ્વક્રમાંકની યાદીમાં આનંદ 95મા સ્થાને હતો. 1988ના જુલાઈ-ડિસેમ્બરમાં 49મા સ્થાને આવ્યો. 1991ના ડિસેમ્બરમાં વિશ્વનાથન આનંદે સુપર ગ્રાન્ડ માસ્ટર ટુર્નામેન્ટમાં વિશ્વશ્રેષ્ઠ ખેલાડી ગૅરી કાસ્પારૉવને પરાજય આપ્યો હતો. 1997માં વિશ્વનાથન આનંદે ‘ચેસ રિવ્યૂ’ સામયિક દ્વારા અપાતો ‘ચેસ ઑસ્કાર’ મેળવ્યો. આ પુરસ્કાર દર વર્ષે શેતરંજની રમતમાં ખુલ્લી સ્પર્ધામાં અપાય છે.
ઈ. સ. 2000માં વિશ્વનાથન આનંદે શેતરંજની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજય મેળવ્યા અને તહેરાનમાં રમાયેલી ‘FIDE’ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં 31 વર્ષનો વિશ્વનાથન આનંદ એના ત્રીજા પ્રયત્નમાં વિશ્વવિજેતા બન્યો. ચેસના ઇતિહાસનો વિશ્વનાથન આનંદ સોળમો વિશ્વવિજેતા થયો. છેલ્લાં પચીસ વર્ષમાં વર્લ્ડ ચૅમ્પિયન બનનારો તે પહેલો બિનરશિયન ખેલાડી થયો. વીસમી સદીના નેવુંના દાયકામાં વિશ્વનાથન આનંદે ભારતીય શેતરંજ જગતમાં પોતાની રમવાની આગવી શૈલીથી ક્રાંતિ કરી છે. 1985માં અર્જુન ઍવૉર્ડ, 1987માં સોવિયેટલૅન્ડ અને નહેરુ ઍવૉર્ડ અને 1988માં પદ્મશ્રીનો ખિતાબ તેને એનાયત થયા છે. ઉપરાંત તેને 1991-92માં રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડ મળ્યો. યુવાનો માટે આદર્શરૂપ વિશ્વનાથન આનંદને નાની વયથી માતા-પિતાનો અને 1996થી પત્ની અરુણાનો સાથ મળતો રહ્યો છે. વિશ્વનાથન આનંદનો શેતરંજ પ્રત્યેનો અભિગમ વૈજ્ઞાનિક છે. આ રમત વિશે તે ઘણું સંશોધન અને અવિરત મહેનત કરતો રહે છે. નિવૃત્તિ બાદ આ શેતરંજ ખેલાડીની ઇચ્છા ભારતમાં ‘ચેસ અકાદમી’ સ્થાપવાની છે. 2000, 2007, 2008, 2010 અને 2012 એમ પાંચ વખત આનંદ વિશ્વનાથન વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં વિજેતા બન્યા છે એટલું જ નહિ પણ 2007થી એ વિશ્વવિજેતા તરીકે પ્રતિષ્ઠિત છે. 1991-92માં ભારતીય રમતક્ષેત્રનો શ્રેષ્ઠ ખિતાબ રાજીવ ગાંધી ખેલરત્ન ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. 2001માં પદ્મભૂષણ અને 2007માં પદ્મવિભૂષણનો ખિતાબ મેળવનાર ભારતીય ખેલવિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. આ ઉપરાંત 1997, 1998, 2003, 2004, 2007 અને 2008 એમ છ વખત ચેસ ઑસ્કાર મળ્યો છે અને ચેસના ઇતિહાસમાં એક સર્વશ્રેષ્ઠ ઉત્કૃષ્ટ ખેલાડી તરીકે તેને ઘણા તજ્જ્ઞોએ, ખેલાડીઓએ નવાજ્યો છે.
2006માં ‘ઈલો માર્ક’ એફઆઈડીઈ રેટિંગમાં 2800 પૉઇન્ટ્સ મેળવનારા આનંદ ચેસના માત્ર ચોથા ખેલાડી બન્યા હતા. તેમનું હાઈએસ્ટ એફઆઈડીઈ રેટિંગ 2011માં 2817 પૉઇન્ટ્સ હતું. 2007માં વર્લ્ડ રેન્કિંગમાં આનંદ પ્રથમ નંબરે હતા. 2021માં 2753 પૉઇન્ટ્સ સાથે 51 વર્ષના આનંદ 16મા ક્રમે છે. મદ્રાસ ટાઈગર તરીકે ઓળખાતા આનંદે ભારતમાં ચેસને લોકપ્રિયતા અપાવવામાં અનોખું યોગદાન આપ્યું છે.
કુમારપાળ દેસાઈ