આનંદવર્ધન (નવમી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના ધ્વનિસંપ્રદાયના મહાન આચાર્ય. ‘ધ્વન્યાલોક’ની ઇન્ડિયા ઑફિસની પાંડુલિપિમાં ત્રીજા અધ્યાયના વિવરણમાં તેમને નોણોપાધ્યાત્મજ કહ્યા છે. આચાર્ય હેમચન્દ્રે પણ ‘દેવી-શતક’નો ઉલ્લેખ કરતાં, તેના રચયિતાને નોણના પુત્ર શ્રીમદ્ આનંદવર્ધનને નામે ઓળખાવ્યા છે. નોણના પુત્ર આનંદવર્ધન કાશ્મીરનરેશ અવંતિવર્મા(855-884)ના સભાકવિ હતા તેમ પણ મનાય છે.
આનંદવર્ધને રચેલા ‘ધ્વન્યાલોક’/‘કાવ્યાલોક’/‘સહૃદયાલોક’માં ધ્વનિપરંપરાનું સયુક્તિક સ્થાપન થયું છે. જોકે, તેમને ધ્વનિસિદ્ધાંતના આદ્યસ્થાપક તો ન કહી શકાય, કેમ કે ભામહાદિ પૂર્વાચાર્યો ધ્વનિ-વ્યંજનાથી પોતાની રીતે અભિજ્ઞ હોવાના સંકેતો મળે છે તથા મૌખિક પરંપરાઓની નોંધ અભિનવગુપ્તે પણ ‘ધ્વન્યાલોક’ ઉપરની લોચનટીકામાં લીધી છે, છતાં ધ્વનિવિચારણાની સામેના પડકારોને શમાવીને તે મતને સુપ્રતિષ્ઠિત કરવાનું શ્રેય આનંદવર્ધનને ફાળે જાય છે. ધ્વનિને કાવ્યાત્મક રૂપે પ્રસ્થાપિત કરી તેમણે તેનો ઉચિત આદર કર્યો છે અને ખૂબ જહેમત લઈ વ્યંજનાનું સ્વતંત્ર શબ્દવૃત્તિ તરીકે સ્થાપન કર્યું છે. તેમની વ્યંજના-ધ્વનિ-રસ-વિચારણામાં પૂર્વપ્રાપ્ત સઘળી કાવ્યશાસ્ત્રીય પરંપરાઓ – રસ, અલંકાર, રીતિ, ગુણ, દોષ વગેરેની પુનર્યોજના કરવામાં આવી છે.
‘ધ્વન્યાલોક’ કારિકા, વૃત્તિ અને ઉદાહરણ – એ પદ્ધતિથી રચાયેલો ગ્રંથ છે. આનંદવર્ધને પોતે જ સમગ્ર ગ્રંથની રચના કરી છે કે કેમ તે અંગે મતમતાંતર પ્રવર્તે છે. પરંતુ અભિનવગુપ્તે કહ્યું છે તેમ, આ સિદ્ધાંત પરંપરાથી જળવાયેલો હતો. તેની વ્યાખ્યા કે નિરૂપણ કોઈ વિશિષ્ટ ગ્રંથમાં આ પૂર્વે કરાયાં ન હતાં. પરિણામે સમગ્ર ‘ધ્વન્યાલોક’નું કર્તૃત્વ આનંદવર્ધનનું જ માનવામાં આવે છે.
આનંદવર્ધનને અભિનવગુપ્ત, મમ્મટ, વિશ્વનાથ અને જગન્નાથ જેવા સમર્થ અનુગામીઓ મળ્યા, જેથી ધ્વનિપરંપરા કાવ્યાલોચનાના ક્ષેત્રે બદ્ધમૂલ થઈ અને પાંગરી. વાસ્તવમાં ઔચિત્ય અને વક્રોક્તિની પરંપરાઓ એ ધ્વનિવિચારણાની પ્રશાખાઓ જ છે.
આલોચક ઉપરાંત, આનંદવર્ધન કવિ પણ હતા. તેમનું ‘દેવીશતક’ પાર્વતીની સ્તુતિ નિરૂપતું સુંદર ઊર્મિકાવ્ય છે, જ્યારે ‘અર્જુનચરિત’ એ સંસ્કૃત મહાકાવ્ય અને ‘વિષમબાણલીલા’ તથા ‘હરિવિજય’ તેમનાં પ્રાકૃત મહાકાવ્યો છે. વળી, ‘તત્વાલોક’ નામના દાર્શનિક ગ્રંથની તેમણે રચના કરી હતી તેવો સંદર્ભ લોચનટીકામાં પ્રાપ્ત થાય છે. આ ગ્રંથમાં અન્ય વિષયો સાથે કાવ્યનય અને શાસ્ત્રનયના પારસ્પરિક સંબંધનું વિવેચન છે. તે ઉપરાંત, ધર્મકીર્તિના ‘પ્રમાણવિનિશ્ચય’ પર ધર્મોત્તમા નામે ટીકા આનંદવર્ધનરચિત મનાય છે.
તપસ્વી નાન્દી