આનંદપુર : ઉત્તર ગુજરાતમાં આવેલા વડનગરનું જૂનું નામ. આશરે ઈ. પૂ. બીજી કે પહેલી સદીથી વિકસેલા આ નગરનો મુખ્ય ભાગ શર્મિષ્ઠા તળાવની પશ્ચિમ અને દક્ષિણ બાજુએ આશરે એક કિલોમીટરના વિસ્તારનો છે. તેની આજુબાજુ તેના જૂના અવશેષો છૂટાછવાયા આશરે એકથી દોઢ કિલોમીટરમાં વિસ્તરેલા છે.
વલભીના મૈત્રક રાજાઓએ અહીંના બ્રાહ્મણોને દાન આપ્યાની નોંધ ધરાવતાં તામ્રપત્રો મળ્યાં છે. હ્યુઅન શ્વાંગે આ નગરનો ઉલ્લેખ A-nan-to-pu-lo તરીકે કર્યો છે. સ્કંદપુરાણાન્તર્ગત નાગરખંડમાં આ નગરને લગતી પૌરાણિક કથાઓ તથા ત્યાંની નાગરોની મૂળ વસતિના રીતરિવાજોની હકીકતો આપી છે. અહીં નાગરોના ઇષ્ટદેવ હાટકેશ્વરનું મંદિર કિલ્લેબંધ વડનગરના નદીઓળ દરવાજાની બહાર આવેલું છે.
વડનગરનો કિલ્લો પ્રાચીન છે. તેનો ચૌલુક્ય સમયમાં અને ત્યારબાદ વારંવાર જીર્ણોદ્ધાર થતો રહ્યો છે. વડનગરની આજુબાજુ તેનો લાંબો ઇતિહાસ સૂચવતા અનેક અવશેષો વીખરાયેલા છે, તથા ગામમાં પ્રાચીન આમથેર માતાનું મંદિર તથા નરસિંહ મહેતાની ચોરીને નામે ઓળખાતું તોરણ આદિ મહત્વના અવશેષો છે. આ નગર સંગીતકલા માટે પણ વિખ્યાત છે. ઇતિહાસપ્રસિદ્ધ ગાયિકા-બેલડી તાના-રીરીની અહીં સમાધિ આવેલી છે. 2006થી અહીં ખોદકામ કરતાં બૌદ્ધ વિહારો અને સ્તૂપોના અવશેષો મળી આવ્યા છે. નગરને ફરતા કોટનો પાયો ક્ષત્રપકાલીન હોવાનું જણાવ્યું છે.
ર. ના. મહેતા