આનંદઘન : (ઈ. સ. 17મી સદી) જૈન સાધુ. મૂળ નામ લાભાનંદ. તપગચ્છમાં દીક્ષા લીધી હોવાનો સંભવ. અવસાન મેડતામાં.

આનંદઘને રાજાના મેળાપ સમયે તાવને કપડાંમાં ઉતારી, કપડાં બાજુએ મૂક્યાં તેમજ શેઠનાં વચનો સાંભળી, વેશ છોડી એ જંગલમાં ચાલ્યા ગયા – જેવી પ્રચલિત દંતકથાઓ માટે કોઈ આધાર નથી. આનંદઘનનો મેળાપ ઉપાધ્યાય યશોવિજયજી સાથે થયો હતો અને તેને પરિણામે ઉપાધ્યાય યશોવિજયજીએ આનંદઘનની સ્તુતિરૂપ અષ્ટપદીની રચના કરી હતી.

Anandghan

આનંદઘન

સૌ. "Anandghan" | CC BY-SA 4.0

રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં રચાયેલાં તથા તીર્થંકરોનાં માત્ર મહિમાગાન કરવાને બદલે, આત્મસાધનાની ક્રમિક વિકાસયાત્રાનું આલેખન કરતાં અને યોગમય, અનુભવપૂત તત્ત્વવિચાર તેમજ લાઘવયુક્ત વાણીથી નોંધપાત્ર બનતાં ‘આનંદઘનચોવીસી’(મુદ્રિત)નાં પ્રાપ્ત થયેલાં 22  સ્તવનો જૈન પરંપરામાં આગવી ભાત પાડે છે. આનંદઘન બહોતેરી (મુદ્રિત) તરીકે ઓળખાયેલાં, પણ 73 જેટલી સંખ્યામાં પ્રાપ્ત થતાં પદોની મુખ્યત્વે ભાષા રાજસ્થાની છે. તેમાં સાંપ્રદાયિક નિરૂપણને સ્થાને કબીર, નરસિંહ અને મીરાંનાં પદોના જેવો સાધકની આનંદમય અનુભવમસ્તીનો કવિત્વમય ઉદગાર મળે છે. આ રીતે આનંદઘનનાં સ્તવનો અને પદો એ કોઈ સંપ્રદાયવિશેષની સંપત્તિ બની રહેવાને બદલે, પ્રત્યેક આત્મજ્ઞાનીને માટે પથપ્રદર્શક બને તેવાં છે તેથી મધ્યકાલીન જ્ઞાનમાર્ગી કવિતાપરંપરામાં પોતાનું ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરે છે.

આ ઉપરાંત આનંદઘનરચિત 25 કડીનું ‘ચોવીસ તીર્થંકરનું સ્તવન’, તીર્થંકરો વિશેનાં અન્ય છૂટક સ્તવનપદો તથા ‘હોરી-સ્તવન’, ‘અધ્યાત્મ-ગીત’ વગેરે કૃતિઓ (મુદ્રિત) મળે છે. એમણે સંસ્કૃતમાં પણ ‘સિદ્ધ-ચતુર્વિશતિકા’ રચેલી છે.

‘આનંદઘનચોવીશી’, (સં.) પ્રભુદાસ બે. પારેખ, 1950; એજન, (સં.) રતિલાલ દી. દેસાઈ, 1970; ‘આનંદઘનજીનાં પદો’, 1, 2, (સં.) મોતીચંદ ગિ. કાપડિયા, 1956; ‘આનંદઘન પદસંગ્રહ’ (ભાવાર્થ), (સં.) બુદ્ધિસાગરસૂરીશ્વરજી, 1954 ‘હૃદય નયન નિહાળે જગધણી’ (ભાગ 1-2-3) અને ‘પરમપદદાયી આનંદઘન પદ રે’ (ભાગ 1-2-3) સંપા. પંન્યાસ શ્રી મુક્તિદર્શનવિજયજી તથા આનંદઘનની આત્માનુભૂતિ ભાગ 1-25, 2011-2012; આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી અને આચાર્ય કલ્યાણબોધિસૂરીશ્વરજી વગેરે એમની રચનાઓને લગતાં પ્રકાશનો જાણીતાં છે. આનંદઘનના જીવન અને કવન પર આધારિત મનોજ શાહ દિગ્દર્શિત અને ધનવંત શાહ લિખિત ‘એક અપૂરવ ખેલા નાટક’ સારી એવી ચાહના પામ્યું હતું.

કુમારપાળ દેસાઈ