આનંદ : ચિત્તની પ્રસન્ન સ્થિતિ. પ્રાણીમાત્ર આનંદને શોધે છે અને પીડા, વેદના કે વ્યથાને ટાળવાનો હરહંમેશ પ્રયત્ન કરે છે. મનોવૈજ્ઞાનિક સંશોધનોએ પણ આ બાબતનું સમર્થન કરેલું છે. જેનાથી બદલો કે પુરસ્કાર (reward) મળે તેવા વર્તનનું પુનરાવર્તન થાય છે અને જેનાથી શિક્ષા કે સજા (punishment) થાય તેને પ્રાણીમાત્ર ટાળવાનો કે તેમાંથી છૂટવાનો પ્રયત્ન કરે છે. આનંદના શારીરિક આધાર વિશે ઈ. સ. 1950 સુધી તો મનોવિજ્ઞાનીઓને ખાસ કોઈ જાણકારી નહોતી. 1954માં કૅનેડાના મૉન્ટ્રિયલ શહેરની મેકગિલ યુનિવર્સિટીના જેમ્સ ઓલ્ડ અને પીટર મિલ્નેર નામના બે અભ્યાસીઓને અકસ્માત જ આનંદના શારીરિક આધાર વિશેનો પુરાવો મળ્યો હતો. આ બે અભ્યાસીઓ જ્યારે મજ્જાતંત્રમાંના ‘જાળરૂપ ચેતાતંત્ર’ (reticular formation) વિશે પ્રયોગો કરી રહ્યા હતા તે સમયે તેમણે નોંધ્યું કે જે ઉંદરોના સીમાવર્તી મજ્જાતંત્ર (limbic system)માંના સેપ્ટલ કે તેની નજીકના વિસ્તારમાં વીજાગ્ર(electrode)ને ગોઠવવામાં આવ્યા હોય તે ઉંદરોને થોડુંક પણ વિદ્યુત્-ઉદ્દીપન જ્યાંથી મળતું તેવા પાંજરામાંના અમુક સ્થાને તેઓ વધારે વખત પાછા વળતા હતા. આકસ્મિક રીતે જોવા મળેલા આ તથ્યની વિશેષ ચકાસણી માટે ઓલ્ડ અને મિલ્નેરે વધુ પ્રયોગો કર્યા તેમાં તેમને જોવા મળ્યું કે ઉંદરોના સીમાવર્તી મજ્જાતંત્રને વિદ્યુત્કીય ઉદ્દીપન આપીએ તો ઉંદરોને અમુક ચોક્કસ સ્થાને પાછા વાળી શકાય છે. હકીકતમાં ઉંદરો એ સ્થાને એટલા ઝડપથી પાછા આવ્યા કે પ્રયોગકર્તાને ખાતરી થઈ ગઈ કે ઉંદરોને મગજના આ ભાગનું વિદ્યુત્કીય ઉદ્દીપન ગમે છે અને આવું ઉદ્દીપન વારંવાર મળતું રહે તે માટે તેઓ સક્રિય રીતે પ્રયત્નો પણ કરે છે. આ બાબતની વધુ ચકાસણી કરવા માટે ઓલ્ડ અને મિલ્નેરે ‘સ્કિનર પેટી’નો ઉપયોગ કર્યો. આ પેટીમાં એવી વ્યવસ્થા હતી કે ઉંદર તેની ‘કળ’ દબાવે એટલે તરત જ તેને મગજના જુદા જુદા ભાગમાં 0.1થી 0.5 સેકંડના સમય માટેનું વિદ્યુત્કીય ઉદ્દીપન મળે. જ્યારે વીજાગ્રોને હાયપોથૅલેમસ અને સીમાવર્તી મજ્જાતંત્રનાં ઘણાં બધાં સ્થાનોએ મૂકવામાં આવ્યાં ત્યારે પ્રાણીએ ‘કળ’ દબાવવાની પ્રતિક્રિયા વારંવાર કરી. કોઈક વખત તો એક કલાકમાં પાંચ હજાર વખત કળ દબાવ્યાનું પણ નોંધાયું. એટલું જ નહિ, પણ પ્રાણી થાકીપાકીને લોથપોથ થઈ ગયું ત્યાં સુધી તેણે આ વર્તન ચાલુ રાખ્યું. આવું લોથપોથ થઈ ગયેલું પ્રાણી થોડી વિશ્રાંતિ બાદ વળી પાછું ‘કળ’ દબાવવાનું વર્તન શરૂ કરતું. આ પુરાવા પરથી મનોવૈજ્ઞાનિકો એવા તારણ પર આવ્યા છે કે મગજના અમુક ચોક્કસ ભાગની વિદ્યુત્કીય ઉત્તેજના પ્રાણીને આનંદરૂપ (rewarding) લાગતી હોવી જોઈએ. એનું કારણ એ છે કે મગજના બીજા કોઈ સ્થાને વીજાગ્રને મૂકવામાં આવે તો ‘કળ’ને દબાવવાની પ્રતિક્રિયા ખાસ જોવા મળતી નથી. એવા પણ પ્રાયોગિક પુરાવાઓ છે કે પ્રાણી ભૂખ્યું હોય, તરસ્યું હોય કે ભૂખ્યું-તરસ્યું બંને હોય તોપણ ખોરાક અને પાણી કરતાંય મગજના અમુક ભાગની ઉત્તેજનાને તે વધુ પસંદ કરે છે અને આવા પ્રકારના અનેક પુરાવાઓ એ બાબતનો નિર્દેશ કરે છે કે મગજના અમુક ભાગને વિદ્યુતકીય ઉદ્દીપન મળતાં પ્રાણીને આનંદની અનુભૂતિ થાય છે. સીમાવર્તી મજ્જાતંત્રના સેપ્ટલ વિસ્તારમાં આનંદના આવેગનો શારીરિક આધાર હોવાના નોંધપાત્ર પુરાવાઓ છે. આમ છતાંય આ બાબતમાં સંશોધનનો પાયો નાખનાર ઓલ્ડ એમ માને છે કે આપણા મજ્જાતંત્રમાં આનંદનાં સરળ અને પૃથક્ રીતે તારવી શકાય એવાં કેન્દ્રો હોવાની સંભાવના ખાસ નથી. આનંદ એક જટિલ અનુભૂતિ છે અને તેમાં મગજના અનેક ભાગ અને વિસ્તારોનાં જટિલ મજ્જાતંતુકીય જાળાં (circuits) ભાગ ભજવતાં હોય એ વધુ સંભવિત છે.
નટવરલાલ શાહ