આદિ શંકરાચાર્ય (ચલચિત્ર) : 1983માં સંસ્કૃત ભાષામાં નિર્માણ પામેલું સર્વપ્રથમ ભારતીય ચલચિત્ર. બારસો વર્ષ કરતાં પણ વધુ સમય પહેલાં ભારતમાં જન્મેલા અને વિશ્વની મહાન વિભૂતિઓમાં ગણાતા સંત-દાર્શનિક આદિ શંકરાચાર્યના જીવનદર્શનને રૂપેરી પડદાના માધ્યમ દ્વારા સામાન્ય જનતા સમક્ષ અત્યંત અસરકારક અને સુરુચિપૂર્ણ રીતે રજૂ કરવાનો આ એક અત્યંત સફળ પ્રયાસ છે. નૅશનલ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયા (NFTI) દ્વારા નિર્મિત આ ચલચિત્રના પટકથા-લેખક તથા નિર્દેશક જી. વી. અય્યર, સંગીતનિર્દેશક બાલમુરલીકૃષ્ણ, છબીકાર મધુ અંબાટ તથા કલાકારોમાં એસ. ડી. બૅનર્જી (શંકરાચાર્યની ભૂમિકામાં), એમ. વી. નારાયણરાવ, મંજુનાથ ભટ્ટ, લીના નારાયણરાવ તથા એલ. વી. શારદા છે. પ્રેક્ષકોમાં ઘણા સંસ્કૃત ભાષા ન જાણતા હોય તોપણ અંત સુધી પડદા પરનાં દૃશ્યો અને તેની સાથે વણી લેવામાં આવેલી શંકરાચાર્યના જીવનની મહત્વની ઘટનાઓ સાથે સંપૂર્ણ તાદાત્મ્ય સાધી શકે છે તે આ ચલચિત્રની મુખ્ય ખૂબી છે. તેથી જ 1983-84 વર્ષના સર્વોત્તમ ભારતીય કથા-ચલચિત્ર તરીકે તેને ભારત સરકારનું પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. આ ચલચિત્રમાં તેના નિર્દેશકે ચમત્કારો તથા ચમત્કૃતિઓ તદ્દન બાકાત રાખીને તેની જગ્યાએ વેદોના ગ્રંથોમાંથી સૂચક પ્રતીકો પસંદ કરીને તેમની મારફત પ્રેક્ષકો સમક્ષ શંકરાચાર્યની જીવનદૃષ્ટિનાં મહત્વનાં પાસાં રજૂ કર્યાં છે.
આ ચલચિત્ર તૈયાર કરવા પાછળ સતત સાત વર્ષની જહેમત છે. ચલચિત્રનું મોટાભાગનું ચિત્રાંકન શંકરાચાર્યના જીવન સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલાં સ્થળો (locations) પર જ કરવામાં આવેલું હોવાથી તેમાં વાસ્તવિકતા ઉપરાંત ઇતિહાસ પ્રત્યેની વફાદારી જોવા મળે છે. લગભગ ચાર કલાકના આ ચલચિત્રમાં પડદા પર દૃશ્યો અને ઘટનાઓનો ક્રમ ચાલતો હોય ત્યારે પાર્શ્વધ્વનિ દ્વારા સ્તોત્રોનું સતત કર્ણમધુર ગાન શ્રોતાઓને ઉચ્ચ કોટિના આનંદની અનુભૂતિ કરાવે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે