આદિ પર્યાવરણ (primitive environment) : કરોડો વર્ષ પૂર્વનું પૃથ્વીનું પર્યાવરણ. સજીવોના જીવન અને વિકાસ ઉપર પ્રભાવ પાડતી બાહ્ય પરિસ્થિતિ (external conditions) અને અસરો(influences)નો સરવાળો એટલે પર્યાવરણ. પર્યાવરણમાં આબોહવા(climate)નો અભ્યાસ સમાવિષ્ટ છે. બાહ્ય પરિબળોના અભ્યાસ માટેનાં ઉપકરણો (equipment/instruments) તો છેલ્લાં સો-દોઢ સો વર્ષમાં જ શોધાયાં અને ઉપયોગમાં આવ્યાં છે. પૃથ્વીની ઉત્પત્તિને 4.6 x 1099 વર્ષો થયાં. આ સમયગાળા દરમિયાનના પર્યાવરણનો અભ્યાસ આડકતરી રીતે જ શક્ય છે. આ દિશામાં પાયાની માહિતી માટે ભૂસ્તરશાસ્ત્ર તથા જીવાશ્મ(fossils)નો અભ્યાસ અગત્યનો છે. 2.5થી 3 અબજ વર્ષ પુરાણા જીવાશ્મો મળ્યા છે. આ ઉપરાંત ખગોળ, ભૌતિકશાસ્ત્ર, હવામાનશાસ્ત્ર તથા ભૂભૌતિક(geophysics)શાસ્ત્ર પર્યાવરણ અંગે અટકળરૂપ (speculative) માહિતી મેળવવા માટે કામનાં છે.

પર્યાવરણમાં વખતોવખત ફેરફારો થતા રહ્યા છે અને વર્તમાનમાં પણ આ ફેરફારો ચાલુ જ છે. પુરાતનકાળમાં જે પર્યાવરણ હતું તેવું આજે નથી. આમ થવાનાં વિવિધ કારણોમાં આબોહવાકીય ફેરફારો (દા.ત., હિમયુગનું આગમન) જ્વાળામુખી ક્રિયા (volcanic activity), ખંડોનું વિસ્થાપન (drift), સમુદ્રના પાણીની સપાટીની વધઘટ, પર્વતોનું નિર્માણ (દા.ત., ટીથિસ સમુદ્રમાંથી હિમાલયનું બહાર આવવું) વગેરે ગણી શકાય. હાલમાં હવામાનની અનિયમિતતા, વર્ષાની ખેંચ, તાપમાનનો વધારોઘટાડો દીર્ઘ સમય ચાલુ રહે તો પર્યાવરણ બદલાવાની શક્યતા છે. એક વાર પૃથ્વી ઉપર સજીવોની ઉત્પત્તિ થયા પછી તેના વિકાસ માટેનું જરૂરી તાપમાન 250 – 300 સે. પૃથ્વીના મોટાભાગમાં જળવાઈ રહ્યું છે, તે બાબત પણ નોંધપાત્ર છે. ગમે તેવા ઉલ્કાપાત છતાં સમગ્ર જીવસૃષ્ટિ નાશ પામી હોય તેવું કોઈ મોટા વિસ્તારમાં બન્યું નથી.

અગાઉ પૃથ્વી ઉપર સમધાત આબોહવા હતી. તેથી ચોમેર વૃક્ષ-આચ્છાદિત જંગલો હતાં. પરંતુ હવામાન બદલાતાં વૃક્ષો તેમજ તેમની ઉપર નભતાં પ્રાણીઓ – મહાકાય ડાયનોસૉર – નાશ પામ્યાં. હિમાલયના નિર્માણને કારણે મધ્યએશિયા તથા ભારતનું પર્યાવરણ બદલાયું. નષ્ટ થયેલી વનસ્પતિ તેમજ પ્રાણીસૃષ્ટિના અવશેષો જીવાશ્મ રૂપે જળવાઈ રહે છે, જેના અભ્યાસ ઉપરથી જે તે યુગની સજીવ સૃષ્ટિ તથા પર્યાવરણનો ખ્યાલ આવે છે. દા.ત., કચ્છમાં ગેંડાના જીવાશ્મો મળ્યા છે. આ સાબિત કરે છે કે એ સમયે કચ્છમાં ગેંડા ઊછરી શકે એવાં જંગલો હોવાં જોઈએ. પરાગરજના જીવાશ્મોનો અભ્યાસ જે તે યુગની વનસ્પતિસૃષ્ટિનું પુનર્નિર્માણ (reconstruction) કરવામાં અગત્યનો છે. વળી, જે ભૂસ્તરો આ જીવાશ્મમાં મળે તેની ઉંમર નક્કી કરી શકાય છે અને વિવિધ ભૂસ્તરોની સરખામણી પણ શક્ય બને છે. આ ઉપરથી અમુક પ્રકારનું પર્યાવરણ કેટલો સમય ટક્યું તે પણ નક્કી કરી શકાય છે. ડાયેટમ્સ જેવી એકકોષી સૂક્ષ્મ લીલ અને ફોરામીનાફેરા જેવાં પ્રજીવ-સૂક્ષ્મ પ્રાણીઓ પણ ભૂસ્તરોમાં જકડાઈ જઈને જીવાશ્મમાં રૂપાંતરિત થયેલાં મળે છે. આ ઉપરથી જેમાં આ સૃષ્ટિ વિકસી શકે તેવી જલસૃષ્ટિ ભાંભળું પાણી (brackish water), મીઠું પાણી કે સમુદ્રજળની હાજરીનો ચોકસાઈપૂર્વક ખ્યાલ આવે છે. વળી, ઉચ્ચ કક્ષાની વનસ્પતિ બદલાતા પર્યાવરણનો સામનો ન કરી શકતાં નાશ પામે છે અને બીજી પ્રતિકારક્ષમ (resistant) વનસ્પતિ ઊગી નીકળે છે. આમ અનુક્રમણ(succession)ની ઘટના ચાલ્યા કરે છે.

હિમયુગ અંગેની માહિતી હિમશિલા વડે ખડકો અને ભૂસ્તરોના થયેલ ઘસારા તથા એકઠા થયેલ નિક્ષેપોના અભ્યાસ ઉપરથી મેળવાય છે.

પરવાળાના ખડકો હૂંફાળા સમુદ્રનું અસ્તિત્વ દર્શાવે છે. વળી, ક્રમાનુસારી બાષ્પનજ(sequential evaporites)ના અભ્યાસ ઉપરથી વરસાદની અછતવાળા પ્રદેશો(arid land)નો ખ્યાલ આવે છે.

C-14 તથા પોટૅશિયમ / આર્ગૉન પ્રમાણ ઉપરથી કાળ-નિર્ધારણ શકય છે. ઑક્સિજનનાં ભારે તથા હલકાં સમસ્થાનિકોનું પાણી, કાર્બન ડાયૉક્સાઇડ તથા કાર્બોનેટમાં વિભાગીકરણ (fractionation) થાય છે – આના પ્રમાણનો ઉપયોગ કરીને સમુદ્રનું તાપમાન તથા કદ મેળવી શકાય છે. હિમનદી(glacial)ના બરફમાંના ઑક્સિજનનાં સમસ્થાનિકોના પ્રમાણ ઉપરથી હવામાનનું તાપમાન પણ મેળવી શકાય છે.

સજીવોની ઉત્ક્રાંતિ પણ એક રીતે પર્યાવરણમાં થતા ફેરફારોને લીધે થઈ છે તેમ પણ કહી શકાય. છેલ્લી સદીમાં થયેલા કચ્છના ધરતીકંપને લીધે અલ્લાના બંધ નામનો પ્રદેશ વિકસ્યો છે જેને લીધે સિન્ધુનું વહેણ બદલાઈ ગયું અને કચ્છમાં આવતું તેનું પાણી અટકી ગયું છે. આ કારણે કચ્છના પર્યાવરણમાં ઘણો ફેરફાર થઈ જતાં તે રણપ્રદેશમાં ફેરવાતો જાય છે.

અરવિંદ વોરા