આદાન–પ્રદાન–વિશ્લેષણ (input-output analysis) : આંતર-ઔદ્યોગિક સંબંધોનું વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ. આદાન-પ્રદાન ગુણોત્તર દ્વારા આવા સંબંધોનું વિશ્લેષણ કરી શકાય. આ પ્રકારના પૃથક્કરણને આંતર-ઉદ્યોગ સંબંધો, અંત:સ્રાવ-બહિ:સ્રાવ પૃથક્કરણ, સાધન-ઉત્પાદન કે સાધનનિરપેક્ષ વિશ્લેષણ જેવા નામથી પણ ઓળખવામાં આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી વૅસીલી લેયૉન્ટયેફે અમેરિકાના અર્થતંત્ર માટે 1919, 1929 અને 1939નાં વર્ષોના સંદર્ભમાં આ પ્રકારના સંબંધોનો સર્વપ્રથમ અભ્યાસ કર્યો હતો. અર્થવ્યવસ્થાની વિવિધ પ્રક્રિયાઓના પરસ્પર આધારનો અભ્યાસ કરવા, કોઈ વિકાસ યોજનાની આંતરિક એકરૂપતા તપાસવા તથા કોઈ ખાસ હેતુની પ્રાપ્તિ માટે આર્થિક પ્રક્રિયાઓનાં વિવિધ ક્ષેત્રોના સફળ ઉત્પાદનનો અંદાજ મૂકવા માટે આદાન-પ્રદાન-વિશ્લેષણનો ઉપયોગ કરવામાં આવે છે. રાષ્ટ્રીય અર્થવ્યવસ્થામાં ઉત્પાદનપ્રક્રિયાના કાર્યક્ષમ સંચાલન માટે ઉત્પાદનની વિવિધ શાખાઓમાં પરિમાણાત્મક (quantitative) સંબંધ જાળવવો જરૂરી છે. કોઈ એક ઉદ્યોગમાં અન્ય ઉદ્યોગોમાંથી કેટલું ઉત્પાદન લાવવામાં આવે છે, અને આ ઉદ્યોગ મારફતે તેની મદદ વડે કેટલું ઉત્પાદન થાય છે તે આદાન-પ્રદાન-વિશ્લેષણ દ્વારા જાણી શકાય છે. અર્થતંત્રનો દરેક ઉદ્યોગ બીજા ઉદ્યોગ દ્વારા સર્જાયેલ કુલ ઉત્પાદનના અમુક ભાગનો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે અને બાકી રહેલ ભાગની વપરાશ થાય છે. આ વિશ્લેષણનું હાર્દ એ છે કે દરેક ઉદ્યોગના ઉત્પાદનનો અમુક ભાગ અન્ય વસ્તુઓના ઉત્પાદન માટેનું સાધન બને છે, તો બાકીનો ભાગ અંતિમ વપરાશની પ્રક્રિયામાં દાખલ થાય છે. જુદા જુદા ઉદ્યોગો વચ્ચેનું આ પ્રકારનું પરસ્પરાવલંબન આધુનિક અર્થતંત્રનું એક આગવું લક્ષણ છે, જેની નોંધ લઈ તેનું વિશ્લેષણ કરવાનું કાર્ય આદાન-પ્રદાન-વિશ્લેષણ દ્વારા કરવામાં આવે છે.
લેયૉન્ટયેફનું આદાન-પ્રદાન-વિશ્લેષણ : આદાન-પ્રદાન-વિશ્લેષણનો વિચાર સૌપ્રથમ કુનેઝ નામના અર્થશાસ્ત્રીએ રજૂ કર્યો હતો. પરંતુ પ્રતિદિન અર્થશાસ્ત્રીઓના સિદ્ધાંતોના પ્રકાશમાં આનું મહત્વ દબાઈ ગયું. આ વિશ્લેષણનું ક્રમિક સ્વરૂપ માર્ક્સે પોતાના પુસ્તક ‘Das Kapital’ના બીજા ભાગમાં મૂડીના પુન:ઉત્પાદનની યોજના હેઠળ આપ્યું છે. માર્ક્સના અભિપ્રાય મુજબ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને બે વિભાગોમાં વહેંચવામાં આવે છે : (1) ઉત્પાદનનાં સાધનોનું ઉત્પાદન, (2) વપરાશી વસ્તુઓનું ઉત્પાદન. માર્ક્સે આ વિભાગોના આદાન-પ્રદાન-વિશ્લેષણની વ્યવસ્થા સમજાવી છે. વૅસીલી લેયૉન્ટયેફે રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાનાં વિવિધ ક્ષેત્રોના પ્રમાણનો અભ્યાસ કરવા માટે આદાનપ્રદાન સારણી (input-output table) તૈયાર કરી હતી, જેની મદદથી અર્થવ્યવસ્થાના વિવિધ ભાગોનો પરિણામાત્મક અભ્યાસ એકબીજા સાથે સાંકળીને એકસાથે કરવાનું શક્યું બન્યું છે.
આદાન-પ્રદાન-વિશ્લેષણની ઉપયોગિતા : (1) આદાન-પ્રદાન-વિશ્લેષણ હેઠળ અર્થવ્યવસ્થાનાં વિવિધ ક્ષેત્રો વચ્ચેના સંબંધોને સમીકરણરૂપે રજૂ કરી સકાય છે, જેની મદદથી કોઈ એક ક્ષેત્રમાં થતા ફેરફારને કારણે ઉદભવતી પરિસ્થિતિ મુજબ અન્ય ક્ષેત્રોમાં જરૂરી સમાયોજન (adjustment) કરી શકાય છે. (2) કોઈ આર્થિક ક્ષેત્ર અથવા એકમની રચનામાં આંતરિક સંબંધોને આદાન-પ્રદાન-વિશ્લેષણની મદદથી જાણી શકાય છે, જેથી ઉત્પાદિત પરિણામનો અભ્યાસ અને તે મુજબ જરૂરી સમાયોજન કરી શકાય. (3) સમગ્ર અર્થવ્યવસ્થાનું રૈખિક સંગામી (linear homogeneous) મૉડલ તૈયાર કરી શકાય છે, જેથી સમગ્ર અર્થવ્યવસ્થાનું એક એકમરૂપે ચિત્ર રજૂ કરી શકાય અને વિસ્તૃત અર્થશાસ્ત્રીય વિવેચના થઈ શકે. (4) સરકારી નીતિ અને કાર્યક્રમો નક્કી કરવામાં આદાન-પ્રદાન-વિશ્લેષણ ખૂબ ઉપયોગી નીવડે છે, તેની મદદથી સાધનોના ઇષ્ટતમ ઉપયોગની યોજનાઓ તૈયાર કરી શકાય છે. (5) આદાન-પ્રદાન વિશ્લેષણ હેઠળ અનુભવના આધારે આર્થિક પ્રક્રિયાઓનું યોગ્ય વિશ્લેષણ કરવામાં આવે છે અને અર્થવ્યવસ્થાનાં વિવિધ અંગો વચ્ચેના સંબંધોની વ્યાવહારિક વ્યાખ્યા આપી શકાય છે, જે સૈદ્ધાંતિક વ્યાખ્યાની સરખામણીમાં વધુ ઉપયોગી નીવડેલ છે. (6) અંત:સ્રાવ-બહિ:સ્રાવ-પૃથક્કરણની લેયૉન્ટયેફે દર્શાવેલ પદ્ધતિનો અર્થતંત્રનાં બીજાં ક્ષેત્રોમાં પણ ઉપયોગ કરી શકાય છે. દા.ત., આંતર-પ્રાદેશિક ઉત્પાદનના સંબંધો માટે જરૂરી કોઠો બનાવી શકાય અને તે ઉપરથી કયા પ્રદેશમાંથી કેટલું ઉત્પાદન અન્ય કયા પ્રદેશમાં જાય છે અને જે તે પ્રદેશ પોતે પોતાનું કેટલું ઉત્પાદન વાપરે છે તેનો અભ્યાસ કરી શકાય છે. ભારતનો વિશિષ્ટ દાખલો ટાંકીએ તો દેશનાં જુદાં જુદાં રાજ્યો અનાજનું કેટલું ઉત્પાદન કરે છે, તે ઉત્પાદનમાંથી જુદાં જુદાં રાજ્યોમાં કેટલું અનાજ જાય છે, રાજ્ય પોતે પોતાના ઉત્પાદનનો કેટલો હિસ્સો વાપરે છે – આ બધી બાબતોને આવરી લેતી અનાજનું આંતરરાજ્ય પ્રવાહશ્રેણિક (matrix) પ્રાપ્ત કરી તે અંગેનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાય છે. તે જ રીતે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનના પ્રવાહ માટે આ પ્રકારના વસ્તુદીઠ કોઠા બનાવી શકાય. આમ અર્થતંત્રનાં જુદાં જુદાં ક્ષેત્રો વચ્ચે ચાલતા આદાન-પ્રદાનનો અભ્યાસ હાથ ધરી શકાય.
ભારતમાં આદાન-પ્રદાન-વિશ્લેષણ : ભારતમાં સન 1950-51માં આદાન-પ્રદાન સારણી પર કેટલુંક કાર્ય ભારતીય આંકડાકીય સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. આંકડાઓની મર્યાદિત ઉપલબ્ધતાને કારણે અર્થવ્યવસ્થાનાં ફક્ત મોટાં મોટાં ક્ષેત્રોનો જ અભ્યાસ માટે સમાવેશ કરવામાં આવ્યો હતો. સન 1951-52માં 36 × 36ની એક મોટી સારણી (table) તૈયાર કરવામાં આવી. આ સારણીને આધારે વિવિધ ક્ષેત્રોના વર્ગીકરણમાં ફેરફાર કરવામાં આવ્યા. સન 1959માં આયોજન પંચે મધ્યસ્થ આંકડાકીય સંઘની મદદથી આદાન-પ્રદાન-વિશ્લેષણનું કાર્ય શરૂ કર્યું. સન 1960-61માં લાંબા ગાળાની યોજના હેઠળ એક શ્રેણિક (matrix) તૈયાર કરવામાં આવ્યું.
પાંચમી યોજના હેઠળ ઉત્પાદન-લક્ષ્યનો અંદાજ 66 × 66ની એક વિસ્તૃત મેટ્રિક્સના આધારે કરવામાં આવ્યો. યોજનાનાં સાધનોનો અંદાજ મૂકવા માટે 4 × 4 મેટ્રિક્સનો ઉપયોગ કર્યો. આમ ભારતમાં પંચવર્ષીય યોજનાઓમાં આદાન-પ્રદાન-વિશ્લેષણને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું.
આદાન-પ્રદાન-વિશ્લેષણ અને આર્થિક-આયોજન : આદાન-પ્રદાન વિશ્લેષણના ઉપયોગ દ્વારા આયોજકને ઉત્પાદનનાં સાધનોની અમુક ચોક્કસ રીતે ગોઠવણી કરવાથી અર્થવ્યવસ્થામાં ઉત્પાદન-મિશ્રણમાં કેવો ફેરફાર થશે તે જાણવું શક્ય બને છે, જેના આધારે ભાવિ કાર્યક્રમો ઘડી શકાય છે. આદાન-પ્રદાન-વિશ્લેષણના ઉપયોગથી દરેક ક્ષેત્રના ઉત્પાદનની માહિતી પ્રાપ્ત થાય છે. તેથી આયાત-નિકાસને સમતોલ બનાવવાનું શક્ય બને છે. આ વિશ્લેષણના આધારે કુશળ શ્રમમૂડીની આયાતની જરૂરિયાતનો સાચો અંદાજ મૂકી શકાય છે. આ ઉપરાંત ક્ષેત્રીય આર્થિક વિકાસની અસરકારક યોજના આદાન-પ્રદાન-વિશ્લેષણ દ્વારા બનાવી શકાય છે. આ વિશ્લેષણ દ્વારા આર્થિક વિકાસનાં આવશ્યક અંગો જેવાં કે મૂડી, શ્રમ, વિદેશી હૂંડિયામણ, વિદેશી સહાય વગેરેનો ઠીકઠીક અંદાજ મૂકી શકાય છે અને વિકાસને અવરોધતાં પરિબળોને અટકાવી શકાય છે.
આદાન-પ્રદાન-વિશ્લેષણનો અસરકારક ઉપયોગ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે અર્થતંત્ર વિવિધ ક્ષેત્રોમાં સ્પષ્ટ રીતે વહેંચાયેલું હોય અને દરેક ક્ષેત્રની ઉત્પાદન-પ્રક્રિયા, માગ અને ટૅકનિકલ બાબતો સ્પષ્ટ હોય. વિકસતા દેશોમાં વિકાસ આયોજન હેઠળ ઉત્પાદન-પદ્ધતિમાં મૂળભૂત ફેરફારો કરવામાં આવે છે અને આર્થિક વિકાસ માટે લાંબા ગાળાનાં અનુમાનો મૂકવામાં આવે છે. આદાન-પ્રદાન-વિશ્લેષણની મદદથી આ અંદાજો મૂકતી વખતે ટૅકનિકલ, ભાવસપાટીના, વપરાશી વસ્તુના, નાણાકીય, રાજકીય તથા અન્ય અંકુશને પરિણામે ઉદભવતા ફેરફારોને પણ ધ્યાનમાં રાખવા જોઈએ.
આદાન-પ્રદાન-વિશ્લેષણ ઉત્પાદનની પ્રક્રિયાના વિશ્લેષણ પર ભાર મૂકે છે. અર્થતંત્રની અન્ય પ્રક્રિયાઓ તેના કાર્યક્ષેત્રથી વંચિત રહે છે. આદાન-પ્રદાન-વિશ્લેષણ અનુભવજન્ય અન્વેષણ પ્રત્યે આસક્તિ ધરાવતું હોવાથી તે અત્યંત સાદા તથા મર્યાદિત મૉડેલ પર આધાર રાખે છે અને તેને લીધે તેના કાર્યક્ષેત્રમાં ખૂબ જ ઓછી ઘટનાઓ આવરી લેવાનું શક્ય બને છે. આમ સામાન્ય સમતુલાના વિશ્લેષણ(general equilibrium analyisis)ની સરખામણીમાં તેનું કાર્યક્ષેત્ર મર્યાદિત ગણાય. આદાન-પ્રદાન-વિશ્લેષણ માટે મેટ્રિક્સ તૈયાર કરવામાં સૌથી મોટી મુશ્કેલી એ છે કે દરેક ક્ષેત્રનો ઉત્પાદન-એકમ અલગ અલગ હોય છે. આ વિશ્લેષણ માટે અર્થતંત્રને એકરૂપ (homogeneous) ક્ષેત્રોમાં વહેંચવામાં આવે છે, એકરૂપ ક્ષેત્રમાં પણ વિવિધ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને વિવિધ તરેહના કાચા માલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સંજોગોમાં મેટ્રિક્સ માટે માપનો સમાન એકમ નક્કી કરવો મુશ્કેલ બને છે. જો આદાન-પ્રદાનના એકમોના નાણાકીય મૂલ્યને મેટ્રિક્સમાં રજૂ કરવામાં આવે તો ભાવસપાટીમાં થતા ફેરફાર અનુસાર તે ફરે છે. તે કારણે તેની મદદથી શોધેલું પ્રમાણ પછીથી ઉપયોગી રહેતું નથી. દરેક ઉત્પાદન માટે આદાનનું પ્રમાણ પ્રવર્તમાન ઉત્પાદન-પદ્ધતિના આધારે કરવામાં આવે છે, પરંતુ પ્રવર્તમાન ઉત્પાદનપદ્ધતિ સર્વશ્રેષ્ઠ છે એમ માની શકાય નહિ. ઉત્પાદન-પદ્ધતિમાં ફેરફાર થવાથી આદાનમાં બિનજરૂરી ખર્ચ થવાનો સંભવ છે અથવા ઉત્પાદનમાં ફેરફાર થઈ શકે છે. આદાન-પ્રદાન-વિશ્લેષણમાં આ ટૅકનિકલ ફેરફારો પર ધ્યાન આપવામાં આવતું નથી. જે સમય માટે આદાન-પ્રદાન-વિશ્લેષણ તૈયાર કરવામાં આવ્યું હોય તે સમયગાળામાં કોઈ આદાનનો આંશિક ઉપયોગ શક્ય બને છે. આ આંશિક ઉપયોગના આધારે જે ટૅકનિકલ ગુણક શોધાય છે તે ભવિષ્ય માટે ઉપયોગી ન પણ બને. ટકાઉ લાંબા ગાળાનાં મૂડીસાધનોની બાબતમાં આવું બની શકે છે. આ ફેરફારો સમગ્ર અર્થતંત્રની ઉત્પાદન-પ્રક્રિયાને અસર કરે છે. તેમ છતાં આદાન-પ્રદાન-વિશ્લેષણ હેઠળ આવકની વહેંચણી, દેખાદેખી-અસર (demonstration effect), ઉપભોક્તાની પસંદગી અને ભાવને પરિણામે છેવટની માત્રા પર થતી અસરોનો અભ્યાસ કરવામાં આવતો નથી. વીમો કે હેરફેર જેવાં સેવા આદાનો નાણાકીય સ્વરૂપમાં જ ચોક્કસ રીતે દર્શાવી શકાય છે. આદાન-પ્રદાન-વિશ્લેષણમાં કાયમી અને પરિવર્તનશીલ આદાનો વચ્ચે કોઈ તફાવત રાખવામાં આવતો નથી.
દાઉદભાઈ કાસમભાઈ સૈયદ