આત્મનિમજ્જન (1895, 1914, 1959) : અગાઉ ‘પ્રેમજીવન’ અને અભેદોર્મિ’ શીર્ષકથી અલગ ટુકડે પ્રગટ થયા પછી આ શીર્ષકથી સમગ્રરૂપે પ્રગટ થયેલો ગુજરાતી કવિતાસંગ્રહ. લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદી (1858-1898). તેની પહેલી આવૃત્તિમાં 40, બીજીમાં 45 અને ત્રીજી આવૃત્તિમાં 55 કૃતિઓ સંગ્રહાયેલી છે. તેમાં વૃત્તબદ્ધ રચનાઓ ઉપરાંત ભજનો, ગીતો અને ગઝલો છે. મણિલાલે ગદ્ય ખેડ્યું છે તેટલું પદ્યનું ખેડાણ કરેલું નથી. ઉચ્ચ કોટિનું કાવ્યસર્જન કરવાનું સામર્થ્ય હોવા છતાં, અદ્વૈતની ઉપાસના અને તેનો ઉપદેશ તેમનું જીવનકાર્ય બનેલ. એટલે કવિતાલેખનને તેમણે પોતાની પ્રધાન સાહિત્યિક પ્રવૃત્તિ ગણી નહોતી. તેમ છતાં કવિતાનો અંત:સ્રોત તેમની જાહેર પ્રવૃત્તિઓની પાછળ વહ્યા કર્યો હતો. ‘પ્રિયંવદા’ (1885-1890) અને ‘સુદર્શન’ (1890-98) માસિકોમાં તેમજ ‘કાન્તા’ અને ‘નૃસિંહાવતાર’ નાટકોમાં તે પ્રવાહ પ્રગટ થયેલો.
કાવ્યસર્જનના મૂળમાં મોટેભાગે તેમના ખાનગી જીવનના તીવ્ર આઘાતજનક અનુભવો રહેલા તેની વાત તેમણે આત્મવૃત્તાન્તમાં કરેલી છે. પાછળથી તેમણે તેમાંથી વેદાન્તનો અર્થ ફલિત કરવા સારુ લાંબી વિદ્વત્તાપૂર્ણ ટીકા મૂકેલી. ટીકાના સંદર્ભમાં કવિતા વાંચતાં ઘણી વાર મૂળ અનુભવની તાજગી વિલાઈ જઈને ક્લિષ્ટ અને દૂરાકૃષ્ટ અર્થ તેમાંથી નીકળતો જણાય છે. ટીકાની સહાય વિના, અથવા તો ટીકાની ઉપરવટ જઈને, મણિલાલની કવિતા પ્રથમ વાચને જ સહૃદય પર સીધી અસર કરે છે તે એની સફળતા છે. સૂફી પરિભાષામાં ગઝલરૂપે વ્યક્ત થયેલા મૂળ પ્રેમના ભાવને વેદાન્તની પરિભાષામાં સમજાવવાનો પ્રયાસ કરતી ટીકા એ ગુજરાતી કવિતાસાહિત્યની એક અપૂર્વ અને અજોડ ઘટના છે.
ગીતોમાં ‘ગગને આજ પ્રેમની ઝલક છાઈ રે’ અને ‘દૃગ રસભર’ તથા ગઝલોમાં ‘અમર આશા’, ‘દુનિયાંબિયાંબા’, ‘કિસ્મત’, ‘આ જામે ઇશ્કમાં’ ઉત્તમ છે. પૃથ્વી છંદનો પ્રયોગ અને 1889માં લખેલું ‘ગરીબાઈ’ કાવ્ય દીનજનવાત્સલ્ય દાખવતી 1930ની કવિતાની આગાહી કરતી દેખાય છે. શિષ્ટતા, રસિકતા, અર્થલક્ષિતા, સુવાચ્યતા અને વિચારપ્રધાનતા વૃત્તબદ્ધ કાવ્યોનાં મુખ્ય લક્ષણો છે.
‘કાન્તા’ નાટકમાં રણભૂમિનાં દૃશ્યો તાદૃશ કરતા સુંદર પદ્યાંશો અને ‘નૃસિંહાવતાર’માંનાં રાણી તથા પ્રહલાદના મુખમાં મૂકેલાં ભાવોદ્રેક દર્શાવતાં ગીતો મણિલાલની પ્રાસાદિક કવિત્વશક્તિનાં વિશેષ દૃષ્ટાંતો છે.
ધીરુભાઈ ઠાકર