આત્મગોપન (camouflage) : પ્રાણીઓની સ્વરક્ષણાર્થે પર્યાવરણ સાથે એકરૂપતા. પ્રાણીઓ જુદા જુદા રંગો અથવા જુદા જુદા આકારો ધારણ કરીને, પશ્ચાદભૂમિના પદાર્થોની નકલ કરીને કે પોતાના શરીરમાંથી રંગ છોડીને – એમ વિવિધ રીતે સ્વરક્ષણ સાધવા અન્ય પ્રાણીઓથી અદૃશ્ય  બનવાનો પ્રયત્ન કરે છે. પ્રાણીઓના આ દેખાવ કે વર્તનને આત્મગોપન કહે છે.

પ્રાણીઓમાં રંગધારણક્રિયા : પ્રાણીઓ સૌન્દર્ય પ્રાપ્ત કરી પોતાના અસ્તિત્વની જાહેરાત કરવા તેમજ પશ્ચાદભૂમિ સાથે એકરૂપતા પ્રાપ્ત કરી દુશ્મન પ્રાણીઓ તેમજ પોતાના ભક્ષકોથી અદૃશ્ય બનવા ચાહે છે. પ્રાણીઓ સૌંદર્ય પ્રાપ્ત કરી વિજાતિના પ્રાણીને આકર્ષે છે, સંવનન માટે આહવાન આપે છે, તેમજ પ્રજનન દ્વારા પોતાનું જીવનસાતત્ય જાળવી રાખે છે. પ્રાણીઓમાં રંગધારણક્રિયા ખૂબ જ મહત્વની છે.

આત્મગોપન દ્વારા આત્મરક્ષણ કરતો સૈનિક

સૌ. "IDF-CombatEngineeringSniper" | CC BY 2.0

માનવી પણ આત્મગોપન દ્વારા રક્ષણ તેમજ આક્રમણ વધુ કાર્યક્ષમ બનાવે છે. યુદ્ધભૂમિમાં ગણવેશ પશ્ચાદભૂમિને અનુરૂપ હોય છે. તે પોતાનાં સાધનોને પણ પશ્ચાદભૂમિને અનુરૂપ રંગવાળાં આવરણોથી આચ્છાદિત બનાવે છે. રંગ ધારણ કરવાથી થતા આત્મગોપનમાં ત્રણ મુખ્ય ઘટકો ધ્યાનમાં લેવા જેવા છે : (1) રંગ ધારણ કરનાર પ્રાણી, (2) જેની સાથે એકરૂપ થવાનું છે તે પશ્ચાદભૂમિ કે પ્રતિકૃતિ અને (3) જેનાથી અદૃશ્ય થવું હોય તે પ્રાણી.

પશ્ચાદભૂમિ સાથેની એકરૂપતા : પશ્ચાદભૂમિ સાથે એકરૂપ થવા વિવિધ રંગો કે આકારો ધારણ કરવામાં આવે છે. રંગો ધારણ કરવાનું ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળે છે. પ્રાણીઓને વિવિધ આકારો ધારણ કરવા માટે પર્યાવરણની પ્રતિકૃતિરૂપ ડાળી, પાંદડાં, ઢેફાં, પથ્થરો કે અન્ય પદાર્થો પણ હોઈ શકે અથવા અન્ય પ્રાણી પણ હોઈ શકે.

પશ્ચાદભૂમિ સાથે એકરૂપ થયેલાં પ્રાણી અને તેમનાં ઈંડાં સૃષ્ટિમાં ઘણાં જોવા મળે છે. દા.ત., સમુદ્રના આસમાની પર્યાવરણમાં સપાટી પર આવેલાં માછલીનાં ઈંડાં અને સૂક્ષ્મ સજીવો (plankton). તેઓ ઓછામાં ઓછા રંજકકણો ધરાવે છે અને પારદર્શક બની અદૃશ્યમાન બને છે. ઝાડ પરથી ખરેલાં પર્ણ કે જેમનો રંગ પણ આછો ગુલાબી હોય છે તેના પર સેંડગ્રુવ નામનું પક્ષી સરળ ગુલાબી રંગનાં ઈંડાં મૂકે છે, આથી ઈંડાં પર્ણો સાથે એકરૂપ થઈ જવાથી દેખાતાં નથી. આ ઉપરાંત ઘણાં પક્ષીઓ પોતાનો માળો પણ ઈંડાં અને બચ્ચાંના રંગને અનુરૂપ પદાર્થો ગોઠવીને અથવા ગૂંથીને બનાવે છે. આ ખાસિયતને લીધે ઈંડાં અને બચ્ચાં આત્મગોપનતા પ્રાપ્ત કરી રક્ષણ મેળવે છે. આ જ કારણસર બીજાં કેટલાંક પ્રાણીઓ ઈંડાંના કદના આકારના અને રંગને અનુરૂપ પથ્થરોને ગોઠવીને તેની વચ્ચે ઈંડાં મૂકે છે.

પશ્ચાદભૂમિ સાથે એકરૂપ થયેલ પક્ષી

સૌ. "Tanzania 0607 cropped Nevit" | CC BY-SA 3.0

કાચંડાની કેટલીક જાતો પશ્ચાદભૂમિને એકરૂપ રંગપરિવર્તન કરીને આત્મગોપન કરે છે. પશ્ચાદભૂમિ બદલાય તો પ્રાણી ફરી તેના રંગમાં ફેરફાર કરી એકરૂપ બને છે. સંવેદનાંગો દ્વારા પ્રાણીને પશ્ચાદભૂમિના રંગ બદલાયાનું ભાન થાય છે અને અંત:સ્રાવોની પ્રક્રિયાઓથી રંગ બદલાય છે. પ્રાણીને ખલેલ પહોંચાડવામાં આવે તો તે રંગપરિવર્તન કરી પશ્ચાદભૂમિના રંગોને આબેહૂબ મળતા આવે તેવા રંગો ધારણ કરી અદૃશ્ય બને છે. રંગપરિવર્તનમાં પિચ્યુટરી ગ્રંથિનો અંત:સ્રાવ અગત્યનો ભાગ ભજવે છે. મચ્છરનું ડિમ્ભ ખાનારી માછલી ગેમ્બુસિયા ઘણા લાંબા સમય સુધી વિવિધ રંગ ધારણ કરીને પશ્ચાદભૂમિને અનુરૂપ બની જઈને આત્મગોપન કરે છે અને દુશ્મન પ્રાણી સામે રક્ષણ મેળવે છે. ધીમે ચાલતા નગ્ન ઝાલર (nudi-dranch)  જેવા મૃદુશરીર પ્રાણીને પશ્ચાદભૂમિ પરવાળાંની હોય ત્યારે તેનાથી જુદું પાડવું મુશ્કેલ બને છે. વિવિધ રંગોનાં પરવાળાં પર ખોરાકની શોધમાં ફરતાં આ પ્રાણીઓ રંગપરિવર્તન કરી પરવાળાંના રંગો સાથે એકરૂપ બની સ્વરક્ષણ કરે છે. કેટલાક ચપટા કૃમિઓ માછલીના શરીર પર બાહ્ય પરોપજીવી જીવન ગુજારે છે. આવા કીડા પોતાના રંગ જેવા રંગવાળા યજમાનના શરીર ઉપર રહેવાનું પસંદ કરે છે. ચળકતા રંગોવાળાં પતંગમત્સ્યો (butterfly fish) શરીર પર બાહ્ય પરોપજીવીઓ દેખાતાં જ નથી, પરંતુ આ માછલીને મીઠા પાણીથી ધોવામાં આવે તો આ ચપટ કૃમિઓ જુદા જુદા રંગીન ભાગોમાં છુપાઈ ગયેલા જોવા મળે છે.

ભિન્ન રંગધારણ દ્વારા આત્મગોપન : કેટલીક વાર વિવિધ રંગોથી પ્રાણીની બાહ્ય સીમા અને આકાર પશ્ચાદભૂમિ સાથે એકરૂપ થતાં નથી, પરંતુ પ્રાણીનો આકાર અને બાહ્ય સીમા એવી રીતે એકબીજાંમાં મિશ્રિત થાય છે કે તેને કારણે પ્રાણીને પશ્ચાદભૂમિથી જુદું તારવીને ઓળખી શકાતું નથી. વાઘ અને ચિત્તા પરના ચટાપટા તેની બાહ્ય સીમાને છિન્નભિન્ન કરે છે કારણ કે ઝાડીની અંદર પણ ડાળીઓને લીધે ચટાપટાવાળી પશ્ચાદભૂમિ હોય છે અને તેથી વાઘ અને ચિત્તાનું સ્થાન અને તેમનો આકાર અદૃશ્ય બને છે. પરવાળાંના ખડકોમાં વાસ કરતી માછલીઓમાં ખૂબ જ વિભિન્ન રંગો જોવા મળે છે. મોરીશ આઇડોલ માછલીના શરીર પર તેમજ લાંબાં મીનપક્ષો પર કાળા અને પીળા પટ્ટા આવેલા હોય છે. પરવાળાંના ખડકો અને દરિયાઈ શેવાળની પશ્ચાદભૂમિમાં આ પ્રાણીની બાહ્ય સીમા એકરૂપ બની જતાં તે અદૃશ્ય બને છે. સમૂહમાં ફરતી માછલીઓ ભક્ષક સમીપ આવતાં એકદમ એકબીજીની નજીકમાં ભેગી થાય છે અને તેમના હલનચલનથી અને ભિન્ન રંગથી ભક્ષકને ભુલભુલામણીમાં નાખી પોતાનું રક્ષણ કરે છે. ઝાડ પર રહેતા હાયલા જાતિનાં દેડકાંનાં શરીર અને ઉપાંગો પર સળંગ કાળા પટ્ટા આવેલા હોય છે. ખિસકોલીના શરીર પરના કાળા પટ્ટા ઝાડના પ્રકાંડની પશ્ચાદભૂમિમાં તેમની બાહ્ય સીમા અને આકારને છિન્નભિન્ન કરીને પોતે છુપાયેલા રહે છે.

પશ્ચાદભૂમિ સાથે એકરૂપ થયેલ નર ચિત્તો, દક્ષિણ આફ્રિકા

સૌ. "Great male Leopard in South Afrika" | CC BY-SA 3.0

ચટાપટાવાળા સાપ ખાંચા અને ઘાસમાં ગતિ કરતા હોય ત્યારે દેખાતા નથી. ઝડપથી ગતિ કરતાં આવાં ચટાપટાવાળાં પ્રાણીઓનો આકાર અને બાહ્ય સીમા શોધી કાઢવાનું ઘણું મુશ્કેલ બને છે.

વધારાના રંગધારણથી આત્મગોપન : મોટાભાગનાં જળચર પૃષ્ઠવંશીઓમાં પૃષ્ઠ બાજુ પર વધારાનો રંગ ધારણ કરેલ હોવાથી પૃષ્ઠ બાજુ ઘેરા રંગની દેખાય છે; જ્યારે વક્ષ બાજુ આછા રંગની દેખાય છે. તેમાંના વર્ણકોષો પ્રકાશિત ભાગોમાં વધુ વિકસેલા જોવા મળે છે. જળચર પ્રાણીઓની આ પૃષ્ઠ-ઘેરી સપાટી તળિયાના અપ્રકાશિત ભાગ સાથે એકરૂપ થાય છે અને તેથી પ્રાણીની ઉપરની બાજુનાં ભક્ષક પ્રાણીઓ તેને જોઈ શકતાં નથી અને એ જ રીતે વક્ષસપાટી આછા રંગની હોવાથી આકાશ તરફની પ્રકાશસપાટી સાથે એકરૂપ થાય છે, તેથી આ જળચર પ્રાણીની નીચલી સપાટીએથી તરતાં ભક્ષક પ્રાણીઓ તેને જોઈ શકતાં નથી.

જીવ-સંદીપ્તિ (bio-luminescence) દ્વારા આત્મગોપન : કેટલાંક પ્રાણીઓના શરીરમાં પ્રકાશ ઉત્પન્ન કરનારાં અંગો આવેલાં હોય છે. આ અંગો દ્વારા પ્રકાશ ઉત્પન્ન કરીને ભક્ષક પ્રાણીને તે આંજી દે છે અને પોતે અદૃશ્ય રહીને રક્ષણ મેળવે છે. તે જ પ્રમાણે કેટલાંક ભક્ષકો ભક્ષ્યને પણ આંજી દઈને તેનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે.

આકાર અને રંગની નકલ : કેટલાંક પ્રાણીઓ પશ્ચાદભૂમિમાં આવેલાં ઢેફાં, પાંદડાં, ડાળીઓ, પુષ્પો કે અન્ય પ્રાણીઓ જેવાં રંગરૂપ ધારણ કરીને, પોતાની જાતને છુપાવીને રક્ષણ મેળવે છે. તે જ પ્રમાણે ભક્ષક પણ પોતાને છુપાવી ભક્ષ્ય પર આક્રમણ શક્ય બનાવે છે અને ખોરાક મેળવે છે.

મેંડક પ્રાણીઓના આકાર અને રંગ માટીનાં ઢેફાં જેવા હોય છે, તેથી તેમને પશ્ચાદભૂમિથી જુદાં તારવવાં મુશ્કેલ બને છે. પર્ણકીટકો (leaf insects)ની પાંખો પાંદડાં જેવી હોય છે અને તેના શરીર પરની રેખાઓ પર્ણની શિરાઓ જેવી જ દેખાય છે તેથી પર્ણોની વચ્ચે તે દેખાતાં નથી.

પર્ણકીટક

આત્મગોપન દ્વારા તુલસીના છોડ સાથે એકરૂપ થયેલ કીટક

સૌ. "Katydid camouflaged in basil plant" | CC BY-SA 4.0

સળી કીટક (stick insect) પાતળું સળી જેવું હોય છે. તેનાં ઉપાંગો પણ તેવાં જ હોય છે, તેથી ડાળી પર ગોઠવાયેલું હોય ત્યારે તેને જોઈ શકાતું નથી. પુષ્પ પર બેઠેલાં પતંગિયાં પણ આ રીતે આત્મગોપન કરે છે.

સળી કીટક

પશ્ચાદભૂમિના પરિવર્તન સાથે લાંબા સમયનું ને ટૂંકા સમયનું રંગપરિવર્તન : કાચંડા (chamelion) નામનું પ્રાણી પોતાની પશ્ચાદભૂમિ બદલાતાં રંગપરિવર્તન કરી શકે છે. સૂકી ઝાડીમાં તે ભૂખરો રંગ ધારણ કરે છે. જ્યારે લીલી ડાળીઓ વચ્ચે આવે ત્યારે એકદમ લીલો રંગ ધારણ કરીને પશ્ચાદભૂમિને અનુરૂપ બને છે.

ઔદ્યોગિક વસાહતો ઊભી થતાં પ્રદૂષણને લીધે ઝાડની છાલ પર ઊગતાં દગડ ફૂલોની વસાહતો નાશ પામી અને સફેદ રંગની પશ્ચાદભૂમિ ઘેરા રંગની બની. આથી સફેદ રંગનાં ફૂદાં, કે જે દિવસ દરમિયાન ઝાડની છાલ પર આરામ કરતાં, તેમનું પ્રમાણ ઓછું થતું ગયું અને કાળા રંગનાં ફૂદાંનું પ્રમાણ વધતું ગયું. આ પ્રકારના ફેરાફારો યુરોપ, અમેરિકા વગેરે દેશોમાં નોંધાયેલા છે.

એક જ જાતિનાં જુદા જુદા રંગનાં પ્રાણીઓ પશ્ચાદભૂમિના રંગો બદલાતાં જુદી જુદી ઋતુમાં ચોક્કસ રંગ ધારણ કરીને આત્મગોપન કરે છે. આથી તે જાતિનાં પ્રાણીઓ ભક્ષક પ્રાણીઓના શિકાર બનતાં અટકી જાય છે અને તે જાતિનું જીવનસાતત્ય જળવાય છે. જમીનની ગોકળગાયમાં માટી જેવો પીળો, ગુલાબી અને લીલો એમ ત્રણ રંગો જોવા મળે છે. શિયાળામાં તેઓ ગુલાબી અને લીલો રંગ ધારણ કરી રક્ષણ મેળવે છે, જ્યારે ઉનાળામાં પીળા રંગ અને ગુલાબી રંગની ગોકળગાય અદૃશ્ય રહીને રક્ષણ મેળવે છે. એ રીતે તેનું જીવનસાતત્ય જળવાય છે.

કિરીટ પુરાણી