આણ્ડાલ (ઈ. સ. આઠમી સદીનો પૂર્વાર્ધ) : તમિળ કવયિત્રી. તમિળના વૈષ્ણવભક્ત કવિઓ જે આળવારના નામથી ઓળખાતા હતા, તેમાં આણ્ડાલ એકમાત્ર સ્ત્રી-કવિ છે. એક મત અનુસાર એ પેરિયાળવારની પાલિતપુત્રી હતી, તો બીજા કેટલાક વિદ્વાનોના મત અનુસાર એ પેરિયાળવારની કલ્પનાસૃષ્ટિનું પાત્ર હતી. આણ્ડાલનાં અન્ય નામો છે, કોહૈ અથવા ગોદા; શૂડિક્કોડુત્ત નચ્ચિયાર વગેરે. એમની ભક્તિ અને કવિત્વશક્તિનો ખ્યાલ આપવા એમને ‘દક્ષિણની મીરાં’ પણ કહેવામાં આવે છે. એમ કહેવાય છે કે વિષ્ણુચિત્ત નામના એક ભક્ત કવિને તુલસીના વનમાં તરતની જન્મેલી એક છોકરી મળી. ભગવાનના આદેશને અનુસરીને એણે એ છોકરીને ઘેર આણી અને એનું ‘કોહૈ’ નામ રાખ્યું. કોહૈનો અર્થ થાય છે ફૂલના હાર જેવી કમનીય. બાલ્યવયથી જ એ કૃષ્ણભક્તિમાં લીન રહેતી અને એણે નક્કી કર્યું કે એ કૃષ્ણની જોડે જ લગ્ન કરશે.
પછી ઈશ્વરની એની પર કૃપા ઊતરતાં એને આણ્ડાલ નામ આપવામાં આવ્યું. ફૂલ ભેગાં કરીને કૃષ્ણને માટે હાર ગૂંથવાનું કામ વિષ્ણુચિત્તે આણ્ડાલને સોંપ્યું હતું. પણ તે તો હાર ગૂંથીને પોતે પહેરતી અને આરસા સામે ઊભી રહીને એ પોતાની જાતને જોઈ રહેતી. વિષ્ણુચિત્તને એ વાતની ખબર નહોતી. પણ એક દિવસ હારમાં એક વાળ ભરાયેલો મળી આવ્યો. એથી એ હાર પહેરેલો છે એમ માની એણે રંગનાથને (કૃષ્ણનું એક નામ) પહેરાવ્યો નહિ. જ્યારે એને ખબર પડી કે આણ્ડાલે જ એ હાર પહેરેલો, ત્યારે એ ખૂબ ગુસ્સે થઈ ગયો. પણ તે રાતે જ રંગનાથ વિષ્ણુચિત્તના સ્વપ્નામાં આવ્યા અને એને કહ્યું, ‘આણ્ડાલે જે હાર પહેલાં પહેર્યો હોય તે હાર જ મને અધિક પ્રિય છે.’ આ સ્વપ્ના પરથી વિષ્ણુચિત્તને આણ્ડાલની ભક્તિનું ગૌરવ સમજાયું. એક દિવસ રંગનાથે મંદિરના મુખ્ય પૂજારીને આદેશ આપ્યો કે ‘‘આણ્ડાલ જોડે મારાં લગ્ન કરાવો.’’ ત્યારે પૂજારીએ મંદિરના બધા મુખ્ય ઉત્સવો જેટલી જ ધામધૂમથી આણ્ડાલના રંગનાથ જોડેનાં લગ્નનો ઉત્સવ ઊજવ્યો. આણ્ડાલ મંદિરમાં આવી રંગનાથની શેષશય્યા પર ચઢી, ત્યારે સર્વત્ર દિવ્યપ્રભા વિસ્તરી અને એ પ્રભામાં જ એ વિલીન થઈ ગઈ. દક્ષિણનાં મંદિરોમાં આજે પણ આણ્ડાલ અને રંગનાથનો લગ્નોત્સવ ઊજવાય છે. આણ્ડાલની ભક્તિમાં પ્રેમ અને કારુણ્ય બંને જોવા મળે છે. શ્રીહરિના નામસંકીર્તનમાં એ પોતાની જાતને વીસરી જાય છે. રંગનાથ(કૃષ્ણ)ને પતિરૂપે મેળવવા એણે ગોકુળની ગોપીની જેમ કાત્યાયનીવ્રત કર્યું હતું. એ વ્રત આજે પણ તમિળનાડુની કુમારિકાઓ કરે છે. એ પાવૈને નામે ઓળખાય છે. ‘તિરુપ્પાવૈ’ નામનો એક ગીતસંગ્રહ આણ્ડાલે આ વ્રતને માટે જ રચ્યો હતો. ‘નચ્ચિયાર તિરૂમોળિ’ એ એનો કાવ્યસંગ્રહ છે. આજે પણ માઘ મહિનામાં તમિળનાડુની સ્ત્રીઓ પ્રાત:કાળે વ્રતને માટે સ્નાન કરતાં આ ગીતો ગાય છે. એમાંનાં કેટલાંક ગીતો નાયિકાને જગાડવા માટેનાં પ્રભાતિયાં જેવાં છે.
આણ્ડાલ ગોપીરૂપે જ ભક્તિમય જીવન વ્યતીત કરતી. એને ગોકુળમાં જઈ ગોપીનું જીવન જીવવાની લગની લાગી હતી. એક ગીતમાં એ કહે છે : ‘‘હે કૃષ્ણ ! હું તારી સાથે વનમાં ગાયો ચરાવવા આવું છું. ત્યાં જ મારો પ્રાણ છે; કારણ તેં પણ ગોવાળને ઘેર જ અમારે માટે તો જન્મ લીધો છે, એથી તો અમારાં ભાગ્ય ઊઘડ્યાં. હે ગોવિન્દ ! તારો અને મારો સંબંધ તો હવે અતૂટ છે. અમે પ્રેમવિહવળ થઈને તારા જ નામનું રટણ કર્યા કરીએ છીએ, તે માટે અમને ક્ષમા કરજે.’’
કૃષ્ણને ગમતું હોય તે કરવાનો, ન ગમતું હોય તે વર્જવાનો સંકલ્પ, દૃઢ વિશ્વાસ, રિસામણાં; પોતાના મનના બધા ભારની ઈશ્વરને સોંપણી અને આત્મસમર્પણ એ આણ્ડાલની કવિતાનાં મુખ્ય તત્વો છે.
કે. એ. જમના