આણંદ : ગુજરાત રાજ્યના મધ્યભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું તેનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 22° 34´ ઉ. અ. અને 72° 56´ પૂ. રે. આ શહેર અમદાવાદથી આશરે 65 કિમી. દક્ષિણે આવેલું છે. આ જિલ્લાની ઉત્તરે ખેડા, પૂર્વે વડોદરા, દક્ષિણે ભરૂચ, પશ્ચિમે અમદાવાદ જિલ્લાઓ અને નૈર્ઋત્યમાં ખંભાતનો અખાત આવેલો છે. પશ્ચિમ અને દક્ષિણ સીમા પર સાબરમતી અને મહી નદીઓ આવેલી છે. જિલ્લાનું મોટાભાગનું ભૂપૃષ્ઠ લગભગ સમતળ સપાટ છે. અહીંનું મહત્તમ તાપમાન 410 સે. અને લઘુતમ તાપમાન 290 સે. જેટલું રહે છે. વરસાદ 700થી 800 મિમી. જેટલો પડે છે. આ જિલ્લાના વલ્લભવિદ્યાનગર ખાતે વધુમાં વધુ અને ઓછામાં ઓછું તાપમાન અનુક્રમે 47.70 સે અને 90 સે. નોંધાયેલું છે.
શહેરોની સંખ્યા 12 છે. સાક્ષરતાનો દર 85.79 છે. પેટલાદ તાલુકાનું ધર્મજ ગામ જે ગુજરાતનું સૌથી આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ ગામ ગણાય છે. આ ગામના દરેક ઘરમાંથી એકાદ વ્યક્તિ વિદેશમાં સ્થાયી થયેલું છે.
આ જિલ્લાનો ચરોતર પ્રદેશ કાળી, ગોરાડુ અને બેસર પ્રકારની ફળદ્રૂપ જમીનો ધરાવતો હોવાથી ખેતીની પેદાશોના ઉત્પાદનમાં સમગ્ર રાજ્યમાં તે અગ્રસ્થાને છે. જમીનોને મહીની કડાણા યોજનાનાં પાણીનો સિંચાઈ માટે લાભ મળે છે. અહીં ઘઉં, ડાંગર, બાજરી, કપાસ, તમાકુ, કઠોળ, શેરડી, વગેરેનો મબલક પાક થાય છે. આણંદ આ બધી પેદાશોનું વેચાણકેન્દ્ર પણ છે. આ ઉપરાંત અહીં કેળાં, ચીકુ, કેરી, દ્રાક્ષ, પપૈયાં, બટાટા અને લીલાં શાકભાજીની પેદાશ પણ સારા પ્રમાણમાં થાય છે.
આ જિલ્લામાં બનતી મુખ્ય વસ્તુઓમાં દૂધ અને દૂધની બનાવટો, તુવેરદાળ બનાવવાના એકમો, તમાકુની બનાવટો, યંત્રો અને તેના છૂટા ભાગો, ચૂનાની બનાવટો, સિમેન્ટ-પાઇપો, વિદ્યુત-ઉપકરણો, કાચની બનાવટો, ટાઇલ્સ, મીઠું, સાબુ, સુતરાઉ કાપડ, હાથસાળનું કાપડ તેમજ અકીકને પૉલિશ કરવાના એકમોનો સમાવેશ થાય છે. અકીકના અલંકારો તથા સુશોભન-વસ્તુઓના ગૃહઉદ્યોગો ખંભાતમાં વિકસ્યા છે. ખેતપેદાશો પર આધારિત ઉદ્યોગો ઉપરાંત જંતુનાશક દવાઓના અને પશુઆહારને લગતા એકમો પણ આવેલા છે.
અહીં આવેલી અમૂલ ડેરીના કુશળ અને સફળ સંચાલનને કારણે આણંદને ડેરી-ઉદ્યોગના કેન્દ્ર તરીકે વિશ્વમાં સારી ખ્યાતિ મળી છે. સમસ્ત દેશમાં હાથ ધરાયેલી શ્વેતક્રાંતિના શ્રીગણેશ અમૂલ ડેરીની સ્થાપના(1955)થી થયા છે. તે અગાઉ ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક મંડળી 1946માં શરૂ કરવામાં આવી હતી. અમૂલના પગલે મહેસાણાની દૂધસાગર, સુરતની સુમૂલ, સાબરકાંઠાની સાબર અને અમદાવાદની આબાદ ડેરીઓ ચાલી રહી છે. આ કારણથી ગુજરાત સમગ્ર દેશમાં ડેરી ઉદ્યોગમાં સર્વપ્રથમ સ્થાન ધરાવે છે, ઉપલબ્ધ માહિતી મુજબ અહીં 7,913 જેટલી દૂધમંડળીઓ છે; 11,50,000 જેટલા સભાસદો છે. આ ઉપરાંત નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ(NDDB)ની વડી કચેરી પણ અહીં જ છે. વાર્ષિક આશરે 38 લાખ મેટ્રિક ટન જેટલું દૂધનું ઉત્પાદન લેવાય છે. ખંભાત, લૂણેજ અને તારાપુર ખાતે મહત્વનાં ખનિજતેલ અને કુદરતી વાયુનાં ક્ષેત્રો આવેલાં છે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર, 1958માં ખનિજતેલ માટેનો કૂવો સર્વપ્રથમ લૂણેજ ખાતે ખોદાયો હતો. ધુવારણ આ જિલ્લામાં આવેલું મહત્વનું તાપવિદ્યુતમથક છે. અહીં અંશત: કુદરતી વાયુનો ઉપયોગ કરવામાં આવે છે.
આ જિલ્લો આર્થિક રીતે સમૃદ્ધ હોવાથી અહીં પાકા રસ્તાઓનું પ્રમાણ અધિક છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 8 અહીંથી પસાર થાય છે. અમદાવાદથી મુંબઈ જતા બ્રૉડગેજ રેલમાર્ગ પર આવેલું આણંદ અહીંના વિસ્તાર માટેનું જાણીતું જંક્શન છે. ત્યાંથી વડતાલ, ગોધરા તેમજ ખંભાતને જોડતા રેલમાર્ગો પણ છે. જિલ્લાનાં લગભગ બધાં જ ગામો જિલ્લામથક આણંદ સાથે પાકા માર્ગોથી સંકળાયેલાં છે.
જિલ્લાનાં લગભગ બધાં જ ગામોમાં વીજળીની સુવિધા છે. સરકાર તરફથી નાના સાહસિકોને ઉદ્યોગો સ્થાપવા સહાય કરવા માટે જિલ્લાનાં વિઠ્ઠલ ઉદ્યોગનગર, ખંભાત અને બોરસદ ખાતે ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવેલી છે. જિલ્લામાં ઔષધાલયો, હૉસ્પિટલો અને પ્રાથમિક સારવાર કેન્દ્રોની સગવડ છે. રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બૅંકોની સુવિધા પણ સારા પ્રમાણમાં છે.
શૈક્ષણિક ક્ષેત્રે આ જિલ્લો મહત્વનું સ્થાન ધરાવે છે. 1916માં અહીં ચરોતર ઍજ્યુકેશન સોસાયટી શરૂ કરવામાં આવી હતી. તે દ્વારા અહીંની દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલનું સંચાલન થાય છે. હાલ ત્યાં સાત હાઈસ્કૂલો તથા છ ઉચ્ચશિક્ષણની સંસ્થાઓ છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીનાં ચાર કેન્દ્રોમાંનું એક કેન્દ્ર આણંદમાં આવેલું છે, ત્યાં કૃષિ ઉપરાંત પશુપાલન તેમજ ડેરીવિજ્ઞાનના અભ્યાસક્રમો અને જે તે ક્ષેત્ર વિશેનું સંશોધનકાર્ય ચાલે છે. આ ઉપરાંત આણંદમાં ગ્રામ-વ્યવસ્થાપનના શિક્ષણક્ષેત્રે પ્રથમ સોપાન તરીકે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ રુરલ મૅનેજમેન્ટની સંસ્થા 1979થી ચાલે છે. ત્યાં તાલીમ પામેલા વિદ્યાર્થીઓ ભારતના ગ્રામવિકાસના ક્ષેત્રે સેવા આપી શકે છે. આણંદથી પશ્ચિમે 6 કિમી.ના અંતરે સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં 3 માર્ચ 1945ના દિવસે વલ્લભવિદ્યાનગરની સ્થાપના કરવામાં આવેલી છે. તે સરદાર પટેલ યુનિવર્સિટી(1958)નું વડું મથક તેમજ જાણીતું વિદ્યાધામ છે.
1997માં ખેડા જિલ્લાનું વિભાજન કરીને નવા આણંદ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. આ જિલ્લાને આણંદ, આંકલાવ, પેટલાદ, બોરસદ, સોજિત્રા, તારાપુર, ખંભાત અને ઉમરેઠ એમ આઠ તાલુકાઓમાં વહેંચવામાં આવ્યો છે. આ જિલ્લાનાં ગામોની સંખ્યા 354 જેટલી છે, જેમાં તારાપુરનાં 42, ઉમરેઠનાં 37, સોજિત્રાનાં 23, આંકલાવનાં 32, ખંભાતનાં 56, બોરસદનાં 64, પેટલાદનાં 60 અને આણંદનાં 40 ગામોનો સમાવેશ થાય છે.
આણંદ શહેર 22° 57´ ઉ. અ. અને 72° 93´ પૂ. રે. પર સ્થિત છે. જેનો વિસ્તાર 47.89 ચો.કિમી. છે. સમુદ્ર સપાટીથી 39 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. શહેરની વસ્તી 6,34,987 (2011) છે. જેમાં પુરૂષો અને સ્ત્રીઓની ટકાવારી અનુક્રમે 51.77 અને 48.23 છે. સાક્ષરતાનું પ્રમાણ 78.45 % છે. આ શહેરમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મીઓ વસે છે. વસ્તી 1,98,282.
દેવવ્રત પાઠક
નીતિન કોઠારી