આઠવલે, રામચંદ્ર બળવંત

February, 2001

આઠવલે, રામચંદ્ર બળવંત (જ. 1894, પુણે; અ. 1986, મુંબઈ) : સંસ્કૃત ભાષાના પ્રકાંડ વિદ્વાન અને જાણીતા અધ્યાપક. જન્મે મહારાષ્ટ્રી હોવા છતાં તેમણે જીવનનો મોટો ભાગ અમદાવાદમાં વિતાવ્યો હતો. તેઓ પુણેમાં 20 વર્ષની વય સુધી રહી બી.એ.ની પરીક્ષામાં સર્વપ્રથમ આવ્યા અને ભાઉ દાજી પ્રાઇઝ મેળવ્યું. એ પછી આચાર્ય આનંદશંકર ધ્રુવ અને પ્રા. કે. વી. અભ્યંકર સાથે સંસ્કૃતના અધ્યાપક તરીકે અમદાવાદની ગુજરાત કૉલેજમાં સેવા આપી. ત્યાંથી ગાંધીજીની હાકલને અનુસરી સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાવાના હેતુથી સરકારી નોકરી છોડી ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. સ્વાતંત્ર્યસંગ્રામમાં બાળાસાહેબ ખેર સાથે તેમણે જેલવાસ પણ ભોગવ્યો. જેલમાંથી મુક્ત થયા પછી અધ્યાપક થવા માટે એકલી બી.એ.ની ડિગ્રી ચાલી શકે તેમ હતી નહિ. આથી નિયમ મુજબ જરૂરી એમ.એ.ની પદવી મેળવવાના અભ્યાસકાળ દરમિયાન થોડાંક વર્ષો અમદાવાદની પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ અને એ પછી ટ્યૂટૉરિયલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવાઓ આપી. એમ.એ.ની પરીક્ષામાં પણ પ્રથમ આવી ભાંડારકર વેદાંત પ્રાઇઝ મેળવ્યું. ત્યારબાદ 1937માં અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. એ કૉલેજમાં થોડોક સમય ઉપાચાર્ય તરીકે પણ સેવાઓ આપી. 1954માં ત્યાંથી નિવૃત્ત થયા, પરંતુ નિવૃત્તિમાં પણ તેમણે મુલાકાતી અધ્યાપક તરીકે તે કૉલેજમાં સેવાઓ ચાલુ રાખી. 1967માં તેઓ ભો. જે. વિદ્યાભવનમાં માનાર્હ અધ્યાપક તરીકે જોડાઈને પંડિતરાજ જગન્નાથ વિશે મહત્વનું સંશોધનકાર્ય કર્યું. ત્યાંથી 1970માં તત્વજ્ઞાન વિદ્યાપીઠ, થાણે, મુંબઈમાં અધ્યાપક તરીકે ગયા અને કાયમ માટે મુંબઈવાસી થયા. થાણેની તત્વજ્ઞાન વિદ્યાપીઠમાં સ્વાસ્થ્ય ન જળવાતાં મુંબઈ ખાતે બોરીવલીમાં તેમના પુત્ર અરવિંદભાઈને ત્યાં મૃત્યુપર્યંત રહ્યા.

રામચંદ્ર બળવંત આઠવલે

92 વર્ષના તેમના સુદીર્ઘ જીવનમાં તેમણે અનેક લેખો, સંશોધનપત્રો અને પુસ્તકો આપ્યાં છે. એમાં એમણે પંડિતરાજ જગન્નાથ વિશે કરેલું સંશોધન અને જગન્નાથના અલંકારશાસ્ત્રના પ્રતિનિધિ અને અંતિમ અક્ષર ગણાતા ‘રસગંગાધર’ જેવા પ્રૌઢ અને ભીમકાય ગ્રંથની જે વિવેચના કરી છે તે ઉત્કૃષ્ટ ગણાય છે. તેમનો એ ગ્રંથ પહેલાં ટિળક વિદ્યાપીઠ, પુણેથી મરાઠીમાં પ્રકાશિત થયેલો અને પછી ગુજરાતીમાં પણ યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રગટ થયેલો છે. એનસાઈક્લોપીડિયા બ્રિટાનિકામાં સોશિયલ સાયન્સના સંસ્કૃતિના અધિકરણનો ગુજરાતી અનુવાદ પુસ્તિકા સ્વરૂપે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થયો છે. પુણેના ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રત્નાકરના ‘હરવિજયમ્’ મહાકાવ્યની સમીક્ષિત આવૃત્તિ તેમણે તૈયાર કરી છે. મહર્ષિ અરવિન્દના ‘On the Vedas’ પુસ્તકનો અનુવાદ પણ તેમણે કર્યો છે. હસ્તપ્રતોમાં રહેલી પંડિતરાજ જગન્નાથે રચેલી ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકા અને ‘રસકલ્પદ્રુમ’ નામના સુભાષિતસંગ્રહની આવૃત્તિઓ તેમણે તૈયાર કરી છે. હેમચંદ્રના ‘કાવ્યાનુશાસન’ પર અંગ્રેજીમાં વિવરણ તેમણે છેક 1929માં રચેલું છે. સંસ્કૃતમાં અવારનવાર કવિતા પણ તેઓ રચતા. છેલ્લાં વર્ષોમાં તેઓ ઋગ્વેદનાં સૌરસૂક્તો, હસ્તલિખિત ‘નલચરિત્રચંપૂ’ અને ‘હઠયોગપ્રદીપિકા’નું વિવરણ લખી રહ્યા હતા. અમદાવાદમાં અનેકાનેક વિદ્યાર્થીઓને સંસ્કૃત, અંગ્રેજી, તત્વજ્ઞાન વગેરે હંમેશાં ભણાવ્યાં છે. તેઓ સંગીતના પણ જાણકાર હતા અને પુણેના નિવાસ દરમિયાન ખાંસાહેબ અબ્દુલ કરીમખાંના તેઓ શિષ્ય હતા.

પ્ર. ઉ. શાસ્ત્રી