આઝીકીવે, નામદી

February, 2001

આઝીકીવે, નામદી  (જ. 16, નવેમ્બર 1904, ઝુંગેરૂ, નાઇજિરિયા; અ. 11 મે 1996, નાઇજિરિયા) : નાઇજિરિયાના રાષ્ટ્રપ્રમુખ (1963  1966), નાઇજિરિયાના રાષ્ટ્રીય નૅશનાલિસ્ટ પક્ષના સ્થાપક તથા દક્ષિણ નાઇજિરિયાના રાષ્ટ્રવાદના મુખ્ય પ્રવર્તક. 1925થી 1936 સુધી યુ.એસ.માં લિંકન યુનિવર્સિટી(પેન્સિલવૅનિયા)માં રાજ્યશાસ્ત્ર, કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વ તથા પેન્સિલવૅનિયા યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનો અભ્યાસ કરી, 1937માં ઘાના આવી, આકરાથી ‘રેનેસન્ટ આફ્રિકા’ નામનું રાષ્ટ્રવાદસભર પુસ્તક બહાર પાડ્યું. ત્યારબાદ નાઇજિરિયા જઈને લાગૉસથી ‘વેસ્ટ આફ્રિકન પાઇલટ’ નામનું દૈનિક શરૂ કર્યું. બીજું વિશ્વયુદ્ધ(1939-45) શરૂ થયું ત્યારે ફાસીવાદ સામેનો વિગ્રહ સંસ્થાનવાદ સામે રાષ્ટ્રીય સ્વાતંત્ર્યની હિમાયતના સંદર્ભમાં લડાવો જોઈએ એવો આઝીકીવીએ આગ્રહ રાખ્યો હતો. 1944માં નાઇજિરિયાના રાષ્ટ્રવાદના મુખ્ય પ્રણેતા હર્બર્ટ મેકૉલૅના સાથમાં તેમણે ‘નૅશનલ કાઉન્સિલ ઑવ્ નાઇજિરિયા ઍન્ડ કમેરૂન્સ’ની સ્થાપના કરી. નાઇજિરિયાની યુવાચળવળને પણ તેમણે આગળ ધપાવી. 1953માં ચૂંટણી થયા પછી તેઓ નાઇજિરિયાના પૂર્વપ્રદેશોના મુખ્ય પ્રધાન બન્યા હતા.

Nnamdi Azikiwe

નામદી આઝીકીવે

સૌ. "Nnamdi Azikiwe" | CC BY-SA 4.0

1960માં નાઇજિરિયા સ્વતંત્ર બનતાં તેમણે અબુબકર તફાવા બલેવાને પંતપ્રધાનપદ સોંપેલું અને પોતે શરૂઆતમાં સેનેટના પ્રમુખ, પછીથી ગવર્નર જનરલ અને છેલ્લે રાષ્ટ્રપ્રમુખ બન્યા હતા.

બાયફ્રા સાથેના આંતરવિગ્રહ (1967-1970) દરમિયાન શરૂઆતમાં તેમણે તેમના મિત્ર ઇબોને ટેકો આપ્યો હતો તથા બાયફ્રાને માન્યતા આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ પાછળથી સમવાય નાઇજિરિયાના રાજ્યને ટેકો આપ્યો હતો. 1979ની ચૂંટણીમાં તેઓ સફળ થયા નહોતા.

‘ઝીક’ના ટૂંકા નામથી ઓળખાતા આ વરિષ્ઠ નેતા મોહક વ્યક્તિત્વ ધરાવતા હતા અને આકર્ષક વક્તા તરીકે પંકાયેલા.

દેવવ્રત પાઠક