આઝિમ મુઝફ્ફર (જ. 1934, અ. 8 જુલાઈ 2022, યુ. એસ. એ.) : કાશ્મીરી કવિ. મૂળ નામ મહમ્મદ મુસાફિર મીર. એમના દાદા કવિ હતા. એમણે શ્રીનગરની એસ. પી. કૉલેજમાં બી.એસસી. સુધી અભ્યાસ કરીને શિક્ષણ ખાતામાં શિક્ષકની નોકરી લીધી હતી; પણ પછી કૃષિ વિભાગમાં નિયામક નિમાયા હતા. આઝિમની સાહિત્યિક કારકિર્દી 1955માં ‘વતન’ નામનાં પ્રણયગીતોના સંગ્રહથી શરૂ થઈ હતી. એમની તે કવિતામાં પરંપરાનું અનુસરણ છે. બીજા કાવ્યસંગ્રહ ‘ઝોલાના’ (શૃંખલા – 1963)એ તેમને પ્રણય અને પ્રકૃતિ કવિ તરીકે સ્થાપિત કર્યા. સમકાલીનોની જેમ એમનામાં પણ દેશપ્રેમની જ્વાલા પ્રજ્વલિત થયેલી; પરંતુ એમની રંગદર્શી પ્રકૃતિ મુખ્યત્ત્વે પ્રકૃતિસૌંદર્યથી મંત્રમુગ્ધ થાય છે. એમની ધ્યાનપાત્ર કવિતા ‘આઝિમ ચુ ફક્વથ લોલ’ (આઝિમ મૂર્તિમંત પ્રેમ છે), ‘હસન તા જિંદગી’ (સૌંદર્ય અને જીવન), ‘લગ્ઝિશ’ (ખલેલ) ‘અવાલૂન’ (વમળ) નામની કૃતિઓમાં પ્રતિનિધિત્વ પામી છે. એમાં ભાવનો આવેગ ને શબ્દમાધુર્ય ધ્યાન ખેંચે છે. એમના કાવ્યસંગ્રહ ‘ઝોલાના’ને 1964નું જમ્મુ અને કાશ્મીર સાંસ્કૃતિક અકાદમીનું પારિતોષિક મળ્યું હતું. એમણે ટૉલ્સટૉયની ‘વૉર ઍન્ડ પીસ’નું કાશ્મીરીમાં ભાષાંતર કર્યું હતું, જેને માટે એમને 1974માં સોવિયેત લૅન્ડ નહેરુ પારિતોષિક મળ્યું હતું.
ચન્દ્રકાન્ત મહેતા