આઝમી, કૈફી (જ. 14 જાન્યુઆરી 1919, આઝમગઢ, ઉત્તરપ્રદેશ, અ. 10 મે 2002, મુંબઈ) : ફિલ્મગીતકાર અને પટકથાલેખક. મૂળ નામ : અખ્તર હુસૈન રિઝવી. 1942ના ‘ભારત છોડો’ આંદોલન સમયે ફારસી અને ઉર્દૂનો અભ્યાસ છોડી દીધો. માર્કસવાદી વિચારસરણીથી પ્રભાવિત થઈ તેમાં સક્રિય બન્યા. 1945માં મુંબઈ આવ્યા અને શ્રમિક સંઘના કાર્યકર બન્યા. ત્યારબાદ તેમણે 3 કાવ્યસંગ્રહ ‘આખિરી શબ’, ‘ઝનકાર’ અને ‘આવારા સજદે’ પ્રગટ કર્યા. નાનુભાઈ વકીલની ફિલ્મોથી કથાલેખક તરીકે ફિલ્મી કારકિર્દી શરૂ કરી. ત્યારબાદ ગુરુદત્તની ‘કાગઝ કે ફૂલ’ (1959), ચેતન આનંદની ‘હકીકત’ (1964) અને કમાલ અમરોહીની ‘પાકીઝા’ (1971) ફિલ્મોએ તેમને ગીતકાર તરીકે ભારે નામના અપાવી. 1973માં એમ. એસ. સત્યુની ફિલ્મ ‘ગર્મ હવા’ માટે તેમણે પટકથા, સંવાદ અને ગીતો લખ્યાં. 1976માં શ્યામ બેનેગલની ફિલ્મ ‘મંથન’ના સંવાદો પણ તેમણે લખ્યા. હૃષીકેશ મુખરજીની ફિલ્મ ‘બાવરચી’ (1972) અને કમાલ અમરોહીની ફિલ્મ ‘રઝિયા સુલતાન’ (1983) માટે તેમણે ગીતો લખ્યાં. સઇદ અખ્તર મિર્ઝાની ‘નસીમ’ (1995) ફિલ્મમાં તેમણે વૃદ્ધની ભૂમિકા પણ કરી. 1979માં રમણકુમારે ‘કૈફી આઝમી’ નામની એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. એમની પુત્રી શબાના સફળ અભિનેત્રી છે. 1974માં પદ્મશ્રીનો ખિતાબ તેમને એનાયત થયો હતો. સોવિયેત લેન્ડ નહંરુ પુરસ્કાર, ડોક્ટરેટ ફ્રોમ વિશ્વભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનમાંથી પ્રાપ્ત થઈ હતી. તેમના હોમટાઉન આઝમગઢથી જૂની દિલ્હી જતી ટ્રેઇનને” કૈફિયત એક્સપ્રેસ” નામ આપી ગવર્મેન્ટે તેમને અંજલિ આપી હતી.
પીયૂષ વ્યાસ