આજ્ઞાપત્ર (1716) : મધ્યકાલીન મરાઠા રાજ્યતંત્રનો ગ્રંથ. કોલ્હાપુરના રાજા શંભુ છત્રપતિની પ્રેરણાથી એના પ્રધાન રામચન્દ્રે એની રચના કરેલી. એમાં 9 પ્રકરણો છે. પહેલાં 2 પ્રકરણોમાં શિવાજી દ્વારા સ્વરાજ્યની સ્થાપના, તથા સંભાજી અને રાજારામ દ્વારા એના સંરક્ષણ અને સ્થિરીકરણની ચર્ચા છે. ત્રીજા પ્રકરણથી રાજ્યશાસ્ત્રવિષયક ગંભીર ચિંતન છે. એમાં રાજાના ગુણો તથા એની જવાબદારીઓનું સદૃષ્ટાન્ત નિરૂપણ છે. ચોથા પ્રકરણમાં રાજાના પંતપ્રધાનનું મહત્વ તથા એના ગુણાવગુણની મીમાંસા વિસ્તારથી કરી છે. લેખક પોતે પ્રધાન હોવાથી, એ વિશે પોતાને જે જાતમાહિતી હતી તેનો પૂરો ઉપયોગ એમાં એમણે કર્યો છે. છઠ્ઠા પ્રકરણમાં વેપારી વર્ગ જોડે રાજાના સંબંધનું નિરૂપણ છે. સાતમામાં તલાટી, મુખી વગેરે સરકારી નોકરોના સંબંધ વિશેનું નિરૂપણ છે. એમાં રાજાઓ ભૂમિદાન કરતા, તેને બદલે દ્રવ્યદાન વધારે ઉચિત છે એમ દર્શાવ્યું છે. આઠમા તથા નવમા પ્રકરણમાં સંરક્ષણને લગતું દુર્ગનિર્માણ, સૈન્યસંગઠન અને નૌસેનાનું નિરૂપણ છે.
ઉષા ટાકળકર