આચાર્ય, ગિરિજાશંકર વલ્લભજી

February, 2001

આચાર્ય, ગિરિજાશંકર વલ્લભજી (191૦ની આસપાસ) : રાજકોટના પ્રખ્યાત વૉટસન મ્યુઝિયમના ક્યુરેટર. મૂળ વતન જૂનાગઢ; વલ્લભજી હરિદત્ત આચાર્ય(ક્યુરેટર)ના પુત્ર. 4-2-191૦થી વલ્લભજી માંદા પડ્યા ત્યારે એમની ગેરહાજરીમાં એમના વિદ્વાન પુત્ર ગિરિજાશંકરે વૉટસન મ્યુઝિયમનો હવાલો સંભાળી લીધો હતો. તેઓ પાછળથી મુંબઈના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યુઝિયમના ક્યુરેટર તરીકે 2૦ વર્ષ રહ્યા હતા અને ત્યારબાદ સૌરાષ્ટ્ર સરકારમાં પુરાતત્વ ખાતાના માનાર્હ સલાહકાર હતા. તેઓ પાલિ ભાષાના વિદ્વાન અને પુરાતત્વપ્રેમી હતા. તેમણે ‘ગુજરાતના ઐતિહાસિક લેખો ભા. 1-2-3’ નામે અભ્યાસપૂર્ણ ગ્રંથ લખ્યો છે. મોહેં-જો-દડોના સંશોધક સ્વ. રાખાલદાસ બૅનરજીની તેમની પર ઘેરી અસર હતી. બૅનરજી સાથે ગિરિજાશંકર આચાર્યે થોડો સમય કામ કર્યું હતું.

કૃષ્ણવદન જેટલી