આગરકર, ગોપાળ ગણેશ (જ. 14 જુલાઈ, 1856, ટંભુ, જિ. સતારા; અ. 17 જૂન 1895, પુણે) : સુવિખ્યાત મરાઠી ચિંતક, સમાજસુધારક તથા પત્રકાર. પૂર્વજોનું વતન કોંકણ પ્રદેશનું આગરી ગામ. અત્યંત ગરીબ કુટુંબમાં જન્મેલા. બધું શિક્ષણ અલગ અલગ સ્થળે કરાડ, રત્નાગિરિ, અકોલા, પુણે અને પારાવાર મુશ્કેલીમાં થયું. પુણેની ડેક્કન કૉલેજમાંથી 188૦માં ઇતિહાસ અને તત્વજ્ઞાન વિષયો સાથે એમ. એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી. શિક્ષણ દરમિયાન અર્વાચીન મહારાષ્ટ્રના પ્રખર રાષ્ટ્રભક્ત વિષ્ણુશાસ્ત્રી ચિપળૂણકરની ઉદ્દામવાદી વિચારસરણીથી પ્રભાવિત થયા અને લગભગ તે જ અરસામાં લોકમાન્ય ટિળક સાથે પરિચય થયો. ટિળક અને આગરકર સમાનધ્યેયી હોવાથી બંને વચ્ચેનો પરિચય શરૂઆતમાં ઘનિષ્ઠ સ્નેહમાં તથા કાલક્રમે વિવિધ પ્રકારની સહિયારી પ્રવૃત્તિઓમાં પરિણમ્યો. 188૦માં પુણેમાં રાષ્ટ્રીય શિક્ષણ આપવાના ઉમદા ધ્યેય સાથે ન્યૂ ઇંગ્લિશ સ્કૂલની સ્થાપના થઈ તે પણ ચિપળૂણકર, ટિળક તથા આગરકરના સહિયારા પ્રયત્નોનું પરિણામ હતું. આગરકરે આ શાળામાં અધ્યાપનકાર્ય પણ કર્યું. 1884માં આ સંસ્થા ડેક્કન એજ્યુકેશન સોસાયટીમાં પરિવર્તિત થઈ અને તેના નેજા હેઠળ ફર્ગ્યુસન કૉલેજની સ્થાપના થઈ. શરૂઆતમાં આ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયેલા આગરકરની 1892માં તેના આચાર્યપદે વરણી થઈ.
આગરકર મહારાષ્ટ્રમાં વિવેકયુગના પ્રવર્તક ગણાય છે. તેઓ લોકશાહીના સંનિષ્ઠ પુરસ્કર્તા હતા. લોકશિક્ષણ તથા લોકજાગૃતિનું બીડું ઝડપનાર નીડર પત્રકાર હતા. ઉચ્ચ કોટિના નિબંધકાર તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. ટિળક અને આગરકર ‘કેસરી’ સાપ્તાહિકના સંપાદક હતા, પરંતુ બંને વચ્ચે વૈચારિક મતભેદ થતાં આગરકરે 1888માં પોતાનું સ્વતંત્ર દ્વિભાષી સાપ્તાહિક ‘સુધારક’ શરૂ કર્યું, જેના મરાઠી સંસ્કરણનું સંપાદન આગરકર પોતે કરતા અને અંગ્રેજી સંસ્કરણનું સંપાદન ગોપાળ કૃષ્ણ ગોખલે સંભાળતા. પત્રકારત્વના ક્ષેત્રમાં આગરકરની કુલ 14 વર્ષની કારકિર્દીમાં શરૂઆતનાં સાત વર્ષ ‘કેસરી’ના સંપાદક અને પછીનાં 7 વર્ષ ‘સુધારક’ના સંપાદક તરીકે વીતેલાં હતાં.
આગરકરનું અધ્યયન અને ચિંતન વિવિધલક્ષી હતું. ઇતિહાસ, રાજકરણ, અર્થકારણ, તત્વજ્ઞાન, સમાજકારણ, શિક્ષણ અને નિસર્ગવાદ જેવા વિવિધ વિષયો પર એમણે લેખો લખ્યા છે તેમાં તેમના વિશાળ જ્ઞાન તથા ઊંડી ચિંતનશીલતાનું સ્પષ્ટ પ્રતિબિંબ પડ્યું છે. તેમના ચિંતન પર પશ્ચિમના કેટલાક વિચારકોનો ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેમાં જ્હૉન સ્ટૂઅર્ટ મિલ, હર્બર્ટ સ્પેન્સર તથા ઇતિહાસકાર એડવર્ડ ગિબન વિશેષ ઉલ્લેખનીય છે.
‘કેસરી’ તથા ‘સુધારક’માં નિબંધસ્વરૂપમાં તેમના જે લેખો પ્રકાશિત થયા તેમાંના કેટલાક ગ્રંથસ્થ થયા છે. દા.ત., ‘કેસરીતીલ નિવડક નિબંધ’ પુસ્તક 1 (1886), પુસ્તક 2 (1888), ‘સુધારક’માં પ્રસિદ્ધ થયેલ ‘નિવડક નિબંધ’ (1895), ‘નિબંધ-સંગ્રહ’ ભાગ 1, 2 અને 3, ‘વિવિધ-સંગ્રહ’ ભાગ 1 (1891). ઉપરાંત ‘વિકારવિલસિત’ અર્થાત્ શેક્સપિયરના ‘હૅમ્લેટ’ નાટકનું મરાઠી ભાષાંતર (1883), ‘ડોંગરીચ્યા તુરુંગાંત આમચે 1૦1 દિવસ’ (1882), ‘વાક્યમીમાંસા આણિ વાક્યાચે પૃથક્કરણ’ (1888)નો સમાવેશ થાય છે. ડૉંગરીના કારાવાસ દરમિયાન (1882) તેમને જે અનુભવો થયા તેને આધારે આગરકરે તે જમાનાનાં કારાગૃહોની દયનીય પરિસ્થિતિ પર પ્રકાશ પાડવા માટે પુસ્તક લખ્યું, એટલું જ નહિ, પરંતુ માનવીય ધોરણે તેમાં સુધારા કરવાની જોરદાર હિમાયત કરી. ‘હૅમ્લેટ’ નાટકનું તેમણે કરેલ ભાષાંતર મરાઠી રંગભૂમિ પર ખૂબ લોકપ્રિય થયું હતું.
બુદ્ધિનિષ્ઠ દૃષ્ટિકોણથી સમાજજીવનનું વિશ્લેષણ કરનાર આગરકરે અન્યાય પર આધારિત રૂઢિઓ તથા પરંપરાઓનો સખત વિરોધ કર્યો છે. નીતિમાન અને સદાચારી સમાજની નિર્મિતિ માટે ઈશ્વર તથા ધર્મ અનિવાર્ય છે તેવી વિચારસરણી તેમને માન્ય ન હતી. બુદ્ધિવાદ, વ્યક્તિવાદ, સમતા તથા માનવતાવાદ – આ ચતુ:સૂત્રી સિદ્ધાંતો પર તેમની સામાજિક વિચારસરણી રચાયેલી હતી. સ્વાભાવિક રીતે જ પૂર્વજન્મ, પુનર્જન્મ, ચાતુર્વર્ણ્ય, જ્ઞાતિસંસ્થા, અસ્પૃશ્યતા તથા બાળવિવાહ જેવી બાબતો તેમને સર્વથા અમાન્ય હતી. વ્યક્તિ-સ્વાતંત્ર્યમાં શ્રદ્ધા ન હોય તેવો રૂઢિ તથા અંધશ્રદ્ધાથી પીડાયેલો સમાજ પ્રગતિ કરી શકે જ નહિ તેવી તેમની દૃઢ માન્યતા હતી. સ્ત્રીશિક્ષણના તેઓ હિમાયતી હતા. શિક્ષણ વગર સામાજિક ગુલામીમાંથી સ્ત્રીઓ મુક્તિ મેળવી શકશે નહિ તેવું તેઓ માનતા. સામાજિક સુધારણા અંગે તે જમાનામાં તેમણે જે વિચારો વ્યક્ત કર્યા હતા તે પચાવી ન શકનાર લોકોએ આગરકર સામે ઝુંબેશ શરૂ કરેલી, છતાં ‘ઇષ્ટ હોય તે બોલીશ અને સાધ્ય હોય તે કરીશ’ એવી નીડરતાથી તેમણે તેમનો સામનો કર્યો હતો.
સમાજચિંતન એ તેમના વ્યક્તિત્વનો સ્થાયીભાવ હતો, છતાં રાજકીય વિચારસરણીની બાબતમાં તેઓ ટિળક જેટલા જ ઉદ્દામવાદી હતા. રાજકીય હક્કો તથા રાજકીય સ્વાતંત્ર્ય અંગેની તેમની તીવ્ર લગન તેમના લેખોમાંથી સ્પષ્ટપણે પ્રતિબિંબિત થતી હતી. ચિપળૂણકર પછી મહારાષ્ટ્રમાં રાજકીય વિચારજાગૃતિ લાવવાનું કાર્ય જે કેટલાક વિચારકોએ ચાલુ રાખ્યું, તેમની પ્રથમ હરોળમાં આગરકરનું નામ મુકાય છે.
ઉષા ટાકળકર