આખ્યાયિકા : સંસ્કૃત ગદ્યસાહિત્યનો આત્મકથાત્મક પ્રકાર. તેમાં કથાનાયક પોતે જ પોતાનું વૃત્તાંત કહે છે. તે સત્ય ઘટના પર આધારિત હોય છે. શરૂઆતમાં મંગલશ્લોક, પછી રાજાની પ્રશંસા, કવિવંદના, પરગુણસંકીર્તન અને દુર્જનનિંદા આવી શકે. ત્યારબાદ કવિના વંશની વિસ્તૃત માહિતી ગદ્યમાં રજૂ થાય. આખ્યાયિકામાં પ્રકરણો હોય છે અને તેને ઉચ્છવાસ કહેવાય છે. તેમાં કન્યાહરણ, સંગ્રામ, વિપ્રલંભ, ઉદય વગેરેને વણી લેવાય છે. ગદ્યરચના હોવા છતાં આખ્યાયિકામાં વચ્ચે વચ્ચે ભાવિનો અર્થ સૂચવતા વકત્ર અને અપરવક્ત્ર છંદના શ્લોકો આવી શકે. આખ્યાયિકામાં દીપ્ત, રીતિ અને વૃત્તિ, ઉદાત્ત અર્થ, મધ્યમ અને ટૂંકા સમાસ તથા ગઠબંધતા આવે છે. આ લક્ષણો મુખ્યત્વે ભામહ, રુદ્રટ અને વિશ્વનાથે આપેલાં છે. દંડીના મતે કથા અને આખ્યાયિકા એક જ ગદ્યપ્રકાર છે. દંડીના આ મતને અનુગામી સાહિત્યશાસ્ત્રીઓએ સ્વીકાર્યો નથી.

સુરેશ જ. દવે